HomeSpotlightIndian Premier League Indian Premier League

ભજજીના લાફાની ગૂંજ : આઈપીએલમાંથી સસ્પેન્ડ

સોમવારે સુનાવણી થશે ત્યારે વધુમાં પાંચ ટેસ્ટ મેચ કે ૧૦ આંતરરાષ્ટ્રીય વન-ડેના પ્રતિબંધની શકયતા

harbhajanમોહાલી ખાતે શુક્રવારે આઇપીએલ ટ્વેન્ટી-૨૦ મેચમાં મુંબઇ ઇન્ડિયનના કેપ્ટન હરભજનસિંહે કિંગ ઇલેવન પંજાબના શ્રીસંતને તમાચો ચોડી દીધાની ઘટનાના ધેરા પ્રત્યાઘાત પડયા છે.

મેચ રેફરી ફારુખ એન્જિનિયરે ઘટનાના ફૂટેજ જોયા બાદ ભજજીને ચુકાદો ન આવે ત્યાં સુધી મુંબઈની ટીમમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. હરભજનને શો-કોઝ નોટિસ ફટકારીને સોમવાર સુધીમાં જવાબ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીસીસીઆઇના સેક્રેટરી નિરંજન શાહે, શ્રીસંતને લાફો મારવા બદલ જો હરભજન દોષિત ઠરશે તો, તેની સામે બે મેચનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી સંભાવના હોવાનું જણાવ્યું છે.

હરભજને ગઇરાત્રે જ શ્રીસંત પાસે માફી માગી લીધી હોવાથી બન્ને ખેલાડીઓ વરચે સમાધાન થઇ ગયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે, પરંતુ સાથે સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, હરભજનને તેના કૃત્યના પરિણામ વિશે જાણકારી થઇ ગયા બાદ હવે આ મામલો રફેદફે કરવાના ભજજી અને શ્રીસંત દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકરણ મીડિયામાં બહુ ચગી ગયું હોવાથી આ મામલો દબાવી દેવાનું ઘણું મુશ્કેલ હશે. શિસ્તભંગનો મુદ્દો હોવાથી બીસીસીઆઇ ઉપરાંત આઇસીસીએ પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.

આઈપીએલ ક્રિકેટમાં સતત ત્રીજી મેચ હારી જવાના કારણે કાર્યવાહક સુકાની હરભજન સિંહ ઉદાસ હતો, તે દરમિયાન જ કિંગ્સ ઇલેવનના ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે તેને ‘હાર્ડ લક’ કહી દીધું.

બસ, પછી તો સ્પોટ્ર્સમેનશિપ ભૂલીને ભજજીએ ગુસ્સામાં શ્રીસંતને એક લાફો જ મારી દીધો. લાફો ખાધા પછી ક્રિકેટનો ‘એંગ્રી યુથ’ કહેવાતો શ્રીસંત પોક મૂકીને રડવા લાગ્યો અને મામલાએ વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધું. હવે, બીસીસીઆઈ હરભજન વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાનું વિચારી રહી છે, જયારે બંને ખેલાડીઓ એકબીજાને ભાઈ-ભાઈ કહીને મામલો રફેદફે કરવા માગે છે.

srisanthપીસીએ મોહાલીમાં શુક્રવારે મોડી રાત્રે ઘટેલી આ ઘટનાની બધા લોકો નિંદા કરી રહ્યા છે અને બીસીસીઆઈ પાસે અપેક્ષા કરી રહ્યા છે કે, ક્રિકેટમાં ‘બેડ બોય’ના નામે પ્રખ્યાત થયેલા હરભજનને કોઇ પણ પરિસ્થિતિમાં માફ કરવામાં ન આવે. રમત-ગમતમાં કોઇ એક ટીમના હારવા પર વિજેતા ટીમના ખેલાડીઓ દ્વારા ‘હાર્ડ લક’ કહેવાની પરંપરા છે, પરંતુ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતો હરભજન સ્પોટ્રર્સમેનશિપ ભૂલી ગયો અને પોતાનો ગુસ્સો શ્રીસંત પર ઉતારી નાખ્યો.

