
Spotlight
Gujarat Day Gujarat Day
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવેલી પરંપરાગત હસ્તકળાની ચીજવસ્તુઓનો પરિચય દેશવિદેશના લોકોને થાય અને આ વેબસાઈટના આધારે ખરીદી કરી શકાય તે માટે ઈન્ડેકસ સી એક વેબસાઈટ શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે. આ વેબસાઈટ જૂનના મઘ્યમાં શરૂ કરી દેવામાં આવશે. આ વેબસાઈટના આધારે ખરીદી કરવાથી ગ્રાહકોને પણ ફાયદો થશે અને કારીગરોને પણ સારા દામ મળી રહેશે.
અનેક મોડલ અને બુટિક ચલાવનારા વિવિધ હસ્તકલાની ખરીદી કરતાં હોય છે. આ હસ્તકલા શો રૂમમાં વેચાય છે ત્યારે કારીગરોને પૂરતું વળતર નથી મળતું અને ગ્રાહકોને પણ મોંઘા દામ ચૂકવવા પડે છે. ઈન્ડેકસ સીના ઇ.ડી. ભાર્ગવી દવેનું કહેવું છે કે ‘ગુજરાતના વિવિધ વિસ્તારોની હસ્તકલાની દેશમાં અન્યત્ર અને વિદેશમાં રહેતા ગુજરાતીઓમાં મોટી માંગ છે. આ ગ્રાહકોને યોગ્ય જાણકારી મળી રહે તે માટે અમે વેબસાઈટ શરૂ કરી રહ્યાં છીએ.’
આ વેબસાઈટ પર પાટણનાં પટોળાં, કરછની શાલ, અંજારની સૂડી ચપ્પાં, સંખેડાના ઝૂલા, જામનગરની બાંધણી, જામખંભાળિયાની એમ્બ્રોયડરી, કરછી મુતવા જેવી ૧૦૦૦ વસ્તુઓ ફોટા સાથે મૂકવામાં આવશે. આ ઉપરાંત જે તે કારીગરનું સરનામું અને ફોન નંબર હશે એટલે જે વ્યકિત આ વેબસાઈટ જોઈને કારીગર પાસેથી ખરીદી કરવા માગે તો સીધી જ ખરીદી કરી શકે. આ ખરીદી શો રૂમ કરતાં સસ્તી પડે અને કારીગરને પણ યોગ્ય વળતર મળે.
ભવિષ્યમાં ઓનલાઈન ખરીદી કરી શકાશે
ઈન્ડેકસ સી કારીગરોને તાલીમ આપીને વેબસાઈટ પર જ કારીગરોના ઈ-મેઈલ આઈડી બનાવી આપશે એટલે વેબસાઈટ પર જનાર વ્યકિત જે તે કારીગરને ઈ-મેઈલ કરીને વધારે વિગતો મંગાવી શકે અને ઓર્ડર પણ આપી શકે, આ ઉપરાંત જો શકય બને તો ભવિષ્યમાં જેમ અન્ય વેબસાઈટ પરથી ક્રેડિટ કાર્ડના માઘ્યમથી ખરીદી થઈ શકે છે તેવી રીતે ખરીદી થઈ શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવાનું ઈન્ડેકસ સીનું આયોજન છે.