
Spotlight
Indian Premier League Indian Premier League બીસીસીઆઇની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હોટફેવરિટ
ટીમમાં સ્થાન પામેલી સુકાની મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ સચિન તેંડુલકર વિહોણી મુંબઇ ઇન્ડિયન્સ સામે બુધવારે અહીંના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાનારા મુકાબલામાં સફળતા પ્રાપ્ત કરીને સ્પર્ધામાં પોતાનો સતત બીજો વિજય પ્રાપ્ત કરવાનો ઇરાદો રાખે છે.
બંને ટીમમાં રહેલા ઇન્ટરનેશનલ સ્ટાર ખેલાડીઓ પોતાની ક્ષમતાના આધારે વિજય પ્રાપ્ત કરી શકે છે પરંતુ ધોની વિજય મેળવવા માટે પૂરા આત્મવિશ્વાસમાં છે. મેચ દરમિયાન લગભગ ૧૫ હજાર જેટલા સુરક્ષા કર્મચારીઓને સ્ટેડિયમમાં હાજર રાખવામાં આવશે. ૩૮ હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં રમાનારી મેચ માટે લગભગ ૧૬ હજાર જેટલી ટિકિટોનું વેચાણ થયું છે અને બાકીની ટિકિટો મેચ પહેલા વેચાઇ જાય તેવી આયોજકોને આશા છે.
મજબૂત બેટિંગ લાઇનઅપના કારણે ચેન્નાઇની ટીમે શનિવારે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ સામે ૧૨.૦૦ની સરેરાશથી સંગીન જુમલો નોંધાવ્યો હતો. જોકે દક્ષિણ આફ્રિકાના સ્ટાર બોલર્સ મખાયા એન્ટિની અને ડેલ સ્ટેઇન આ ટીમ સાથે જોડાયા નહીં હોવાના કારણે ચેન્નાઇની ટીમ બોલિંગઆક્રમણમાં નબળી જણાય છે. બીજી તરફ મુંબઇની ટીમે વધુ એક વખત માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વિના રમવું પડશે.
મુંબઇની ટીમ રાહુલ દ્રવિડની બેંગલોર રોયલ ચેલેન્જર્સ ટીમ સામેના પ્રથમ મુકાબલામાં હારી ગઇ હતી. કેટલાક સમય પહેલાં ભારતના વિવાદાસ્પદ ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન ચર્ચાનું કેન્દ્ર બનેલા હરભજન અને મેથ્યુ હેડન આવતીકાલે એકબીજા સામે રમવાના હોવાથી બંનેની પ્રતિક્રિયા કેવી રહેશે તે રસપ્રદ બની રહેશે.
મુંબઇ ઇન્ડિયનમાં ભલે સ્થાનિક ખેલાડી સચિન ના રમવાનો હોય પરંતુ શ્રીલંકાનો સનત જયસૂર્યા, ડોમિનિક થોર્નલે, રોબિન ઉથપ્પા અને શૌન પોલોક દ્વારા બેટિંગ હરોળ મજબૂત જણાય છે. હરભજન અને જયસૂર્યાનું સ્પિન આક્રમણ હૈદરાબાદની ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે. બંને બોલર્સ પોતાના અનુભવના આધારે હરીફ ટીમના રન-રેટને કાબૂમાં રાખી શકવાની ક્ષમતા ધરાવે છે.