HomeSpotlightGujarat Day Gujarat Day

હવે જવાબદારી નવી પેઢીની

Swarnim-Gujaratદિગ્ગજ સાહિત્યકારોએ કહ્યું પાંચ દશકમાં સમદ્ધ થયું સાહિત્ય.

સ્વર્ણિમ ગુજરાતમાં જયારે સાહિત્યક્ષેત્રની વાત કરવામાં આવે તો આઝાદી પછી ગુજરાતી સાહિત્યમાં ઘણો ફેરફાર જોવા મળે છે. ઘણા લેખકો અને કવિઓની કવિતાઓ, નવલકથાઓ, લઘુ કથાઓ વગેરેનો અનેરો વારસો ગુજરાતને પ્રદાન થયો છે પરંતુ ભવ્ય ભૂતકાળ ધરાવતાં ગુજરાતી સાહિત્યની હાલની સ્થિતિ શું છે અને આજની પેઢી સાહિત્યને નવી કઈ દિશા ચીંધી રહી છે તેની વાત જાણીતા સાહિત્યકારો સિટી ભાસ્કરને જણાવે છે.

ગુજરાતમાં છેલ્લાં પચાસ વર્ષનાં સાહિત્યના ઇતિહાસમાં ઘણા કવિઓ અને લેખકોએ પોતાની કલમનો જાદુ બતાવ્યો છે. આજે પણ એ પન્નાલાલની ‘માનવીની ભવાઈ’, મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ કે પછી ની કવિતાસંગ્રહ હોય લોકોનાં હૃદયમાં આ સાહિત્યકારો અમીટ છાપ મૂકી ગયા છે પરંતુ જોવા જઈએ તો આ અમૂલ્ય વારસાને જાળવી રાખવાની જવાબદારી આજની નવી પેઢીના હાથમાં છે. નવા ઊતરતા સાહિત્યકારોની કતિઓમાં હજુ પણ કંઈ ઊણપ લાગી રહી છે, વધતાં જતાં માઘ્યમો પણ યુવા પેઢીને સાહિત્યથી દૂર લઈ જઈ રહી છે જે એક નહીં તો બીજી રીતે પણ યુવાનોને સાહિત્ય સાથે સાંકળી રાખે છે.

dhirubhaiસાહિત્ય પરિવર્તનશીલ છે

સાહિત્યસર્જન કરનારની પ્રવૃત્તિ ડાયનેમિક હોય છે એટલે સાહિત્ય પરિવર્તનશીલ નહીં તો ગતિશીલ તો હોય જ છે. આજે જે કવિતાનું સર્જન થાય છે તે મુજબની કવિતા કાયમ માટે લખાયા જ કરે તે જરૂરી નથી કયારેક તેમાં પરિવર્તન પણ આવે. જીવન ફરે છે એટલે સાહિત્ય ફરવું જ જોઈએ, જેટલું આપણું સમાજ જીવન ઉત્સાહપ્રિય, સાહિત્ય રસકિ અને પ્રયોગશીલ હોય તો એટલા પ્રમાણમાં તેનો સાહિત્ય રસ જળવાય છે, જો શિક્ષણ શુદ્ધ અને પ્રયોગશીલ હોય અને શિક્ષક સાહિત્યને કઈ રીતે પીરસે છે તેના આધારે વિધાર્થીઓમાં રસ કેળવાય.- ધીરુભાઈ ઠાકર, (પીઢ સાહિત્યકાર અને વિવેચક).

