
Spotlight
Indian Premier League Indian Premier League
ધોનીની ટીમને ચેન્નાઇમાં હરાવ્યા બાદ હવે કોટલા પર જંગ, સાંજે ૪.૦૦ કલાકે પ્રસારણ
એક સપ્તાહ કરતાં પણ ઓછા સમય અગાઉ ચેન્નાઇની ટીમને તેના જ ઘરઆંગણે હરાવ્યા બાદ વીરેન્દ્ર સેહવાગની દિલ્હી ડેર ડેવિલ્સની ટીમ આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરુવારે ફરીથી આ જ હરીફ સામે ટકરાશે ત્યારે તે ચોક્કસપણે ફેવરિટ હશે. દિલ્હી અને ચેન્નાઇ વરચે ગુરુવારે અહીંના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ ખાતે આઇપીએલની મેચ રમાશે. સેટ મેકસ પરથી સાંજે ૪.૦૦ કલાકે મેચનું પ્રસારણ થશે. ગયા સપ્તાહે દિલ્હીએ ચેન્નાઇ સામે આઠ વિકેટે આસાન વિજય હાંસલ કર્યોહતો. સુકાની વીરેન્દ્ર સેહવાગે એ મેચમાં ઝંઝાવાતી ૭૧ રન ફટકાર્યા હતા. ગૌતમ ગંભીરે પણ અડધી સદી ફટકારી હતી.
સેહવાગની દિલ્હીની ટીમ આ મેચમાં જીતશે તો છેલ્લે મુંબઇ સામે થયેલો તેનો પરાજય પણ ભુલાવી દેવાશે. પોઇન્ટ ટેબલમાં અત્યારે દિલ્હી અને ચેન્નાઇ આઠ-આઠ પોઇન્ટ સાથે સંયુકતપણે બીજા ક્રમે છે. જયારે રાજસ્થાન અને પંજાબ દસ-દસ પોઇન્ટ સાથે મોખરાના સ્થાને છે.
મુંબઇ સામેના પરાજય છતાં દિલ્હીની ટીમ મજબૂત છે અને આ મેચ જીતવા માટે ફેવરિટ છે, કેમ કે ટીમના મોખરાના બેટ્સમેનો સુંદર ફોર્મ ધરાવે છે. ટીમની બોલિંગ પણ વૈવિઘ્યસભર છે.
ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર પણ શ્રેષ્ઠ ફોર્મમાં છે. લક્ષ્યાંકનો સામનો કરતી વખતે આ બંને જે રીતે બેટિંગ કરે છે તે જોતાં ગમે તેવો મોટો લક્ષ્યાંક સામાન્ય બની જતો હોય છે.