
Spotlight
Gujarat Day Gujarat Day નાગપુરના ઝંડા સત્યાગ્રહની સફળતામાં વલ્લભભાઇ સાથે વિઠ્ઠલભાઇનું પણ યોગદાન નોંધપાત્ર હતું. વિઠ્ઠલભાઇએ ગવર્નર સ્લાય અને ગૃહપ્રધાન સર મોરો પંત જોશી સાથે ખાનગી બેઠક યોજી તેઓને સમજાવ્યું કે આ આંદોલન યુરોપિયનોની વિરુદ્ધ નથી. પ્રતિબંધના હુકમો લંબાય તો દરરોજ ૫૦ સ્વયંસેવકો ધરપકડ વહોરી લે તેવું સરદારનું આયોજન સરકાર જાણતી હતી. સરદારે આંદોલન અને સમાધાન બંને માટે યોગ્ય ભૂમિકા તૈયાર કરી હતી.
વલ્લભભાઇ, વિઠ્ઠલભાઇ, ગવર્નર અને ગૃહપ્રધાન વચ્ચે થયેલ સમજૂતી મુજબ સરકારે ૧૮ ઓગસ્ટે ઝંડાધારી સ્વયંસેવકોને શાંતિપૂર્વક સિવિલ લાઇન્સમાંથી જવા દેશે ત્યારબાદ વલ્લભભાઇ લડતની પૂર્ણાહુતિ જાહેર કરશે. સત્યાગ્રહીઓના છુટકારા અંગે વલ્લભભાઇએ ગહપ્રધાન પાસેથી લેખિત બાંયેધરી મેળવી લીધી હતી. ઝંડાધારી સ્વયંસેવકો સદર બજારમાં આવ્યા ત્યારે જનમેદની સમક્ષ સરદારે ભાષણ કર્યું ‘રાષ્ટ્રઘ્વજનું ગૌરવ જળવાયું છે અને રસ્તા પરથી શાંત અને વ્યવસ્થિત સરઘસ કાઢવાનો આપણો હક મંજૂર રાખવામાં આવ્યો છે. આમાં હું સત્યનો, અહિંસાનો અને બલિદાનનો વિજય થયેલો જોઉ છું. નાગપુરની લડત સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે તેવું જાહેર કરવાની તક મને ભગવાનની દયાથી મળી છે.’ વલ્લભભાઇમાં વૈષ્ણવ અને સ્વામિનારાયણના પ્રભુશરણભાવનાના સંસ્કારો દ્દઢ થયેલા છે. તેનો સૌને અહેસાસ થયો.
મુંબઇ પહોંચેલા વિઠ્ઠલભાઇએ નિવેદન કર્યું કે ‘લોકોનો વિજય થયો છે અને કેદીઓને છોડી મૂકવામાં આવશે. વિઠ્ઠલભાઇનું આ નિવેદન કેદમાં રહેલા સ્વયંસેવકોના છુટકારામાં વિલંબનું નિમિત્ત બન્યું. સરદારે મહાદેવ દેસાઇને અંગતપત્રથી જણાવ્યું કે ‘વિઠ્ઠલભાઇએ ગંભીર ભૂલ કરી છે. તેમના નિવેદનથી આખી સિવિલ લાઇન્સમાં ખળભળાટ મચી ગયો છે.’ વિઠ્ઠલભાઇના નિવેદનથી સચેત થયેલ અસંતુષ્ટ અધિકારીઓએ કાગારોળ મચાવી કે આવું પગલું ઘાતક પુરવાર થશે. વલ્લભભાઇની કામગીરી ચોક્કસ હતી.
સમાધાનની આ મહત્ત્વની શરતનો સરકાર દ્વારા થયેલ સ્વીકારનો લેખિત પુરાવો તેમની પાસે હતો. વલ્લભભાઇએ સરકારી અધિકારીઓની આવી પ્રતિક્રિયા ટાળવા સત્યાગ્રહીઓને છોડવાના મુદ્દે કોઇ જાહેરાત કરી ન હતી. હવે જયારે તે બાબતે વિવાદ પેદા થયો હતો ત્યારે સરદાર સરકારને તેની ખાતરીમાંથી પીછેહઠ કરવા દેવા બિલકુલ તૈયાર ન હતા. થોડા દિવસ રાહ જોઇ પહેલી સપ્ટેમ્બરના રોજ સરદારે વિધિસર ચેતવણી આપી.
‘જો સરકાર સત્યાગ્રહીઓને સમજૂતી પ્રમાણે ચોવીસ કલાકમાં નહીં છોડે તો લેખિત ખાતરી જાહેર કરશે અને વિશ્વાસભંગ સામે સત્યાગ્રહ શરૂ કરશે.’ સરકારી પ્રતિનિધિઓમાં ઘર્ષણની સ્થિતિ નિર્માણ થઇ. વાઇસરોય અને સૌએ વિચારણા કરી જમનાલાલ બજાજ, વિનોબા ભાવે અને રવિશંકર મહારાજ સહિત તમામ કેદીઓને મુકત કર્યા.
