
Spotlight
Indian Premier League Indian Premier League ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ
ટુર્નામેન્ટમાં સોમવારે શેન વોર્નની રાજસ્થાન રોયલ્સની ટીમનો મુકાબલો યુવરાજની કિંગ્સ ઇલેવન પંજાબ સામે થશે. બંને ટીમ આ ટુર્નામેન્ટમાં તેમની પ્રથમ મેચમાં પરાજિત થઇ ચૂકી છે. સેટ મેકસ પરથી રાત્રે ૮.૦૦ કલાકે મેચનું પ્રસારણ થશે.
શનિવારે રમાયેલી દિલ્હી ડેર ડેવિલ્સ સામેની મેચમાં રાજસ્થાનનો નવ વિકેટે પરાજય થયો હતો જયારે એ જ દિવસે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે પંજાબની ટીમને ૩૩ રનથી હરાવી હતી.
હવે રાજસ્થાનની ટીમ તેના ઘરઆંગણે પહેલીવાર રમશે અને તે આ મેચ જીતવાનો પ્રયાસ કરશે.શનિવારે મોહાલીમાં રમાયેલી મેચમાં ચેન્નાઇની ટીમે માઇક હસ્સીની શાનદાર સદીની સહાયથી ૨૪૦ રન નોંધાવ્યા બાદ પંજાબની ટીમને ૨૦૭ રનમાં આઉટ કરી દીધી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની બોલબાલા રહી હતી.
હસ્સીએ ૫૪ બોલમાં સદી ફટકાર્યા બાદ પંજાબ માટે જેમ્સ હોપ્સે ૩૩ બોલમાં ૭૧ રન ફટકાર્યા હતા. જોકે હોપ્સ તેની ટીમને જીતાડી શકયો ન હતો. તેની સાથે શ્રીલંકાના સંગાકરાએ અડધી સદી ફટકારી હતી.હવે હોપ્સ અને સંગાકરાએ તેમના સુકાની યુવરાજની મદદથી સોમવારે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો કરવાનો છે. આ ત્રણેય ખેલાડી પાસેથી ઘણી આશા રખાય છે.
દિલ્હી ડેર ડેવિલ્સની ટીમ સામે રાજસ્થાનનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું. શેન વોર્નની ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૨૯ રન નોંધાવી શકી હતી. આ સ્કોર વટાવવા માટે દિલ્હીની ટીમે માત્ર ૧૫.૧ ઓવર લીધી હતી.
ઓપનર ગૌતમ ગંભીર અને ત્રીજા ક્રમના શિખર ધવને ૧૧૨ રનની ભાગીદારી નોંધાવીને ટીમનો વિજય આસાન કરી નાખ્યો હતો. બંનેએ અડધી સદી ફટકારી હતી. જયપુરમાં રાજસ્થાનની ટીમ કેવો દેખાવ કરે છે તેની ઉપર સૌની નજર રહેલી છે. ટીમમાં મુનાફ પટેલ, સિદ્ધાર્થ ત્રિવેદી અને શેન વોર્ન જેવા બોલર છે. તેમની બોલિંગ રાજસ્થાનને વિજય અપાવી શકે છે.