
Spotlight
Indian Premier League Indian Premier League બ્રેન્ડન મેક્કુલમ, માઇક હસ્સી, મેથ્યુ હેડન સહિત ઘણા
ક્રિકેટરો અત્યાર સુધી રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની મેચોમાં સ્ટાર રહ્યા છે અને આ ખેલાડીઓને કારણે તેમની ટીમે મેચો પણ જીતી છે પરંતુ મે મહિનાના પ્રારંભથી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ આઇપીએલમાં રમી શકશે નહીં અને આ ટુર્નામેન્ટને મોટો ફટકો પડશે, કેમ કે તેઓ પોતાના દેશ માટે રમવા ચાલ્યા જશે.
ઓસ્ટ્રેલિયન ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે અને ત્યાં ટેસ્ટ અને વન-ડે શ્રેણી રમશે તો ન્યૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ગઇ છે. હાલમાં આઇપીએલમાં રમી રહેલા કેટલાક કિવિ ખેલાડીઓ પહેલી મેથી ન્યૂઝીલેન્ડની ટીમ સાથે જોડાશે તો ઓસ્ટ્રેલિયન ખેલાડી પહેલી મેથી બ્રિસબેનમાં યોજાનારા વિન્ડીઝ પ્રવાસ અગાઉના કેમ્પમાં જોડાશે.
આમ થતાં આઇપીએલની લગભગ તમામ ટીમોને મોટો ફટકો પ઼ડવાનો છે. જેમાં કોલકાતાની ટીમ સૌથી વધારે અસર પામશે. આઇપીએલમાં રમી રહેલી વિવિધ ટીમો અને તેમના વિદેશી ખેલાડીઓ અંગે એક તારણ અહીં રજૂ કર્યું છે.
ડેક્કન ચાર્જર્સ (હૈદરાબાદ)
વીવીએસ લક્ષ્મણની ડેક્કન ચાર્જર્સ ટીમમાં ઓસ્ટ્રેલિયાનો સાયમન્ડ્સ રમી રહ્યો છે. સાયમન્ડ્સે ગુરુવારે શેન વોર્નની રાજસ્થાન રોયલ્સ ટીમ સામે આક્રમક બેટિંગ કરીને સદી ફટકારી હતી. એ વાત અલગ છે કે તેની ટીમ અંતે મેચ જીતી શકી ન હતી. ડેક્કન પાસે સાયમન્ડ્સની ગેરહાજરીમાં શાહિદ આફ્રિદી, સ્કોટ સ્ટાયરિસ અને હર્ષેલ ગિબ્સ હશે પણ પ્રશ્ન એ છે કે આ ખેલાડીઓ સાયમન્ડ્સ જેવી આક્રમક બેટિંગ કરી શકશે?
કોલકાતા નાઈટ રાઈડર્સ
આ સમસ્યાનો ભોગ બનનારી સૌથી મોટી ટીમ હોય તો તે સૌરવ ગાંગુલીની કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ છે. શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝી ધરાવતી ટીમમાંથી રિકી પોન્ટિંગ, બ્રેન્ડ મેક્કુલમ અને ક્રિસ ગેઇલ ચાલ્યા જશે.
જોકે ગેઇલ ઇજાને કારણે રમી શકયો નથી. પોન્ટિંગ પહેલી મેએ, મેક્કુલમ ૩૦મી એપ્રિલે અને ક્રિસ ગેઇલ ૧૫મી મેએ રવાના થશે. મેક્કુલમ આ ટુર્નામેન્ટનો સૌપ્રથમ સુપરસ્ટાર છે. તેણે પ્રારંભિક મેચમાં જ ૧૫૮ રન ફટકાર્યા હતા. તેમના સ્થાને પાકિસ્તાનનો સલમાન બટ્ટ અને ઝિમ્બાબ્વનો ટૈબુ રમશે.
બેંગલોર રોયલ ચેલેન્જર્સ
રાહુલ દ્રવિડની ટીમમાંથી શિવનારાયણ ચંદ્રપોલ વેસ્ટ ઇન્ડીઝ માટે રમવા ૧૫મી મેએ રવાના થશે. એશ્લે નોફકે અને રોઝ ટેલર પહેલી મેએ ટીમની વિદાય લેશે. જોકે બેંગલોરની ટીમને સૌથી ઓછી અસર પડશે, કેમ કે પાકિસ્તાનનો ૨૦-૨૦ નિષ્ણાત મિસબાહ-ઉલ-હક ૨૩મીથી જોડાઇ ગયો છે અને ભારત સામે જોરદાર બોલિંગ કરનારો ડેલ સ્ટેઇન ૨૭મીથી ટીમ સાથે જોડાશે.
ચેન્નાઇ સુપરકિંગ્સ
ચેન્નાઇની ટીમને પણ આઘાત લાગવાનો છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યુ હેડન અને માઇક હસ્સી પહેલી મેથી તેમની નેશનલ ટીમ માટે રમવા ભારતની વિદાય લેશે અને ન્યૂઝીલેન્ડ-ઇંગ્લેન્ડ વરચેની શ્રેણી માટે જેકોબ ઓરામ રવાના થશે. જોકે સ્ટિફન ફ્લેમિંગ એ પછી ટીમ સાથે જોડાવાનો હોઇ ધોનીને ખાસ તકલીફ પડશે નહીં પણ હેડન અને હસ્સીની ખોટ જરૂર પડશે.
દિલ્હી ડેર ડેવિલ્સ
સેહવાગની દિલ્હી ડેર ડેવિલ્સની ટીમ એકાદ ખેલાડી ગુમાવશે તો બીજો મેળવી લેશે. ન્યૂઝીલેન્ડની ટીમનો સુકાની ડેનિયલ વેટ્ટોરી ૩૦મી એપ્રિલે ઇંગ્લેન્ડ જશે તો દક્ષિણ આફ્રિકાનો ડીવિલિયર્સ ૨૭મીથી દિલ્હીની ટીમ સાથે જોડાઇ રહ્યો છે.
કિંગ્સ ઇલેવન પંજાબ
બ્રેટ લી, સાયમન કેટિચ અને કાયલ મિલ્સ ૨૮મી એપ્રિલે યુવરાજની ટીમની વિદાય લેશે ત્યારે પંજાબ ઇલેવનને તકલીફ પડવાની છે, કેમ કે તેમની પાસે આ કક્ષાના અન્ય કોઇ વિદેશી ખેલાડી નથી. તેમને વીઆરવી સિંઘ અથવા તો અજિતેશ આર્ગલ પર આધાર રાખવો પડશે.
મુંબઈ ઈન્ડિયન્સ
સચિન તેંડુલકરની ગેરહાજરીમાં રમી રહેલી મુંબઇની ટીમને ફકત બ્રેવોની ખોટ સાલશે. એ સિવાય તેમની પાસે ઉરચ કક્ષાના ખેલાડીઓ છે.
રાજસ્થાન રોયલ્સ
શેન વોર્નની ટીમમાંથી કોઇ ખેલાડી વિદાય લઇ રહ્યો નથી. ગ્રીમ સ્મિથ ટીમમાં આવી ગયો છે તો પાકિસ્તાનનો યુનુસ ખાન અને સોહૈલ તનવીર જોડાનારા છે.