સરદારની ક્ષમતા અને કુનેહનો આ વિજય હતો. ખેડા સત્યાગ્રહના નાયબ સરસેનાપતિ હવે સરસેનાપતિ હતા. સફળતાનો આનંદ અને સંતોષ સ્વાભાવિક હતા. જયારે જેલમુકત થયેલા સત્યાગ્રહીઓએ કહ્યું કે ‘જેલમાં અમે વેઠેલી યાતનાથી અમારા ઉત્સાહમાં તલભાર ઘટાડો થયો નથી. ઊલટું તેમાં વધારો થયો છે. મહેરબાની કરીને અમને આવા બીજા કામ સોંપજો.’ નાગપુર ઝંડા સત્યાગ્રહે દેશને હૈયાધારણ આપી કે સંગડિત લોકશકિતનો સદાય વિજય જ થાય છે. આવશ્કયતા છે સબળ સેનાપતિની અને સમર્પિત સ્વયંસેવકોની. આ વિજયનો આનંદ ગાંધીજીને થયો કારણ કે તેમની વ્યૂહરચના,સિદ્ધાંતો અને મૂલ્યોની સરદારે સંપૂર્ણ કાળજી કરી હતી.
ગાંધીજીના કારાવાસ દરમિયાન કોંગ્રેસપક્ષની હાલત કથળી હતી. જે વરિષ્ઠ આગેવાનો વિધાનગૃહોની ચૂંટણી લડવા ઇરછતા હતા તેને કોંગ્રેસ સમર્થન આપતી ન હતી. રાજાજી, ડૉ.રાજેન્દ્રપ્રસાદ, વલ્લભભાઇ અને મહંમદઅલી ધારાસભાથી અલગ રહેવાના મતમાં હતા. સ્વરાજ પક્ષના બળવાખોર નેતાઓ ચિંતામાં હતા. આવા સમયે દિલ્હીમાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું. તેના પ્રમુખપદે હતા ૩૫ વર્ષના યુવાન અને અભ્યાસુ મૌલાના અબુલ કલામ આઝાદ ગાંધીજીના અનુયાયીઓમાંથી મહંમદઅલી વિધાનસભામાં જવાની અનુમતી આપતા ઠરાવનો સબળ વિરોધ કરશે તેવી સર્વસામાન્ય અપેક્ષા હતી. રાજાજી નાદુરસ્ત તબિયતના કારણે ગેરહાજર હતા. રાજાજીએ સૌને જણાવ્યું કે ‘આપણા આગેવાન મહંમદઅલી છે.’ રાજાજીના આ વિશ્વાસે વિચિત્ર પ્રશ્ન ઊભો કર્યો.
મહંમદઅલીએ અચાનક ફેરવી તોળ્યું અને ઠરાવ રજૂ કર્યો કે ‘જેમને ધારાસભામાં જવું હોય તેમને કોંગ્રેસે અનુમતી આપવી. ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અને વલ્લભભાઇને આંચકો લાગ્યો. તેઓ વિરોધ કરે તો કોંગ્રેસમાં ભંગાણ થાય. ડો.રાજેન્દ્ર પ્રસાદે સ્પષ્ટ કર્યું કે ‘હું મક્કમપણે માનું છું કે આપણે આપણા સિદ્ધાંતોમાંથી વિચલિત થઇ રહ્યા છીએ પણ કોંગ્રેસને તોડવાની જવાબદારી ઉઠાવી લેવાની શકિત મારામાં નથી. વિરોધીઓનો વિજય જોઇ વ્યથિત સરદાર બોલવા ઊભા થયા ત્યારે જ તેમના હાથમાં રાજાજીનો તાર આવ્યો. શિસ્તબદ્ધ સરદારે કડવો ઘૂંટડો ગળી જવા તૈયારી કરી વ્યકિતગત મત કરતાં દેશહિતને અગ્રતા આપી.
સજળ નેત્રે, ગંભીર અવાજે તેમણે કહ્યું ‘અમારી શકિત અને આવડત નિચોવીને અમે અત્યાર સુધી અસહકારનો ઝંડો ફરકતો રાખ્યો છે પણ અમે બધા તો સૈનિક છીએ. અમારામાં કોઇ આગેવાન નથી. પણ અમારામાંથી એક માણસમાં (રાજાજીમાં) પ્રખર બુદ્ધિ છે અને સ્પષ્ટરીતે વિચાર કરવાની શકિત છે. માંદગીને બિછાનેથી તેમણે મોકલેલ સંદેશો મને હમણાં જ મળ્યો છે.’
