HomeSpotlightIndian Premier League Indian Premier League

હતાશ મુંબઇ આજે કોલકાતા સામે રમશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અત્યારસુધીમાં પોતાની તમામ મેચ હારી ગયેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ મંગળવારે અહીંના ઇડન ગાર્ડન્સ ખાતે રમાનારી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.

mumbai-indianસૌરવ ગાંગુલીની કોલકાતાની ટીમે આ ટુર્નામેન્ટમાં સારો દેખાવ કર્યો છે. કદાચ આ ટીમ ચેન્નાઇ અને રાજસ્થાનની માફક રમી શકી નથી પરંતુ તેમ છતાં ગાંગુલીની ટીમ ચાર પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. કોલકાતા ત્રણમાંથી બે મેચ જીતી છે અને શનિવારે ચેન્નાઇ સામે તેનો પરાજય થયો હતો.

મુંબઇની ટીમ ટુર્નામેન્ટ શરૂ થઇ એ અગાઉ ફેવરિટ ટીમો પૈકીની એક હતી. સચિન તેંડુલકર ઇજાને કારણે એકેય મેચ રમી શકયો નથી. તેમાં હરભજનસિંઘનો વિવાદ થયો અને હવે તે આ ટુર્નામેન્ટમાંથી લગભગ આઉટ થઇ ગયો છે. તેની ઉપર ૧૧ મેચનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

મુંબઇ ચાર મેચ રમ્યું છે. આમ હરભજન હવે મુંબઇની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશે તો જ રમી શકશે અને હાલના તબક્કે મુંબઇનું પ્રદર્શન જોતાં તે સેમિફાઇનલમાં પ્રવેશે તેવી શકયતા ઓછી છે.

સચિન અને હરભજનની ગેરહાજરીમાં મુંબઇની ટીમ શૌન પોલોકની આગેવાની હેઠળ રમી રહી છે. સૌરવ ગાંગુલીની કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે વધારે ચડિયાતા ખેલાડીઓ છે.

આ ટીમમાં બ્રેન્ડન મેક્કુલમ, સૌરવ ગાંગુલી, રિકી પોન્ટિંગ, અજિત અગરકર, ડેવિડ હસ્સી, મુરલી કાર્તિક, મોહમ્મદ હફીઝ, ઇશાન્ત શર્મા અને ઉમર ગુલ જેવા ખેલાડીઓ ધરાવતી કોલકાતાની શાહરૂખ ખાનની ટીમ ટુર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ ગણાય છે.