HomeSpotlightIndian Premier League Indian Premier League

ડેર ડેવિલ્સને ડેક્કન ચાર્જર્સ પડકાર ફેંકશે

આઇપીએલમાં આજે સાતમો મુકાબલો, વધુ વિદેશી ખેલાડીઓ દિલ્હી અને હૈદરાબાદની ટીમ સાથે જોડાતાં અંતિમ ઇલેવનની પસંદગી માથાનો દુખાવો બનશે

sportદિલ્હીની ડેર ડેવિલ્સ ટીમે ભલે આઇપીએલ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો સંગીન પ્રારંભ કર્યોહોય પરંતુ મંગળવારે તેને અહીં રમાનારી પોતાની બીજી મેચમાં યજમાન હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ ટીમ તરફથી કપરો પડકાર ફેંકવામાં આવે તેવી સંભાવના છે. ડેક્કન ચાર્જર્સ ટીમનો રવિવારે રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ સામેના રોમાંચક મુકાબલામાં પરાજયનો સામનો કરવો પડયો હતો.

હૈદરાબાદની ટીમ ભલે મેચ હારી ગઇ હોય પરંતુ જે પ્રમાણે તેણે પોતાના ૧૧૦ રનના ઓછા સ્કોર સામે કોલકાતા ટીમને હંફાવી છે તે જોતાં ડેર ડેવિલ્સના સુકાની વીરેન્દ્ર સેહવાગે મંગળવારની મેચમાં પૂરી સાવચેતીથી મેદાનમાં ઊતરવું પડશે. સેહવાગે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં કોઇ પણ ટીમને હળવાશથી લઇ શકાય તેમ નથી અને અમે દરેક મેચ પૂરી ગંભીરતાથી રમીશું.

હૈદરાબાદ અને દિલ્હીની ટીમ સાથે કેટલાક વિદેશી ખેલાડીઓ જોડાઇ જવાથી આ મેચ રોમાંચક બની રહે તેવી પૂરી સંભાવના છે. ડેક્કન ચાર્જર્સ પાકિસ્તાનના તોફાની બેટ્સમેન શાહિદ આફ્રિદીના ટીમ સાથે જોડાવાના કારણે આત્મવિશ્વાસથી વધારે મજબૂત બની છે. આફ્રિદી બાંગ્લાદેશ સામે ઘરઆંગણાની વન-ડે શ્રેણીમાં વ્યસ્ત હોવાના કારણે તે હૈદરાબાદની પ્રથમ મેચમાં રમી શકયો નહોતો. બેટ અને બોલ દ્વારા તોફાની પ્રદર્શન કરનાર આફ્રિદી સેહવાગ અને તેની ટીમ માટે માથાનો દુખાવો બની શકે છે.

દિલ્હીની ટીમ સાથે પાકિસ્તાનનો સુકાની શોએબ મલિક તથા ઝડપી બોલર મોહમ્મદ આસિફ પણ જોડાશે. મલિક બેટ દ્વારા ઉપયોગી યોગદાન આપવા ઉપરાંત બોલ વડે પણ શાનદાર પ્રદર્શન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આસિફની સ્વિંગ બોલિંગ ફ્લડલાઇટમાં રમવી તે બેટ્સમેન માટે આસાન રહેશે નહીં. તે ઓફ સ્ટમ્પથી બોલને સ્વિંગ કરીને બેટ્સમેન તરફ લાવવામાં નિષ્ણાત છે.

વિદેશી ખેલાડીઓની હાજરીથી આ બંને ટીમ વધારે શકિતશાળી બનશે પરંતુ તેમને અંતિમ ઇલેવનમાં સ્થાન આપવાનો નિણર્ય અત્યંત કપરો બની રહેશે કારણ કે દરેક મેચમાં કોઇ પણ ટીમ વધારેમાં વધારે ચાર વિદેશી ખેલાડીને રમાડી શકશે. દિલ્હીની ટીમે પ્રથમ મેચમાં મેકગ્રા, મહારૂફ અને ડેનિયલ વેટ્ટોરીને રમાડયા હતા અને તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. મહારૂફ પોતાની ટીમ તરફથી મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો.

ડેર ડેવિલ્સનો સુકાની સેહવાગ ભલે ત્રણ બાઉન્ડ્રી ફટકારીને આઉટ થઇ ગયો હોય પરંતુ તેણે જણાવ્યું છે કે તે આગામી મેચોમાં વધારે સારો દેખાવ કરશે. ટ્વેન્ટી૨૦ વલ્ર્ડકપનો સ્ટાર બનેલો ગંભીર શાનદાર ફોર્મમાં છે અને તેણે પ્રથમ મેચમાં અણનમ અડધી સદી નોંધાવી હતી.

બીજી તરફ ડેક્કન ચાર્જર્સ ટીમમાં ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ અને સાયમન્ડ્સ, ન્યૂઝીલેન્ડનો સ્કોટ સ્ટાયરિસ તથા શ્રીલંકાનો ડાબોડી બોલર ચમિન્ડા વાઝ પોતાની ક્ષમતાના આધારે ટીમમાં સ્થાન મેળવી શકે છે પરંતુ આફ્રિદીના કારણે કોઇ એક ખેલાડીએ બહાર બેસવું પડશે. બંને ટીમો બોલિંગ તથા બેટિંગમાં બેલેન્સ ધરાવતી હોવાના કારણે મેચ અત્યંત રોમાંચક બની રહે તેવી પૂરી શકયતા છે.