
Spotlight
Indian Premier League Indian Premier League
અમ્પાયર પ્રતાપકુમાર એક મેચમાંથી સસ્પેન્ડ
કોલકાતા અને રાજસ્થન વરચે ગુરુવારે રમાયેલી આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ મેચમાં સર્જાયેલા કેચના વિવાદમાં કોલકાતાની ટીમના સુકાની સૌરવ ગાંગુલી તથા રાજસ્થાનની ટીમના સુકાની શેન વોર્નને દસ ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત મેચના અમ્પાયર જી. એ. પ્રતાપકુમારને પણ એક મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મેચ દરમિયાન સૌરવ ગાંગુલીએ એક બોલ ડીપ મિડવિકેટ તરફ ઉછાળ્યો હતો અને રાજસ્થાન માટે રમતા દક્ષિણ આફ્રિકન ક્રિકેટર ગ્રીમ સ્મિથે કેચ ઝડપી લીધો હતો. ગાંગુલીએ આઉટ હોવાનો ઇનકાર કરીને થર્ડ અમ્પાયરની મદદ લેવાનો આગ્રહ રાખ્યો હતો. પ્રતાપકુમારે થર્ડ અમ્પાયર અસાદ રઉફને નિણર્ય આપવા કહ્યું હતું અને અંતે તેમનો નિણર્ય ગાંગુલીની તરફેણમાં આવ્યો હતો.
મેચ બાદ શેન વોર્ને આ બાબતનો વિરોધ કર્યોહતો અને ગાંગુલીની ટીકા કરતાં કહ્યું હતું કે ભારતીય ક્રિકેટરે આઇપીએલની સ્પિરિટની વિરુદ્ધનું કòત્ય કર્યું છે.
સૌરવ ગાંગુલી અને શેન વોર્ન બંનેના વર્તનથી નારાજ મેચ રેફરી ફારૂખ એન્જિનિયરે આઇપીએલની આચારસંહિતાના લેવલ-૧ મુજબ બંને ખેલાડી સામે મેચ ફીના દસ ટકાની રકમનો દંડ ફટકાર્યોહતો.
શેન વોર્ન સામે આઇસીસીની આચરસંહિતાની કલમ ૧.૭ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જે મુજબ કોઇ પણ ખેલાડી મેચને લગતી ઘટના અંગે જાહેરમાં કોમેન્ટ કરી શકતો નથી.
એન્જિનિયરે જણાવ્યું હતું કે અમ્પાયર પ્રતાપકુમાર પાસે પણ બેટ્સમેનના દબાણમાં આવીને થર્ડ અમ્પાયરને નિણર્ય આપવાનું કહેવાનું કોઇ કારણ ન હતું અને તેથી જ તેમને પણ એક મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આઈપીએલની ટુર્નામેન્ટમાં અમ્પાયરને સસ્પેન્ડ કર્યાની આ બીજી ઘટના છે. અગાઉ ગયા સપ્તાહે મોહાલીની મેચમાં હરભજન અને શ્રીસંત વરચેના વિવાદ બાદ અમ્પાયર અમિષ સાહેબાને સસ્પેન્ડ કરાયા હતા.