
Spotlight
Indian Premier League Indian Premier League મીડિયાના બહિષ્કારની ધમકી, ચેનલવિવાદ પછી હવે મેદાન પરનો જંગ, આજે કોલકાતા-બેંગલોર વરચે મુકાબલો, રાત્રે ૮.૦૦ કલાકે સેટ મેકસ પરથી પ્રસારણ, ૪૪ દિવસમાં ૫૯ મેચો રમાશે, વિશ્વભરના સ્ટાર ક્રિકેટર ભાગ લેશે, સાંજે ૬.૩૦ કલાકે ઉદ્ઘાટન
મીડિયા દ્વારા બહિષ્કારની ધમકી, ટીવી ચેનલો સાથેનો વિવાદ અને અન્ય અસંખ્ય વિવાદોને અંતે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)નું સમર્થન ધરાવતી ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)નો શુક્રવારથી અહીં યોજાનારા બેંગલોર રોયલ ચેલેન્જર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વરચેના મુકાબલા સાથે પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ શરૂ થતાં અગાઉ મેદાનની બહાર નાણાંની રેલમછેલ થઇ હતી અને હવે મેદાન પર જંગ જામશે.
કરોડો-અબજો રૂપિયાની રેલમછેલ વરચે બહુપ્રચારિત, બહુપ્રતિષ્ઠિત અને જેની ઘણા સમયથી રાહ જોવાય છે તે આઇપીએલની આ ટ્વેન્ટી૨૦ ટુર્નામેન્ટ પહેલી જૂન સુધી ચાલશે પણ તેની ટિકિટોના વેચાણને લઇને આયોજકો કોઇ દાવા કરતા નથી.
આઇપીએલમાં વિશ્વભરના ક્રિકેટરો, ભારતના ઊભરતા ક્રિકેટરો, શાહરૂખ ખાન અને પ્રીટિ ઝિન્ટા જેવી ફિલ્મી હસ્તીઓ, વિજય માલ્યા અને મુકેશ અંબાણી સહિતના મોખરાના ઉધોગપતિઓ સંકળાયેલા છે અને આગામી ૪૪ દિવસ સુધી આ ટુર્નામેન્ટની બોલબાલા રહે તેવી અપેક્ષા રખાય છે.
બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની માલિકી ધરાવતી કોલકાતા નાઇટ રાઇડર્સ અને ઉધોગપતિ વિજય માલ્યાની બેંગલોરની ટીમ વરચે શુક્રવારે પ્રથમ મેચ રમાશે. રાત્રે ૮.૦૦ કલાકે સેટ મેકસ પરથી મેચનું પ્રસારણ કરાશે. ટુર્નામેન્ટની લગભગ તમામ મેચ ફલડલાઇટ હેઠળ રમાશે. સાંજે ૬.૩૦ કલાકે ઉદ્ઘાટન સમારંભ યોજાશે. ભારતના બે ભૂતપૂર્વ સુકાનીઓ સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ અનુક્રમે કોલકાતા અને બેંગલોરની ટીમની આગેવાની લેશે.
કોલકાતાની ટીમમાં ઓસ્ટ્રેલિયન ટીમના સુકાની રિકી પોન્ટિંગ તથા ભારતના સ્ટાર બની ગયેલા ઇશાન્ત શર્માની હાજરી પણ આકર્ષણ બની રહેશે. બેંગલોરની ટીમમાં કદાચ આવાં મોટાં નામ નથી પણ દક્ષિણ આફ્રિકાનો જેકસ કાલિસ તથા ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની અનિલ કુંબલે રમવાના છે. જોકે કુંબલે હાલમાં ઘાયલ છે અને આ મેચમાં તેનું રમવું શંકાસ્પદ છે.
જોકે આ ટુર્નામેન્ટ સૌથી વધારે સમાચારમાં રહે છે તેનું કારણ તેની સાથે સંકળાયેલી અબજોની જંગી રકમ છે. સ્પર્ધાના વિજેતાને ચાર કરોડ રૂપિયાનો જંગી પુરસ્કાર મળશે. છેક છેલ્લા સ્થાને રહેનારી ટીમને પણ ચાર લાખનો પુરસ્કાર મળવાનો છે. અગાઉ આ ટુર્નામેન્ટની વિવિધ ટીમમાં સ્થાન આપવા માટે ક્રિકેટરોની થયેલી હરાજીમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
જંગી રકમને કારણે એ ચર્ચા પણ ચગડોળે ચડી હતી કે જે તે ખેલાડીઓ આઇપીએલને તેમના દેશ કરતાં વધારે મહત્ત્વ આપશે કે નહીં. ખેલાડીઓને આઇપીએલમાંથી એટલી રકમ મળી રહી છે જે તેમના ક્રિકેટ બોર્ડ સાથેના કરાર કરતાં પણ વધારે છે. કરોડો રૂપિયાના વરસાદે ખેલાડીઓ થાકી જાય છે તે મુદૃો પણ ભુલાવી દેવામાં આવ્યો છે.