યુવા માણસમાં સાહિત્ય પ્રત્યેનો રસ ઓછો થતો ગયો

જયારે આપણું ગુજરાત રાજય આપણને મળ્યું તે દરમિયાન આપણું ભાષાસાહિત્યનું સ્થાન ટોચ પર હતું. વિધાર્થી અને સાહિત્યકારોમાં રસ જોવા મળતો, પરંતુ સાતમાં દાયકા પછી યુવાનો સાહિત્ય અને વિધા કરતાં વધુ વિજ્ઞાન અને કોમર્સ તરફ વળતા થયા. ૮મા દાયકાથી ટીવી આવ્યું અને ૯ અને ૧૦મા દાયકામાં કમ્પ્યૂટર આવ્યું, આથી તે તરફ યુવાનોનું વલણ વઘ્યું. ૧૯૮૦ પછી તો સાહિત્યક્ષેત્રેમાં ઘણા જ બદલાવ જોવા મળ્યા, તેમાં સમાજલક્ષિતા આવી, બોલચાલની ભાષાનો ઉપયોગ વઘ્યો વગેરે સમગ્ર વિશ્વનાં સાહિત્યમાં જે બદલાવ આવ્યા તેનો પ્રભાવ પણ સાહિત્યમાં પડયો છે. અનિલા દલાલ, (સાહિત્યકાર, અનુવાદક)

Chandrakant-Shethકાલિદાસ રાખો અને શેકસપિયર ભણો

સાહિત્યિક પરંપરા અભ્યાસની છે, જેમાં જનમનોરંજન મહત્ત્વનું છે પરંતુ વધુ અગત્યનું સ્વાઘ્યાય અને તપ છે.આજે કલાકસકલ લિટરેચરના અભાવને લીધે સારાં પાઠયપુસ્તકો પણ જોવા મળતાં નથી. યુવાનોમાં વાતાવરણ, તકાજો અને ગાઈડન્સનો ઘણો અભાવ રહે છે, જો તેમને પૂરતું ગાઈડન્સ સાહિત્યનું મળી રહે તો તેઓ સાહિત્યને આગળ ધપાવી શકે છે. આજે સાહિત્યમાં વ્યાપ છે પણ ઊડાણ નથી. યુવા પેઢી પર અંગ્રેજીનું પ્રભુત્વ આજે ઘણું જોવા મળે છે, તેમ છતાં મારું માનવું છે કે કાલિદાસ હૃદયમાં રાખો અને શેકસપિયર ભણો. કાલિદાસના ભોગે નહીં કાલિદાસના યોગે શેકસપિયર રાખો. ચંદ્રકાંત શેઠ, (પ્રતિષ્ઠિત કવિ).

કવિતા, ગીત, ગઝલનાં સ્વરૂપ બદલાયાં

આઝાદી પહેલાં દેશભકિત માટેની કવિતાઓનું સર્જન થતું હતું ત્યારબાદ જે ગુજરાતી કવિતા આવી તે આધુનિકતાની કવિતા હતી. કવિતાક્ષેત્રે એક નવો વળાંક આવ્યો હતો જે નગર ચેતના અને અછંદસ જોવા મળતી. સમાજમાં લોકગીતો અને ગઝલ લોકપ્રિય થવાં લાગ્યાં. આ બે સ્વરૂપમાં કવિતા રચવાનું મુશ્કેલ હતું. આજના શ્રોતાઓને પણ શેરો, શાયરી અને ગીતોના જ શોખીન જોવા મળે છે પરંતુ હા, સાહિત્ય આજે લખાતું નથી તેમ ના કહી શકાય કારણ કે આજે પણ જૂની પત્રિકાઓમાં લખાઈ રહ્યું છે. આજના કવિઓને છપાવવાની સુવિધાને લીધે કાવ્યસંગ્રહ છપાવી શકે છે. બસ અભાવ છે તો તત્ત્વશીલતા અને વૈવિઘ્યતાનો. ભોળાભાઈ પટેલ, (જાણીતા લેખક).