શું કર્યું હતું શ્રીસંતે ? : એવું કહેવાય છે કે, શ્રીસંતે મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડી રોબિન ઉથપ્પાને મેચ દરમિયાન ચીડવ્યો હતો, જે હરભજનને ગમ્યું ન હતું. હરભજન એ વાત ભૂલી ગયો કે, ઉથપ્પા અને શ્રીસંત બિઝનેસ પાર્ટનર છે અને બેંગ્લોરમાં બંને એક હોટલના માલિક છે.

પહેલા પણ ઝઘડયા હતા : ભજજી અને શ્રીસંત આ અગાઉ ચેલેન્જર સિરીઝ દરમિયાન ૨૦૦૪-૦૫માં તથા તાજેતરમાં જ ભારત-દ.આફ્રિકા ટેસ્ટ સિરીઝ દરમિયાન કાનપુર ટેસ્ટમાં પણ ઝઘડયા હતા. બંને જ ઉગ્ર સ્વભાવના છે, પરંતુ શ્રીસંત યોગ કરીને પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી ચૂકયો છે, જયારે હરભજન કોઇના નિયંત્રણમાં નથી.

યુવીએ પણ માફ ન કર્યો: પંજાબના યુવરાજસિંહ અને હરભજનસિંહ ગાઢ મિત્રો છે. પરંતુ ભજજીનું આ વર્તન યુવીને પણ ખરાબ લાગ્યું. આથી તેણે બીસીસીઆઈને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.

હરભજનને નોટિસ : હરભજન-શ્રીસંત વિવાદને ગંભીરતાથી લેતા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે હરભજનસિંહને નોટિસ મોકલીને વિવાદ બાબતે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. સોમવાર સુધી નોટિસનો જવાબ આપવાનો સમય આપવામાં આવ્યો છે. હરભજને બીસીસીઆઈ સાથે કોન્ટ્રાકટ કરેલો ખેલાડી છે અને તેના ઉપર કોડ ઓફ કન્ડકટ અંતર્ગત કાર્યવાહી થઇ શકે છે.

મેચ રેફરીના રિપોર્ટની રાહ : આઈપીએલના ચેરમેન લલિત મોદીએ આ મુદ્દે જણાવ્યું છે કે, જયાં સુધી મેચ રેફરીનો રિપોર્ટ ન આવે, ત્યાં સુધી તેઓ આ મામલે સ્વેરછાથી કંઇ પણ કરી શકે તેમ નથી. બીસીસીઆઈના ઉપાઘ્યક્ષ રાજીવ શુકલાએ પણ જણાવ્યું છે કે, બોર્ડ આ વિવાદ પર કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરતાં પહેલાં ટીમ મેનેજમેન્ટના રિપોર્ટની રાહ જોવી જોઇએ.

કિંગ્સ ઇલેવને ફરિયાદ દાખલ કરી : આ દરમિયાન હરભજનસિંહ દ્વારા માફી માંગી લેવામાં આવી હોવા છતાં પણ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે શનિવારે હરભજન વિરુદ્ધ બીસીસીઆઈમાં ઔપચારિક ફરિયાદ દાખલ કરી છે.

પહેલાંથી જ બદનામ છે ભજજી

શારજાહમાં ૨૨ એપ્રિલ, ૧૯૯૮માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે મેચ દરમિયાન રિકી પોન્ટિંગને આંગળી દર્શાવીને પેવેલિયન તરફ જવાનો ઇશારો કર્યોહતો અને સાથે જ અપશબ્દોનો પણ પ્રયોગ કર્યોહતો.

૩૧ જાન્યુઆરી, ૨૦૦૨ના રોજ અમ્પાયર સાથે દુવ્ર્યવહાર કરવાના કારણે ૭૫ ટકા મેચફીનો દંડ ફટકારાયો હતો.

૨૦૦૩માં ટીવીએસ ટુર્નામેન્ટ દરમિયાન આફ્રિકા વિરુદ્ધની મેચમાં અપશબ્દો બોલવાના કારણે કલમ ૨.૯ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

૨૦૦૫માં દ.આફ્રિકાના એશ્વેલ પ્રિન્સને પેવેલિયન તરફ જવાનો ઇશારો કર્યોહતો, જેના કારણે ૨૫ ટકા મેચ ફીનો દંડ ફટકારાયો હતો.

૨૦૦૮માં ઓસ્ટ્રેલિયામાં એન્ડ્રયુ સાયમન્ડસને મંકી કહેવાના કારણે આઈસીસીએ મેચ ફીના ૫૦ ટકાનો દંડ ફટકાર્યોહતો.