HomeSpotlightIndian Premier League Indian Premier League

બેંગલોરનો ત્રણ રને રોમાંચક વિજય

royal-challengersહૈદરાબાદ-બેંગલોર મેચમાં છેલ્લી ઓવર સુધી રસાકસી, લક્ષ્મણ-રોહિતની મહેનત એળે ગઇ

સુકાની વીવીએસ લક્ષ્મણ અને શ્રેષ્ઠ ફોર્મ ધરાવતા રોહિત શર્માએ અડધી સદી ફટકારી હોવા છતાં તેઓ હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સની ટીમને વિજય અપાવી શકયા ન હતા અને અહીં રમાયેલી આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં હૈદરાબાદ સામે બેંગલોર રોયલ ચેલેન્જરની ટીમનો ત્રણ રનથી રોમાંચક વિજય થયો હતો.

ટુર્નામેન્ટમાં બેંગલોરનો આ બીજો વિજય અને હૈદરાબાદનો પાંચમો પરાજય હતો.

અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં હૈદરાબાદની ટીમે ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બેંગલોરે ૨૦ ઓવરમાં આઠ વિકેટના ભોગે ૧૫૬ રન કર્યા હતા.

જેના જવાબમાં ડેક્કન હૈદરાબાદની ટીમે ૨૦ ઓવરને અંતે છ વિકેટે ૧૫૩ રન નોંધાવ્યા હતા. પ્રવીણકુમારને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તેણે ત્રણ વિકેટ ખેરવી હતી.

એડમ ગિલક્રિસ્ટ (૧૦) અને હર્ષેલ ગિબ્સ (૦૫) સસ્તામાં આઉટ થઇ ગયા બાદ હૈદરાબાદ માટે સુકાની વીવીએસ લક્ષ્મણ અને રોહિત શર્માએ ૯૬ રનની ભાગીદારી નોંધાવીને વિજયની તક ઊભી કરી હતી. લક્ષ્મણે બાવન તથા રોહિત શર્માએ ૫૭ રન ફટકાર્યા હતા.

૧૨૭ રનના સ્કોરે રોહિત શર્માને જેકસ કાલિસે આઉટ કર્યોએ સાથે હૈદરાબાદનો ધબડકો થયો હતો. ૧૮મી ઓવરના છેલ્લા બોલે લક્ષ્મણ આઉટ થયો હતો. પ્રવીણકુમારે તેને લેગબિફોર કર્યોહતો. આ સાથે હૈદરાબાદના વિજયની શકયતા મરી પરવારી હતી. શાહિદ આફ્રિદી અને સ્ટાયરિસ સસ્તામાં આઉટ થઇ ગયા હતા.

છેલ્લી બે ઓવરમાં હૈદરાબાદને ૨૫ અને છેલ્લી ઓવરમાં ૨૦ રનની જરૂર હતી. અનિલ કુંબલેએ ફેંકેલી ૨૦મી ઓવરમાં સંજય બાંગરે બે સિકસર ફટકારીને મેચ રોમાંચક બનાવી દીધી હતી પરંતુ અંતે છેલ્લા બે બોલમાં તેઓ બે જ રન કરી શકયા હતા.

અગાઉ વસિમ જાફરના ૪૪ અને વિરાટ કોહલીના ૩૮ રનની મદદથી બેંગલોરની ટીમે ૧૫૬ રન નોંધાવવામાં સફળતા મેળવી હતી. સુકાની રાહુલ દ્રવિડે ૨૬ રનનું યોગદાન આપ્યું હતું. આરપી સિંધે ત્રણ વિકેટ ઝડપી હતી. સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ બે વિકેટ ઝડપી હતી.

આ વિજય સાથે બેંગલોરની ટીમના છ મેચમાં ચાર પોઈન્ટ થયા છે જયારે હૈદરાબાદના બે પોઇન્ટ છે.