HomeSpotlightIndian Premier League Indian Premier League

રંગારંગ કાર્યક્રમ સાથે આઇપીએલનો ભવ્ય પ્રારંભ

આકર્ષક નૃત્ય, રંગીન આતશબાજી અને લેસર કિરણોના iplઅદ્ભુત પ્રદર્શન સાથે સુપરસ્ટાર ક્રિકેટરો અને ભારતીય ક્રિકેટ બોર્ડના તથા આઇસીસીના ટોચના અધિકારીઓની હાજરીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો શુક્રવારે સાંજે અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. પ્રથમ મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સની ટીમે બેંગલોર રોયલ્સ સામે ૨૦ ઓવરમાં ૨૨૨ રન કર્યા હતા.

બેંગલોર રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વરચેની પ્રારંભિક મેચ અગાઉ યોજાયેલા આ કાર્યક્રમ સાથે ક્રિકેટમાં નવી ક્રાંતિ લાવનારી આઇપીએલની ટ્વેન્ટી૨૦ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો ત્યારે તેમાં ભાગ લેનારી તમામ ટીમના સુકાનીઓ ઉપરાંત આઇસીસીના કાર્યકારી પ્રમુખ રે માલી, બીસીસીઆઇના પ્રમુખ શરદ પવાર, ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સુનિલ ગાવસ્કર, આઇપીએલના ચેરમેન લલિત મોદી હાજર રહ્યા હતા.

ભરચક સ્ટેડિયમમાં સંગીતકાર ત્રિપુટી શંકર, અહેસાન અને લોયેએ મધુર સંગીત રજૂ કર્યું હતું અને તેમની ધૂનના તાલે પ્રેક્ષકો ઝૂમી ઉઠયા હતા. ભારતના ભૂતપૂર્વ સુકાની રવિ શાસ્ત્રીએ બેંગલોરની ટીમના સુકાની રાહુલ દ્રવિડને સ્ટેજ પર બોલાવ્યો હતો અને તેનો પરિચય કરાવ્યો હતો.

એ પછી સૌરવ ગાંગુલી(કોલકાતા નાઇટ રાઇડર્સ), મહેન્દ્રસિંહ ધોની(ચેન્નાઇ સુપર કિંગ્સ), યુવરાજસિંઘ(કિંગ્સ ઇલેવન પંજાબ), વીરેન્દ્ર સેહવાગ(દિલ્હી ડેર ડેવિલ્સ), શેન વોર્ન(રાજસ્થાન રોયલ્સ), વીવીએસ લક્ષ્મણ(ડેક્કન ચાર્જર્સ, હૈદરાબાદ) અને છેલ્લે સચિન તેંડુલકર(મુંબઇ ઇન્ડિયન્સ) એમ તમામ ટીમના સુકાનીને મેદાન પર બોલાવવામાં આવ્યા હતા.

તમામ સુકાનીઓએ સ્ટેજ પર આઇપીએલના લખાણવાળા બોર્ડ પર એમસીસીના સ્પિરિટ ઓફ ક્રિકેટ લખાણ પાસે હસ્તાક્ષર કર્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ એમસીસીના નિયમો હેઠળ ક્રિકેટની ખેલદિલી સાથે રમાશે.

૫૯ મેચો માટે ૪૪ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટના પ્રારંભ સમયે બીસીસીઆઇના પ્રમુખ શરદ પવારે પોતાના સંબોધનમાં આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે મને વિશ્વાસ છે કે તમામ ક્રિકેટપ્રેમીઓ બીસીસીઆઇના આ નવા પ્રયોગને અપનાવી લેશે.

આઇસીસીના પ્રમુખ રે માલીએ પણ આ પ્રસંગે બીસીસીઆઇને અભિનંદન પાઠવ્યાં હતાં અને આઇપીએલની સફળતા માટે શુભેરછા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે બીસીસીઆઇ દ્વારા ક્રિકેટને નવો આયામ આપવામાં આવ્યો છે. બોર્ડના ઉપપ્રમુખ અને આઇપીએલના ચેરમેન લલિત મોદીએ આઇપીએલની ટ્વેન્ટી૨૦ ટુર્નામેન્ટને સત્તાવાર રીતે ખુલ્લી મુકાયેલી જાહેર કરી હતી.