HomeSpotlightIndian Premier League Indian Premier League

સુપર કિંગ્સનો કિંગ્સ સામે સુપર હિટ શો

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માઇકલ હસ્સીની અણનમ સદીની mohaliમદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઇપીએલના બીજા ટ્વેન્ટી૨૦ મુકાબલામાં કિંગ્સ ઇલેવન મોહાલીની ટીમને ૩૩ રનથી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની સંગીન શરૂઆત કરી હતી.

સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલા ૨૪૧ રનના લક્ષ્યાંક સામે ઘરઆંગણે રમી રહેલી કિંગ્સ ઇલેવનની ટીમે ચાર વિકેટે ૨૦૭ રન નોંધાવ્યા હતા. હસ્સીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કિંગ્સ ઇલેવન તરફથી જેમ્સ હોપ્સે ૩૩ બોલમાં દસ બાઉન્ડ્રી અને ત્રણ સિકસર વડે ૭૧ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. સંગાકરાએ પણ ૩૩ બોલમાં પાંચ બાઉન્ડ્રી અને બે સિકસર વડે ૫૪ રનનું યોગદાન આપ્યું હતું. સુકાની યુવરાજે ૧૩ બોલમાં ૨૩ રન નોંધાવ્યા હોવા છતાં તેના પ્રયાસ પોતાની ટીમને વિજય અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો.

આઇપીએલના પ્રારંભિક મુકાબલામાં ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમે ધમાકેદાર બેટિંગ કરી હતી તો શનિવારના પ્રથમ મુકાબલામાં હસ્સીએ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી.

હસ્સીએ ટ્વેન્ટી૨૦ ક્રિકેટના ઇતિહાસમાં નોંધાવેલી સૌથી ઝડપી સદીની મદદથી ચેન્નાઇની ટીમે મોહાલીના બોલર્સની એવરેજ બગાડી નાખી હતી. મોહાલીના પીસીએ સ્ટેડિયમ ખાતે હસ્સીએ આક્રમક બેટિંગ કરીને ૫૪ બોલમાં આઠ બાઉન્ડ્રી અને નવ સિકસર વડે અણનમ ૧૧૬ રન નોંધાવ્યા હતા. આમ આઇપીએલના બીજા દિવસે સતત બીજી સદી નોંધાઇ હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ચેન્નાઇની ટીમ તરફથી સુરેશ રૈના (૧૩ બોલમાં ૩૨), બદ્રીનાથ (૧૪ બોલમાં ૩૧) તથા મેથ્યુ હેડને(૧૭ બોલમાં ૨૬), પાર્થિવ પટેલે (૧૦ બોલમાં ૧૫) ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.

સુકાની મહેન્દ્રસિંહ ધોની માત્ર બે રન બનાવીને આઉટ થતાં પ્રેક્ષકો નિરાશ થયા હતા. ચેન્નાઇની ટીમની ઇનિંગ્સનું મુખ્ય આકર્ષણ રહેલા હસ્સીએ પોતાના જ દેશના બોલર બ્રેટ લી, ભારતના ઇરફાન પઠાણ, શ્રીસંત સહિત મોહાલીના તમામ બોલર્સને મેદાનમાં ચોમેર ફટકાર્યા હતા. લેગ સ્પિનર પીયૂષ ચાવલાએ એક જ ઓવરમાં ૧૯ રન આપી દીધા હતા.