HomeSpotlightIndian Premier League Indian Premier League

આઇપીએલમાં સિનિયર-જુનિયરના ભેદભાવ

ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માં ખેલાડીઓને તેમના ilp-logoમાલિક કહે તેમ કરવાનું હોય છે પણ જે તે ક્રિકેટરે કલ્પના નહીં કરી હોય તેવું વર્તન તેમની સાથે કરવામાં આવ્યું છે.

કિંગ્સ ઇલેવન પંજાબ, મોહાલીની ટીમના કેટલાક ખેલાડીઓ સાથે ભેદભાવ દાખવવામાં આવ્યો હોવાની ફરિયાદ થઇ છે. પંજાબની શરૂઆતની મેચમાં રમ્યા ના હોય તેવા કેટલાક ખેલાડીને તાજ હોટેલને બદલે ઓછી ગુણવત્તા ધરાવતી માયા પેલેસ હોટેલમાં રખાયા હતા.

દિલ્હીના એક દૈનિકના અહેવાલ મુજબ ફિલ્મ અભિનેત્રી પ્રીટિ ઝિન્ટાની ફ્રેન્ચાઇઝી ધરાવતી તથા યુવરાજસિંઘની આગેવાની હેઠળની મોહાલીની ટીમના જુનિયર તથા પ્રથમ મેચમાં નહીં રમેલા કેટલાક ખેલાડીને અન્ય હોટેલમાં ઉતારવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિમાનની મુસાફરીમાં પણ ખેલાડીઓ સાથે ભેદભાવ રખાય છે અને કેટલાકને બિઝનેસ કલાસમાં તો કેટલાકને ઇકોનોમી કલાસની ટિકિટ આપવામાં આવે છે.

જુનિયર ખેલાડીઓને અલગ હોટેલમાં ઉતારવા અંગે નાણાંની બચત થાય તેવો ખુલાસો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ એમ પણ કહેવામાં આવ્યું હતું કે મોહાલી ખાતે રમાયેલી મેચ દરમિયાન ટીમના પ્રમોર્ટસના મહેમાનોની સંખ્યા વધી જતાં પાંચેક ખેલાડીને માયા પેલેસ હોટેલમાં રખાયા હતા.

પંજાબની ટીમના મેનેજર સચિન બજાજે એમ જણાવ્યું હતું કે તમામ ખેલાડીઓ તાજમાં જ હતા, પરંતુ માયા પેલેસ હોટેલના મેનેજમેન્ટ અને ખુદ ખેલાડીઓએ કબૂલ્યું હતું કે તેઓ તાજમાં ન હતા.

ખેલાડીઓએ વિરોધ કરતાં અંતે તેમને ફરીથી તાજમાં લાવવા પડયા હતા તેમ કેટલાક ક્રિકેટરે તેમનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું. આ મામલે કારણ ગમે તે અપાતું હોય પણ એટલું ચોક્કસ થઇ ગયું છે કે કયાંક ભેદભાવ છે અને અસંતોષ છે. મોહાલીની ટીમની જ આ હાલત નથી પણ અન્ય ટીમમાં પણ આવું બન્યું છે.

આઇપીએલમાં રમી રહેલી અન્ય ટીમમાં સ્ટાર ક્રિકેટરને ફાઇવસ્ટાર હોટેલમાં સિંગલ રૂમ આપવામાં આવે છે તો જુનિયરને એક રૂમમાં બે-બે ખેલાડીઓએ સાથે રહેવાનું આવે છે. આ જ રીતે કેટલાકને ઇકોનોમી કલાસની ટિકિટ મળે છે તો કેટલાકને બિઝનેસ કલાસની વિમાની ટિકિટ ફાળવવામાં આવે છે.

આમ આઇપીએલમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. ટીમ માટે રમતા ક્રિકેટરો સાથે સામાન્ય રીતે આમ બનતું નથી. જયારે ભારતીય ટીમ રમતી હોય ત્યારે બીસીસીઆઇ દ્વારા આ પ્રકારનું વર્તન થતું નથી.

દેશમાં હોય કે વિદેશમાં સચિન તેંડુલકર જેવો સિનિયર ખેલાડી અને સાવ જુનિયર કહેવાય તેવો પીયૂષ ચાવલા બોર્ડ તરફથી એક સરખી જ સવલતો મેળવતા હોય છે. આ જ રીતે રણજી ટ્રોફીમાં ખેલાડીઓ સાથે મુસાફરી કરતા હોય છે. તેમાં કોઇ સ્ટાર ક્રિકેટરને વિમાનમાં મુસાફરી કરવી હોય તો તે પોતાના ખર્ચે કરતો હોય છે પણ બોર્ડ સમાન વ્યવહાર રાખે છે.