
Spotlight
Indian Premier League Indian Premier League
આઈપીએલમાં ચેન્નાઈનો છ રને રોમાંચક વિજય, ૨૦૮ રનના સ્કોર સામે મુંબઈના ૨૦૨, મેથ્યુ હેડનના ૮૧
ઈન્ડિયન પ્રીમિયર લીગની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બુધવારે ચેન્નાઇ સુપર કિંગ સામે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો છ રનથી પરાજય થયો હતો. ચેન્નાઇની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૮ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ૨૦૨ રન નોંધાવ્યા હતા. મુંબઇ ઇન્ડિયન્સની ટીમના સુકાની હરભજનસિંધે ટોસ જીતીને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને પ્રથમ બેટિંગમાં ઉતારી હતી.
ઓપનર પાર્થિવ પટેલ ૧૪ અને ત્રીજા ક્રમનો માઇક હસ્સી પાંચ રન નોંધાવીને આઉટ થઇ ગયા બાદ મેથ્યુ હેડન પર જવાબદારી આવી ગઇ હતી. હેડન અને સુરેશ રૈનાએ મળીને ત્રીજી વિકેટ માટે ૧૦.૨ ઓવરમાં ૧૦૫ રનની ભાગીદારી નોંધાવીને ચેન્નાઇ ટીમને માટે મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો.
ઓસ્ટ્રેલિયન ડાબોડી ઓપનર હેડને ૪૬ બોલમાં ૧૨ બાઉન્ડ્રી અને બે સિકસર સાથે ૮૧ રન ફટકાર્યા હતા. સુરેશ રૈનાએ પણ આક્રમક બેટિંગ કરી હતી. તેણે પણ હેડનની માફક ૩૩ બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી હતી. રૈના ૩૭ બોલમાં ૫૩ રન ફટકારીને આઉટ થયો હતો. તેણે ત્રણ બાઉન્ડ્રી ઉપરાંત ત્રણ સિકસર પણ ફટકારી હતી.
રૈના આઉટ થયો એ પછી સુકાની ધોની મેદાનમાં આવ્યો હતો અને તેણે રનગતિ વધારી દીધી હતી. ધોનીએ ૧૬ બોલમાં ૩૦ રન ફટકાર્યા હતા.હરભજને હરીફ ટીમની વિકેટ ખેરવવા માટે આઠ બોલરનો ઉપયોગ કર્યોહતો પરંતુ કોઇને ધારી સફળતા મળી ન હતી. મુંબઇના મઘ્યમ ઝડપી બોલર મુસાવીર ખોટેએ બે વિકેટ ઝડપી હતી.