
Spotlight
Indian Premier League Indian Premier League
સચિન હજી પણ અનફિટ, મુંબઇએ ફોર્મમાં આવવું જરૂરી, રાત્રે ૮.૦૦ કલાકે સેટ મેકસ પરથી પ્રસારણ
આઇપીએલમાં અચાનક જ ફોર્મમાં આવી ગયેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સામે બુધવારે રાજસ્થાનને હરાવવાનો મોટો લક્ષ્યાંક આવી પડયો છે. બુધવારે મુંબઇ અને રાજસ્થાન વરચે અહીંના ડી. વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ રમાશે. રાત્રે ૮.૦૦ કલાકે સેટ મેકસ પરથી આ મેચનું જીવંત પ્રસારણ કરાશે.
શેન વોર્નની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ છેલ્લે ચેન્નાઇની હોટ ફેવરિટ ટીમને હરાવીને પોઇન્ટ ટેબલમાં મોખરે આવી ગઇ છે. છ મેચમાંથી રાજસ્થાનની ટીમ અત્યારે દસ પોઇન્ટ ધરાવે છે. જયારે પંજાબની ટીમ પણ દસ પોઇન્ટ સાથે મોખરે છે પણ તે સાત મેચ રમી છે.
મુંબઇની ટીમ બુધવારે સળંગ સાતમી મેચમાં પણ આઇકોન ખેલાડી સચિન તેંડુલકરની સેવા ગુમાવે તેવી સંભાવના છે. મુંબઇએ સચિન અને હરભજનની ગેરહાજરીમાં શૌન પોલોકની આગેવાની હેઠળ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી ડેર ડેવિલ્સની ટીમને હરાવી હતી.
હાલમાં પોઇન્ટ ટેબમાં છઠ્ઠું સ્થાન ધરાવતી મુંબઇની ટીમ સામે આ વખતે કપરો લક્ષ્યાંક છે, કેમ કે તેને રાજસ્થાનની ટીમનો સામનો કરવાનો છે. શેન વોર્નની ટીમ ૧૯મી એપ્રિલે દિલ્હી સામે હારી એ પછી તે સળંગ પાંચ મેચ જીતી ચૂકી છે. આ ગાળામાં તેણે પંજાબ, હૈદરાબાદ, બેંગલોર, કોલકાતા અને ચેન્નાઇને હરાવીને આગેકૂચ કરી છે.
શેન વોર્નની રાજસ્થાનની ટીમ બુધવારે મુંબઇને હરાવીને તેની વિજયકૂચ જાળવી રાખવાનો પ્રયાસ કરશે તો બીજી તરફ મુંબઇની ટીમ હવે પછીનો એકેય મુકાબલો ગુમાવવાનું પસંદ કરશે નહીં.
મુંબઇની ટીમના ખેેલાડીઓએ તેમની મજબૂત શરૂઆતને મોટી ઇનિંગ્સમાં ફેરવવાની કળા હાંસલ કરવી પડશે. સનત જયસૂર્યાએ સોમવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ટ્વેન્ટી૨૦માં એક બેટ્સમેને ૧૫મી ઓવર સુધી ટકી રહેવું જરૂરી હોય છે.