
Spotlight
Indian Premier League Indian Premier League ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હજી સુધી અપરાજિત રહેલી ચેન્નાઇની સુપર કિંગ્સની ટીમ સોમવારે બેંગલોરની રોયલ ચેલેન્જર્સ સામે રમશે. સેટ મેકસ પરથી રાત્રે ૮.૦૦ કલાકે મેચનું જીવંત પ્રસારણ કરાશે.
મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઇની ટીમે શનિવારે ચેપોક ખાતે રમાયેલી મેચમાં ફેવરિટ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમને નવ વિકેટે આસાનીથી હરાવી દીધી હતી.
ધોનીની ટીમમાં મેથ્યુ હેડન જેવો બેટ્સમેન જે સારા ફોર્મમાં છે અને આ ટુર્નામેન્ટમાં બ્રેન્ડન મેક્કુલમ પછી સૌથી વધારે રન નોંધાવનારો ખેલાડી છે. તેણે શનિવારે ધોની સાથે મળીને ચેન્નાઇનો વિજય આસાન બનાવી દીધો હતો.
બીજી તરફ બેંગલોરની પ્રતિભાશાળી ટીમ છે. રાહુલ દ્રવિડની આગેવાની હેઠળની ટીમ શરૂઆતથી જ ફેવરિટ ગણાતી હતી પરંતુ શનિવારે રાજસ્થાન રોયલ સામે તેનો દેખાવ નબળો રહ્યો હતો અને સાત વિકેટથી પરાજય થયો હતો. રોઝ ટેલરે ૪૪ રન ફટકાર્યા હતા પરંતુ એ સિવાય બેંગલોરના અન્ય ખેલાડીઓ નિષ્ફળ ગયા હતા.
પ્ર્રવીણકુમારે છેલ્લે છેલ્લે આક્રમક બેટિંગ કરી હતી તેમ છતાં તેમની ટીમ ૧૩૫ રન જ નોંધાવી શકી હતી. રાજસ્થાનની ટીમે ૧૭.૧ ઓવર રમીને જ લક્ષ્યાંક વટાવી દીધો હતો. ઝહિર ખાન, અનિલ કુંબલે, જેકસ કાલિસ અને સુનિલ જોષી જેવા બોલર પણ આ ટુર્નામેન્ટમાં ખાસ કાંઇ કરી શકયા નથી.
ચેન્નાઇની ટીમ આ ટુર્નામેન્ટમાં તેની ત્રણેય મેચ જીતીને છ પોઇન્ટ સાથે મોખરે છે. જયારે રાજસ્થાનની ટીમ પણ છ પોઇન્ટ ધરાવે છે પરંતુ તે ચાર મેચમાંથી એકમાં પરાજિત થઇ છે. બેંગલોરની ટીમે ગયા સપ્તાહે મુંબઇને હરાવ્યું હતું અને એ વિજયની મદદથી બે પોઇન્ટ મેળવ્યા હતા પરંતુ એ સિવાય તે બે મેચ હારી ગઇ હતી. આમ ત્રણ મેચમાંથી બેંગલોર પાસે બે પોઇન્ટ છે.