HomeSpotlightIndian Premier League Indian Premier League

આઈપીએલની અસર : શોએબ સામેનો પ્રતિબંધ હટાવાયો

akhatarપાકિસ્તાની ઝડપી બોલર શોએબ આઇપીએલમાં રમી શકે તે માટે પાંચ વર્ષનો પ્રતિબંધ એક મહિના માટે હટાવવાનો ટ્રિબ્યુનલનો નિણર્ય

રાવલપિંડી એકસપ્રેસ તરીકે જાણીતો વિવાદાસ્પદ પાકિસ્તાની ઝડપી બોલર શોએબ અખ્તર હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માં રમી શકશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી)ની એપેલેટ ટિ્રબ્યુનલે શોએબ અખ્તર પરનો પ્રતિબંધ એક મહિના માટે ઉઠાવી લેવાનો નિણર્ય લીધો છે.

ગેરશિસ્ત બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે થોડા સમય અગાઉ શોએબ પર પાંચ વર્ષનો પ્રતિબંધ ફરમાવ્યો હતો અને આ પ્રતિબંધ એક મહિના પછી ફરીથી અમલી બની જશે.

શોએબ અખ્તર અને તેના વકીલોએ શનિવારે એક તાકીદની અરજી કરીને આ પ્રતિબંધ હટાવી લેવાની માગણી કરી હતી. અરજીમાં એવું કારણ અપાયું હતું કે શોએબ અખ્તરને તેની આજીવિકા રળતાં રોકી શકાય નહી. એપેલેટ ટિ્રબ્યુનલે આ માગણી સ્વીકારીને શોએબને વચગાળાની રાહત આપી હતી.

શોએબ અખ્તરે ત્રણ સદસ્યની ટિ્રબ્યુનલ સમક્ષ એવી દલીલ કરી હતી કે તેની અરજી પર સુનાવણી હાથ ધરીને નિણર્ય લેવામાં ઘણો સમય વીતી જશે અને આ ગાળામાં તે આઇપીએલમાં રમી શકશે નહીં. આમ તેની આજીવિકા પર અસર પડશે.

અગાઉ આ સપ્તાહે જ ટિ્રબ્યુનલે શોએબ પરના પ્રતિબંધ પર સ્ટે લાવવાની અરજી ફગાવી દીધી હતી. જોકે એ વખતે શોએબને પાકિસ્તાનની બહાર કોઇ પણ સ્થળે રમવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની વહીવટી સમિતિએ શોએબ અખ્તરને ટ્વેન્ટી૨૦ ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી આપી ન હતી. તેમણે એવી દલીલ કરી હતી કે જયાં સુધી પીસીબીનો પ્રતિબંધ જારી છે ત્યાં સુધી શોએબ અખ્તર આઇપીએલમાં રમી શકે નહીં.

શોએબને હવે આઇપીએલમાં રમવાની મંજૂરી મળી જતાં શાહરૂખ ખાનની કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમને પણ રાહત થઇ હશે. શાહરૂખ ખાને શોએબ સાથે ૧.૭૦ કરોડ રૂપિયાનો કરાર કર્યોહતો. કોલકાતાની ટીમને અત્યારે ઇન્ટરનેશનલ ખેલાડીની અને ખાસ કરીને શોએબ અખ્તર જેવા સ્ટારની જરૂર છે.

શોએબ ને રમવાની મંજૂરી આપતાં ત્રણ સદસ્યની ટિ્રબ્યુનલના વડા જસ્ટિસ(નિવૃત્ત) આફતાબ ફારૂખે જણાવ્યું હતું કે આગામી સુનાવણી ચોથી જૂને હાથ ધરાશે અને ત્યાં સુધી શોએબ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે છે.

પીસીબીની શિસ્ત સમિતિએ શોએબ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને આ સમિતિ પણ શોએબ અખ્તર વિદેશમાં રમે તેમ ઇરછે છે ત્યારે તેને આજીવિકા રળતો અટકાવવા માટે પ્રતિબંધ જારી રાખવો તે ઝડપી બોલર સાથે અન્યાય લેખાશે તેમ ફારૂખે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે દેખીતી રીતે જ આ કેસનો અંત આવતાં ઘણો સમય લાગી જશે અને અમે માનીએ છીએ કે તેને આઇપીએલમાં રમતો અટકાવવાથી શોએબ પર વધારાની પેનલ્ટી કહેવાય. આમ અમે તેની ઉપરનો પ્રતિબંધ એક મહિના માટે હટાવી લીધો છે.

ફ્રેબ્રુઆરીથી શોએબ અખ્તર ક્રિકેટ મેદાનથી દૂર રહ્યો છે. હવે તે આઇપીએલમાં કોલકાતા માટે રમી શકશે.