
Spotlight
Indian Premier League Indian Premier League આઇપીએલ ક્રિકેટને કઇ દિશામાં લઇ જશે તેનો કોઇ અંદાજ નથી, ભાઇઓ મેદાનમાં એકબીજાના દુશ્મન બની જાય છે, ટીમના ડ્રેસિંગરૂમમાં સાથે રહેનાર હવે એકબીજા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરે છે
યુવરાજની કિંગ્સ ઇલેવન પંજાબ અને હરભજનની મુંબઇ ઇન્ડિયન્સ વરચેનો મુકાબલો પૂરો થવાની સાથે કોઇને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં હોય કે ભારતની ‘ટીમ ઇન્ડિયા’નો એક ખેલાડી તેના બીજા સાથી ખેલાડીને લાફો મારી દેશે. દિલ્હીમાં ગ્લેન મેકગ્રા અને શેન વોર્ન આમને સામને હતા.
ગુજરાતની રણજી ટ્રોફી ટીમના બે ટોચના ખેલાડીઓ પાર્થિવ પટેલ અને સિદ્ધાર્થ ત્રિવેદી આગામી સમયમાં એકબીજાની સામે રમશે. ક્રિકેટ કઇ દિશામાં જઇ રહ્યું છે તેનો ખ્યાલ જ નથી આવતો. ગુજરાતના બે ખેલાડીઓ એક ચેન્નાઇમાં તથા એક રાજસ્થાનમાંથી રમી રહ્યા છે.
તેવી રીતે મુંબઇનો એક ખેલાડી રાજસ્થાનમાંથી તો દિલ્હીનો ક્રિકેટર કોલકાતામાંથી રમી રહ્યો છે. આટલે સુધી તો ઠીક છે પરંતુ બીસીસીઆઇની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની પ્રથમ ટ્વેન્ટી૨૦ ટુર્નામેન્ટે દેશ, રાજયો અને ટીમોને વહેંચી નાખવા ઉપરાંત ભાઇઓને પણ વહેંચી નાખ્યા છે. આ ટુર્નામેન્ટથી એક જ ડ્રેસિંગરૂમનો ઉપયોગ કરનાર ખેલાડીઓ આમનેસામને થયા છે અને મેદાનમાં એકબીજા સામે દુશ્મનની જેમ ઊતરે છે.
આઇપીએલમાં ભાઇઓની ત્રણ જોડી રમી રહી છે. ભારતના ઇરફાન-યુસફ પઠાણ, આલ્બી-મોર્ને મોર્કલ તથા માઇક-ડેવિડ હસ્સીની જોડીઓ જેમ એક જ ટીમના ખેલાડીઓ વિવિધ ટીમમાંથી રમી રહ્યા છે તેમ આ બંધુઓ પણ એકબીજાથી વિખૂટા પડીને વિવિધ ટીમમાંથી રમી રહ્યા છે.
ભારતના ઇરફાન અને યુસુફ પઠાણ બંધુઓ વડોદરાની રણજી ટ્રોફી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સાથેસાથે રમ્યા છે પરંતુ આઇપીએલે આ બંને ભાઇઓને વિખૂટા પાડી દીધા છે.
ઇરફાન પ્રિતી ઝિન્ટાની ટીમમાં છે તો યુસુફ શેન વોર્નની રાજસ્થાન ટીમમાં છે. બંનેએ ઘણું ક્રિકેટ સાથે સાથે રમ્યું છે પરંતુ જયારે આમનેસામને થવાનો સમય આવ્યો છે ત્યારે બંને એકબીજાના હરીફ તરીકે રમશે અને મેદાનમાં તેઓ સહેજ પણ ભાઇચારો રાખવાના બદલે એકબીજા પર હાવી થવાનો પ્રયાસ કરશે.
ઓસ્ટ્રેલિયાનો માઇક તથા ડેવિડ હસ્સી ઇંગ્લેન્ડની નોટિંગહામશાયર કલબ તરફથી એક સાથે રમે છે પરંતુ નાણાંની રેલમછેલવાળી આઇપીએલે બંને ઓસ્ટ્રેલિયન ભાઇઓને જુદા કરી નાખ્યા છે.
માઇક હસ્સી ધોનીની ચેન્નાઇ ટીમમાં છે જયારે ડેવિડ કિંગ ખાનની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ તરફથી રમે છે. માઇક હસ્સીએ (૩,૫૦,૦૦૦ ડોલર) વધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હોવા છતાં આઇપીએલમાં તેને તેના ભાઇ ડેવિડ (૬,૨૫,૦૦૦ ડોલર) એટલે કે માઇક કરતાં લગભગ બેવડા નાણાં મળ્યાં છે.
ડેવિડને આટલા બધા નાણાં મળવાના સમાચાર સાંભળીને માઇકને ઘણું આશ્ચર્ય થયું હતું. આઇપીએલમાં વિખૂટી પડનાર ત્રીજી જોડી દક્ષિણ આફ્રિકાના મોર્કલ બંધુઓની છે.
આલ્બી મોર્કલ ધોનીની ટીમમાં છે જયારે તાજેતરમાં ભારતને તેના જ ધરઆંગણે પરેશાન કરનાર મોર્ને મોર્કલને સૌથી ઓછા એટલે કે ૬૦ હજાર અમેરિકન ડોલર મળ્યા છે. બંને ભાઇઓ દક્ષિણ આફ્રિકા ઉપરાંત ટાઇટન્સ, ઇસ્ર્ટન તથા આફ્રિકન ઇલેવનમાં સાથે સાથે રમે છે.