HomeSpotlightIndian Premier League Indian Premier League

કોલકાતા નાઇટ રાઇડર્સનો સળંગ બીજો વિજય

મુરલી કાર્તિક સહિત તમામ બોલરની ઘાતક બોલિંગ અને હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સની કંગાળ બેટિંગ બાદ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે રવિવારે અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં પાંચ વિકેટે વિજય હાંસલ કર્યોહતો. વર્તમાન ટુર્નામેન્ટમાં આ તેનો સતત બીજો વિજય હતો. ડેવિડ હસ્સીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

વીવીએસ લક્ષ્મણીની આગેવાની હેઠળની હૈદરાબાદની ડેક્કન ચાર્જસની ટીમે ૧૮.૪૦ ઓવરમાં ઓલઆઉટ થતાં અગાઉ ૧૧૦ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાની ટીમે ૧૯ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૧૧૨ રન કરીને મેચ જીતી લીધી હતી. કોલકાતાની ટીમે આ અગાઉ શુક્રવારે ટુર્નામેન્ટની પ્રારંભિક મેચમાં બેંગલોરની ટીમને પણ હરાવી હતી.

મેચ જીતવા માટે ૧૧૧ રનના લક્ષ્યાંક સામે રમતાં કોલકાતાની ટીમ આસાનીથી જીતી જશે તેમ જણાતું હતું પરંતુ તેણે પણ ઉપરાઉપરી વિકેટો ગુમાવી હતી. પ્રથમ મેચમાં ૧૫૮ રન ફટકારનારો બ્રેન્ડન મેક્કુલમ રવિવારે પાંચ રન નોંધાવીને આઉટ થયો હતો તો ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગ ખાતું કોલાવ્યા વિના જ આઉટ થઇ ગયો હતો.

ડેવિડ હસ્સીએ ૪૩ બોલમાં ત્રણ સિકસર સાથે અણનમ ૩૮ રન ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. કોલકાતાની બેટિંગ દરમિયાન ઇડનગાર્ડન્સ ખાતે લાઇટ ટાવરમાં ખામી સર્જાતાં રમત અટકી પડી હતી. અગાઉ ડેક્કન ચાર્જર્સના સુકાની વીવીએસ લક્ષ્મણે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિણર્ય લીધો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો એડમ ગિલક્રિસ્ટ અને સાયમન્ડ્સ સિવાય અન્ય કોઇ બેટ્સમેન ટકી શકયા ન હતા અને હૈદરાબાદની ડેક્કન ટીમનો ધબડકો થયો હતો.

ગિલક્રિસ્ટ અને વેણુગોપાલ રાવે ઇનિંગ્સનો પ્રારંભ કર્યોહતો. જોકે ડીન્ડા અને ઇશાન્ત શર્માની બોલિંગ સામે શુક્રવારે બેંગલોર અને રવિવારે હૈદરાબાદની ટીમનો વારો હતો. બંનેએ આક્રમક બોલિંગ કરી હતી. ચોથી ઓવરમાં ઇશાન્ત શર્માએ વેણુગોપાલની વિકેટ લીધી એ સાથે ડેક્કન ટીમનો ધબડકો થયો હતો.

વેણુગોપાલ ૧૪ રને આઉટ થયો તે પછીની ઓવરમાં લક્ષ્મણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઇ ગયો હતો. રોહિત શર્મા પણ તરત જ આઉટ થઇ ગયો હતો તે પણ ઐકેય રન નોંધાવી શકયો ન હતો. ૪૭ રનના કુલ સ્કોરે ગિલક્રિસ્ટ પણ આઉટ થઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનરે ૨૨ બોલમાં એક બાઉન્ડ્રી અને બે સિકસર સાથે ૨૩ રન નોંધાવ્યા હતા.

સાયમન્ડ્સે એક છેડો સાચવી રાખીને ૩૯ બોલમાં બે બાઉન્ડ્રી અને બે સિકસર સાથે ૩૨ રન ફટકાર્યા હતા. બાંગર અને અર્જુન યાદવે એક-એક સિકસર ફટકારીને ટીમનો સ્કોર ૧૧૦ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

સ્પિરન મુરલી કાર્તિક સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ૩.૪ ઓવરમાં ૧૭ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. અજિત અગરકરે ૧૯ રનમાં બે તથા ઇશાન્ત શર્માએ ત્રણ ઓવરમાં માત્ર નવ રન આપીને એક વિકેટ લીધી હતી.

નો લાઇટ, નો એક્શન, કેમેરા ઓન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કરોડો-અબજો રૂપિયા સંકળાયેલા છે તેમ છતાં રવિવારે શાહરૂખ ખાનની કોલકાતા નાઇટ રાઇડર્સ અને હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ વરચેની ટ્વેન્ટી૨૦ મેચ અપૂરતી લાઇટને કારણે એક કલાક સુધી અટકી પડી હતી.

ડેક્કન ટીમના ૧૧૦ રનના સ્કોર સામે રમતાં કોલકાતાની ટીમે ૧૬.૪ ઓવરમાં ૮૯ રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ઇડન ગાર્ડન્સના ફ્લડલાઇટ ટાવર પૈકીના એક ટાવરમાં ખામી સર્જાઈ હતી અને લાઇટ બંધ થઇ ગઇ હતી અને મેચ રેફરી ફારૂખ એન્જિનિયરને રમત અટકાવી દેવાની ફરજ પડી હતી.

કોલકાતા ટીમના ફ્રેન્ચાઇઝીધારક અને ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનને કદાચ ફિલ્મના શૂટિંગ દરમિયાન કેમેરા, લાઇટ્સ, એક્શન સાંભળ્યા બાદ શૂટિંગ શરૂ થઇ જતું જોેવા મળ્યું હશે પણ રવિવારે કેમેરા ઓન હતા પણ લાઇટ અને એક્શન બંધ હતા. મેદાન પર અંધારું છવાઇ ગયું હતું અને રમત આગળ ધપી શકી ન હતી. એક તબક્કે તો ડકવર્થ એન્ડ લૂઇસ સિસ્ટમને આધારે પરિણામ શું આવે તેની ગણતરી થઇ ગઇ હતી.

સાંજે ૭.૩૫ કલાકે રમત શરૂ થઇ શકી હતી. આમ થયું ના હોત તોે હરીફ ટીમને ૧૧૦ રનના સામાન્ય સ્કોરે અટકાવી દીધી હોવા છતાં કોલકાતાની ટીમને ટાઇથી સંતોષ માનવો પડયો હોત. જોકે રમત ફરીથી શરૂ થઇ એ પછી કોલકાતાની ટીમે દસેક મિનિટમાં બાકીના રન કરીને મેચ જીતી લીધી હતી.