તેમણે લખ્યું છે ‘મારી સલાહ એવી છે કે મૌલાના મહંમદઅલી પર બધી જવાબદારી છોડી દેવી.સમાધાન કરવાની તેમની ઇરછા હોય તો સમાધાન સ્વીકારી લેવું... લોકો જે ઇરછતા હોય તેમને અટકાવવાનો કશો અર્થ નથી.’ હું આ સલાહનો સ્વીકાર કરું છું. સરદારની દરિયાદિલીનું આ સચોટ ઉદાહરણ છે. એક સાથીમાં અતૂટ વિશ્વાસ મૂકી પોતાની વ્યથા વિસરી જઇ સંયુકત નિર્ણય માટે, સહમતી માટે વલ્લભભાઇ આગળ વધે છે.
તેમણે વિશેષમાં કહ્યું કે ‘આજે આપણે એકબીજા પ્રત્યે શંકાશીલ છીએ. આપણી વચ્ચે પ્રેમભાવ નથી. આ પ્રેમભાવ સ્થાપવાનો પ્રયાસ છે.’ ભૂતકાળના વિરોધને યાદ કરતાં તેમણે કહ્યું કે ‘આ દેશના મોટા આગેવાનોનો (ધારાસભામાં જવાના મુદ્દે) વિરોધ કરવાનું દુ:ખદાયક કામ અમે બજાવ્યું છે. વિરોધ પડતો મૂકવાનું પણ દુ:ખદાયી તો છે. વિધાનગૃહમાં પ્રવેશ વિરોધ કરનારા મારા સૌ સાથીઓને મારી વિનંતી છે કે તેમણે અમારી આજની વાત અંત:કરણપૂર્વક સ્વીકારી લેવી. હું તમામ જવાબદારી મૌલાના મહંમદઅલીને સોંપી દઉ છું.’
સરદારનું વલણ મક્કમ હોય છે, પણ જેમને નેતા માન્યા છે,જે સાથી માટે આદર છે,અનુયાયીની મુશ્કેલી છે તેમના માટે સરદારનું હૃદય એકદમ કોમળ છે. ન કોઇ દુરાગ્રહ, ન કોઇ ગુસ્સો, ન કોઇ ચિંતા કે ન કોઇ શંકા. સરદાર શિસ્તપાલનમાં એક ડગલું પીછેહઠ નથી કરતા.સરદારના જીવનની એ વિરલ સિદ્ધિ છે કે રાગ, દ્વેષ, મોહ, મદ, ક્રોધ જેવા આવેગો નિયંત્રિત કરી દેશની આઝાદી માટે જે કરવું જરૂરી હોય તે કરવામાં દ્દઢ રહે છે.
ગાંધીજીના કારાવાસ દરમિયાન સદાય જાગૃત રહેતા સરદાર કાર્યરત્ રહે છે. કર્મઠ અને સંનિષ્ઠ વ્યકિત તરીકે તેઓ કર્તવ્યની કેડીએ અનાસકત ભાવે ચાલતા રહે છે. સરદારનું સમર્પણ સંન્યાસથી પણ વિશેષ હતું. ૧૯૪૬માં રચાયેલી વચગાળાની સરકાર પહેલાં સરદાર કોઇ હોદ્દો ધારણ નથી કરતા. સરદાર માટે સત્તા મહત્ત્વની ન હતી. સરદાર માટે તો દેશની આઝાદી અને લોકોની ઉન્નતિ જ અગ્રસ્થાને હતા.
ધારાસભા પ્રવેશનો વિરોધ
૧૯૨૨ના ગયા અધિવેશનમાં સરદારે ગાંધીજીનું વલણ કેટલું સંક્ષિપ્તમાં પણ અસરકારક રીતે રજૂ કર્યું હતું. ‘ધારાસભાઓ આપણા માટે લડતનું મેદાન નથી. ધારાસભા પ્રવેશનો હું વિરોધ કરું છું. કારણ કે તેનાથી ખૂબ નુકસાન થવાનું છે. આપણે રચનાત્મક કાર્યક્રમ વધારે આવેગપૂર્વક ચલાવ્યો હોત તો દેશ આજે સવિનય કાનૂનભંગ માટે સજજ થઇ ગયો હોત.’ જીવનમાં કોઇ પણ વ્યકિતની જેમ સરદાર માટે પણ વિષાદની ઘડીઓ આવે છે પણ સરદાર તેનાથી કિંકર્તવ્યમૂઢતા નથી અનુભવતા.
સરદાર શબ્દદેહે
૧૯૩૫ મોરારજીભાઇને લખેલ પત્રના અંશો
‘તમે મને ઓળખી શકયા નથી તેનું દુ:ખ થયું છે. મારો નિશ્ચય તો મેં તમને જણાવ્યો જ છે. ગુજરાતના કામને નુકસાન ન થાય તેમ હું હઠી જવાનો છું. તેની તમારે જે તૈયારી કરવી હોય તે કરજો. મારા જવાથી કશી ખોટ પડવાની નથી. મને લાગે છે કે મારા અળગા થયા સિવાય મારી ખરી ઓળખાણ પડવી અસંભવિત છે. આજના તમારા કંઇ વહેમ હશે અથવા અવિશ્વાસ હશે તે ત્યારે જ દૂર થશે, તે સિવાય નહીં થાય.’