
Spotlight
Indian Premier League Indian Premier League એડમ ગિલક્રિસ્ટે માત્ર ૪૨ બોલમાં સદી ફટકારી આઈપીએલમાં ઝડપી સદીનો નવો વિક્રમ સર્જતાં ડેક્કન ચાર્જર્સ, હૈદરાબાદની ટીમે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સને દસ વિકેટે હરાવી હતી.
પ્રથમ બેટિંગ કરતાં મુંબઈએ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૪ રન નોંધાવ્યા હતા. હૈદરાબાદે ૧૨.૪ ઓવરમાં વિના વિકેટે આ સ્કોર વટાવી દીધો હતો. ગિલક્રિસ્ટ ૪૮ બોલમાં નવ બાઉન્ડ્રી અને દસ સિકસર સાથે ૧૦૯ રન ફટકારી અણનમ રહ્યો હતો.
જયારે સુકાની લક્ષ્મણે ૩૬ રન ફટકાર્યા હતા. અહીંના ડી. વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સચિન અને હરભજનની ગેરહાજરીમાં શોન પોલોકે મુંબઇની ટીમની આગેવાની લીધી હતી. ડેક્કન ચાર્જર્સના સુકાની લક્ષ્મણે ટોસ જીતીને મુંબઇને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
મુંબઈ માટે પોલોકે ૩૧, અભિષેક નાયર અને બ્રેવોએ ૩૪-૩૪ રન ફટકાર્યા હતા. મુંબઇની શરૂઆત કંગાળ રહી હતી અને ૨૭ રન સુધીમાં ત્રણ અને ૭૯ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બાજી સંભાળીને ટીમને ૧૫૪ રનના સ્કોર સુધી પહોંચાડી હતી. પોલોકે ૩૧ રન ફટકાર્યા હતા.
જેમાં ત્રણ બાઉન્ડ્રી અને એક સિકસરનો સમાવેશ થતો હતો. નાયર અને બ્રેવોએ ૩૪-૩૪ રનનું યોગદાન આપ્યું હતું. નાયર વધારે આક્રમક રહ્યો હતો. તેણે એક બાઉન્ડ્રી અને ત્રણ સિકસર ફટકારી હતી.
જોકે આરપી સિંઘ, નુવાન ઝોયસા, શાહિદ આફ્રિદી અને સંજય બાંગરના તરખાટ સામે મુંબઇનો કોઇ બેટ્સમેન ટકી શકયો ન હતો. બાંગર અને આફ્રિદીએ બે-બે વિકેટ લીધી હતી. જયારે આરપી સિંધે ઓપનર રોંચી અને બ્રેવોને આઉટ કર્યા હતા.