
Spotlight
Indian Premier League Indian Premier League ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની પ્રારંભિક મેચમાં
કોલકાતા નાઇટ રાઈડર્સ સામે શરમજનક પરાજય મેળવ્યા બાદ બેંગલોર રોયલ ચેલેન્જર્સ હવે યજમાન મુંબઇ ઇન્ડિયન્સ સામે રવિવારે અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે બીજી મેચમાં વિજયના ઇરાદાથી મેદાનમાં ઊતરશે.
સૌરવ ગાંગુલીની ટીમે શુક્રવારે ૧૪૦ રનથી પરાજય આપ્યા બાદ હવે રાહુલ દ્રવિડની ટીમ શ્રીલંકાના સ્ફોટક ઓપનર સનત જયસૂર્યાના ધમાકેદાર બેટિંગથી બચવાનો પ્રયાસ કરવો પડશે. સુકાની સચિન તેંડુલકર જો સંપૂર્ણ ફિટ હશે તો તે જયસૂર્યા સાથે ઇનિંગ્સનો પ્રારંભ કરશે.
દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેઇન અને ઓસ્ટ્રેલિયાના ઇજાગ્રસ્ત બોલર નાથન બ્રેકેનની ગેરહાજરીના કારણે બેંગલોરની ટીમનું બોલિંગઆક્રમણ નબળું જણાય છે. ઇજાગ્રસ્ત અનિલ કુંબલેની ગેરહાજરીએ પણ આ ટીમની મુશ્કેલી વધારી છે.
મુંબઇ સામે તેનું રમવું શંકાસ્પદ છે. બોલર્સ ઉપરાંત બેંગલોરની ટીમના બેટ્સમેનોના દેખાવ ઉપર પણ તમામની નજર રહેશે. રાહુલ દ્રવિડ, દક્ષિણ આફ્રિકાના જેકસ કાલિસ અને માર્ક બાઉચર પણ પ્રારંભિક મેચમાં ૨૨૩ના લક્ષ્યાંક સામે નિ:સહાય નજરે પડયા હતા. બિઝનેસમેન વિજય માલ્યાની ટીમ મુંબઇ સામે પોતાના દેખાવમાં સુધારો કરીને વિજય સાથે આઇપીએલ ટુર્નામેન્ટમાં પોતાનું ખાતું ખોલાવવાના પ્રયાસ કરશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મુંબઇ ટીમની સૌથી મોટી ચિંતા સચિનની ફિટનેસ અંગેની છે. સચિને શુક્રવારે ઉદ્ઘાટન સમારોહ યોજાયો ત્યારે જણાવ્યું હતું કે તેના રમવા અંગનો નિણર્ય મેચ પહેલાં લેવામાં આવશે.
જો તે નહીં રમે તો હરભજન નેતૃત્વ કરશે અને આશા રાખવામાં આવી રહી છે કે તેની પરિચિત આક્રમકતા સુકાનીપદમાં પણ દેખાઇ આવશે. શ્રીલંકન બોલર લસિત મલિંગા અને દક્ષિણ આફ્રિકાનો લુટ્સ બોસમેન પણ હજુ સુધી ટીમ સાથે જોડાયા નથી.