
Spotlight
Indian Premier League Indian Premier League
આઇપીએલ : બેંગલોરને છ વિકેટથી હરાવ્યું, પીયૂષ ચાવલાની ત્રણ વિકેટ, પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન સાથે મોખરે
યુવરાજસિંઘની પંજાબની કિંગ્સ ઇલેવને સોમવારે ફરીથી શાનદાર રમત દાખવીને બેંગલોરની ટીમ સામે છ વિકેટથી વિજય હાંસલ કર્યોહતો.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પંજાબનો આ સળંગ પાંચમો વિજય હતો. ૨૭મીએ રાજસ્થાન સામે હાર્યા બાદ પંજાબની ટીમ એકેય મેચ હારી નથી. આ સાથે પોઇન્ટ ટેબલમાં પણ પંજાબ દસ પોઇન્ટ સાથે રાજસ્થાનની લગોલગ આવી ગઇ છે.
બેંગલોરની ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૧૯.૨ ઓવરમાં ૧૨૬ રન નોંધાવ્યા હતા. જેના જવાબમં પંજાબની ટીમે ૧૮.૨ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક વટાવી દીધો હતો.પંજાબ માટે ઓપનર શૌન માર્શે ૩૯ તથા રામનરેશ સરવને ૩૧ રન નોંધાવ્યા હતા.
અગાઉ પંજાબે ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. સુકાની યુવરાજસિંઘના નિણર્યને યોગ્ય ઠેરવતાં પંજાબના બોલરોએ શરૂઆતમાં જ તરખાટ મચાવીને બેંગલોરની વિકેટો ખેરવવાનું શરૂ કરી દીધું હતું.
ઓપનર વસિમ જાફર ઉપરાંત કેમરૂન વ્હાઇટ અને જેકસ કાલિસ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઇ ગયા હતા. શ્રીસંત અને ઇરફાન પઠાણે શરૂઆતની વિકેટો ખેરવી હતી.
અંડર-૧૯ વલ્ર્ડ ચેમ્પિયન ટીમનો સુકાની વિરાટ કોહલી એક છેડે ટકી ગયો હતો અને તેણે ૩૬ બોલમાં પાંચ બાઉન્ડ્રી સાથે ૩૪ રન ફટકાર્યા હતા.
બેંગલોરનો સ્કોર ૧૨૬ સુધી પહોંચાડવામાં મુખ્ય યોગદાન સુકાની રાહુલ દ્રવિડનું રહ્યું હતું. દ્રવિડે ૪૪ બોલમં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે ૫૧ બોલમાં ૬૬ રન ફટકાર્યા હતા. ૧૨૪ રનના કુલ સ્કોરે દ્રવિડ નવમી વિકેટના રૂપમાં આઉટ થયો એ અગાઉ તેણે નવ બાઉન્ડ્રી અને એક સિકસર ફટકારી હતી.
રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીને બાદ કરતાં બેંગલોરનો કોઇ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શકયો ન હતો. લેગસ્પિનર પીયૂષ ચાવલાએ ત્રણ તથા શ્રીસંતે બે વિકેટ લીધી હતી.