
Spotlight
Indian Premier League Indian Premier League ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ
ટુર્નામેન્ટમાં સચિન તેંડુલકર તેની પ્રથમ મેચ કયારે રમી શકશે તે ગે હજી પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ શુક્રવારે અહીંના પીસીએ સ્ટેડિયમ ખાતે પંજાબની કિંગ્સ ઇલેવન સામે ટકરાશે. સેટ મેકસ પરથી રાત્રે ૮.૦૦ કલાકે મેચનું જીવંત પ્રસારણ કરાશે.
યુવરાજસિંઘની આગેવાની હેઠળની પંજાબની ટીમ તેની બંને મેચ હારી ગઇ છે. ચેન્નાઇ સુપર કિંગ્સ સામે તેનો ઘરઆંગણે પરાજય થયો હતો. જયારે રાજસ્થાન સામે જયપુર ખાતે તેનો પરાજય થયો હતો. આ વખતે પંજાબની ટીમ વિજય હાંસલ કરવા તનતોડ મહેનત કરશે, કેમ કે તેઓ ઘરઆંગણે રમી રહ્યા છે.
બીજી તરફ મુંબઇની ટીમ પણ એકેય મેચ જીતી શકી નથી. બુધવારે ચેન્નાઇ ખાતે રમાયેલી મેચમાં ભારે રોમાંચકતા બાદ મુંબઇનો છ રનથી પરાજય થયો હતો. યુવરાજસિંઘ ટ્વેન્ટી૨૦નો નિષ્ણાત બેટ્સમેન ગણાય છે પણ તે હજી સુધી એવી આક્રમક બેટિંગ કરી શકયો નથી જેના માટે તે જાણીતો છે. અગાઉની બે મેચમાં તેણે ૨૩ બોલમાં કુલ ૫૭ રન નોંધાવ્યા છે.
અન્ય બેટ્સમેન મહેલા જયવર્દને અને કુમાર સંગાકરા છે જેમણે હજી સુધી આ ટુર્નામેન્ટમાં તેમની ક્ષમતા મુજબ રમત દાખવી નથી. સંગાકરા આ મેચમાં મોટો સ્કોર નોંધાવવા આતુર છે.
આ ઉપરાંત પંજાબની સમસ્યા તેમના બોલર છે. બ્રેટ લી, શ્રીસંત, ઇરફાન પઠાણ, મિલ્સ અને પીયૂષ ચાવલા પણ તેમની ક્ષમતા મુજબ બોલિંગ કરી શકયા નથી. અગાઉની બે મેચમાં બ્રેટ લીએ ૭૦ તથા ઇરફાન પઠાણે ૬૮ રન આપ્યા છે. શ્રીસંતને પણ ખાસ સફળતા મળી નથી.
જોકે આ મેચમાં પંજાબના બે ખેલાડીઓ યુવરાજસિંઘ અને તેના રણજી ટ્રોફીના સાથી ખેલાડી હરભજન વરચે જોરદાર મુકાબલો થવાનો છે. આ બંને ખેલાડી રણજી ટ્રોફીમાં સામસામે રમે છે પણ આઇપીએલમાં હરીફ ટીમમાં હશે.
સચિન નહીં રમે તો આ મેચમાં પણ હરભજન સુકાની હશે. આમ બંને વરચે સુકાની તરીકે પણ જંગ જામશે. મુંબઇની ટીમ પણ પ્રથમ વિજય હાંસલ કરવા માટે ભારે મહેનત કરશે.