હજી સુધી કોઇ ખેલાડીએ ૫૯ મેચની આ ટુર્નામેન્ટને કારણે તેમને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જરૂરી એવો આરામ મળશે નહીં. આઇપીએલની ફ્રેન્ચાઇઝી ખરીદનારા ફિલ્મ સ્ટાર કે ઉધોગપતિઓએ તેના પ્રચારમાં કોઇ કસર બાકી રાખી નથી તેમ છતાં ટિકિટની ખરીદીમાં હજી સુધી કોઇ ઉત્સાહ જોવા મળતો નથી.
ટોસ વખતે મેદાનમાં અંધારું, માત્ર સુકાનીઓ પર જ લાઇટ રહેશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો શુક્રવારે પ્રારંભ થશે તે સાથે ક્રિકેટજગતને કાંઇક નવા જ પ્રયોગ જોવા મળશે. રાહુલ દ્રવિડ (બેંગલોર) અને સૌરવ ગાંગુલી(કોલકાતા) પ્રારંભિક મેચમાં ટોસ કરવા જશે ત્યારે સમગ્ર સ્ટેડિયમ અને મેદાન પર અંધકાર છવાઇ જશે અને માત્ર બે સુકાનીઓ પર જ સ્પોટલાઇટ દ્વારા પ્રકાશ ફેંકવામાં આવશે.
ટોસ થઇ જશે એ સાથે ફ્લડલાઇટ ચાલુ કરી દેવાશે અને સમગ્ર મેદાન ઝળહળી ઉઠશે. આ સાથે ઉદ્ઘાટન સમારંભનો પ્રારંભ થશે. વિદેશી નૃત્યાંગનાઓ દ્વારા મનોરમ નૃત્યના કાર્યક્રમ પણ યોજાશે. ક્રિકેટ ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બનશે કે એક દેશના બે સુકાનીઓ આમનેસામને રમતા જોવા મળશે. ગાંગુલી અને દ્રવિડ આ મેચમાં અનુક્રમે બેંગલોર અને કોલકાતાની ટીમની આગેવાની લેશે.
ચેમ્પિયન ટીમને ૪.૮ કરોડ રૂપિયા મળશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે. તેમાં ૨૦ કરોડની ઇનામી રકમ વહેંચાશે. કોને, કેટલો પુરસ્કાર મળશે તેની વિગતો.ચેમ્પિયન ટીમ........૪.૮ કરોડ
રનર્સઅપ...........૧.૨ કરોડ
સેમિફાઇનલિસ્ટ.......૧.૨ કરોડ
પાંચમા ક્રમની ટીમ....૮૦ લાખ
છઠ્ઠા ક્રમની ટીમ......૭૦ લાખ
સાતમા ક્રમની ટીમ....૫૦ લાખ
અંતિમ સ્થાનની ટીમ...૪૦ લાખ
મેન ઓફ ધ સિરીઝ....૧૦ લાખ
આઇપીએલ પર એક નજર
-ટુર્નામેન્ટનું નામ: ડીએલએફ ઇન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી૨૦.
-બેંગલોરમાં શુક્રવારે પ્રારંભિક મેચ.
-સાંજે ૬.૩૦ કલાકે ઉદ્ઘાટન સમારંભ.
-પહેલી જૂને મુંબઇમાં ફાઇનલ.
-પ્રારંભિક મેચમાં વિજય માલ્યાની બેંગલોર ટીમ અને શાહરૂખ ખાનની કોલકાતા ટીમ વરચે જંગ.
-ટ્વેન્ટી૨૦ ટુર્નામેન્ટની બે સેમિફાઇનલ ૩૦ અને ૩૧મી મેએ મુંબઇમાં બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડી. વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે યોજાવાની શકયતા.
-કુલ દિવસ : ૪૪.
-કુલ મેચ : ૫૯.
-કુલ ટીમ : ૮.
-ભારતીય અમ્પાયર : ૧૬.
-આઇસીસીના એલાઇટ પેનલના અમ્પાયર : ૭ અથવા ૮.
-સ્પોન્સરશિપની રકમ : પાંચ વર્ષમાં ૨૦૦ કરોડ રૂપિયા.
-ભ્રષ્ટાચાર અને ડોપિંગ માટે આંતરરાષ્ટ્રીય માપદંડ.
-મુંબઇમાં ૧૦ મેચો રમાશે.
-સૌથી મોંઘા ફ્રેન્ચાઇઝીધારક : મુંબઇ ઇન્ડિયન્સ (૪૪૨.૫૬ કરોડ રૂપિયા).
-સૌથી મોંઘો ક્રિકેટર : ધોની (છ કરોડ રૂપિયા).