Bindu-Bhattમાણસ સતત પરિવર્તન ઇચ્છતો હોય છે

આજે ઘણા બધા વિષયો માટે પ્રશ્ન છે, અત્યારે જે પ્રકારે વૈશ્વિકીકરણ, ઉપભોગતાવાદ, ઇ. મીડિયા અને ટેક્નોલોજી એટલી લેટેસ્ટ છે અને ફાસ્ટ છે જેના લીધે વ્યકિતને ભાવુકતા અને સ્થિરતા તરફ લઈ જવાની ગતિ છે. આ દોટના અંતે મનુષ્યને સાહિત્ય અને કલાને લીધે જ વિસામો મળશે. આજે યુવાનોની સિર્ફંગ મેન્ટાલીટી છે. માણસ સતત પરિવર્તન ઇચ્છતો હોય છે. આથી હવે જે સાહિત્ય આવશે તે નવા પરસ્પેકિટવ અને નવા એંગલ સાથે આવશે. આજે અમારી જવાબદારી વધી છે કે નવી પેઢીને આ દિશા તરફ વાળવી પડશે, તેમની પાછળ સમય અને શકિતનો ભોગ આપવો પડશે. -બિંદુ ભટ્ટ, (નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક)

નવી પેઢી ઘણી હોશિયાર છે

છેલ્લાં ૫૦ વર્ષોનું ગુજરાતી સાહિત્ય જોઈએ તો તેનાં બધાં જ સ્વરૂપોમાં ખાસો વિકાસ થયો છે. સાહિત્યમાં જીવનનો ઘણો પડઘો દેખાતો ત્યારબાદ ધીરે ધીરે તેમાં જીવન અને કલાનો સમન્વય થવા લાગ્યો. યુવા માણસમાં સાહિત્ય પ્રત્યેનો રસ ઓછો થતો ગયો. બીજી ભાષાનાં નોલેજને લીધે આપણો સાહિત્યકાર બીજી ભાષાનાં સાહિત્યને વાંચતો અને જાણતો થયો. ટેક્નોલોજીના વિકાસની સાથે સંવેદનશીલતામાં પણ વધારો જોવા મળ્યો. વિકલ્પો વધવાને લીધે યુવાનોને સરળતા ઘણી ઊભી થઈ તેનાથી સાહિત્યનું વાંચન ઘટયું તેમ ના કહી શકાય.-હર્ષદ ત્રિવેદી, (ગઝલકાર, સંપાદક)

સાહિત્યકારો માટે વાંચન ખૂબ જરૂરી...

Vinod-Bhattપહેલાના જમાનામાં સાહિત્ય અને લેખકોમાં ઊડાણ જોવા મળતું હતું, ત્યારે લોકોનું વાંચન પણ ઘણું હતું. આજના લેખકો અને કોલમિસ્ટોનું વાંચન ઘણું ઓછું હોય છે આથી તેમનાં લખાણમાં કાંઈ ભલીવાર આવતો જ નથી.

પહેલાના જમાનામાં ટીવી જેવાં માઘ્યમો ન હતાં આથી વાંચન તરફ વધુ ગતિ હતી પણ હવે તો ટીવીના લીધે લોકોને જોવું વધુ ગમે છે. જેવી વિદ્વત્તા પહેલાના કવિઓ કે લેખકો પાસે હતી તે આજની નવી પેઢી પાસે નથી. સાહિત્યનું કોઈ સારું સર્જન વાંચીને ઝૂમી ઉઠાય તેવું લખાણ આજે મળતું નથી. યુવાનો સાહિત્યથી વિમુકખ થઈ રહ્યા છે તેમને નજીક લાવવા પડશે. વિનોદ ભટ્ટ, (હાસ્ય લેખક, કટાર લેખક)

લોકોને સાહિત્ય તરફ વાળવાં પડશે

ગુજરાત રાજયની સ્થાપના પછીનો પહેલો દાયકો સાહિત્યના કાયાકલ્પનો હતો. આધુનિકતાના પૂરા સંસ્પર્શ સાથે સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં નૂતન અભિવ્યકિતના પ્રયોગો આ દાયકામાં આરંભાયા અને ઉત્તરોત્તર વિકસતા ગયા. ગુજરાતી કવિતા વધુ સંકુલ બની, ગુજરાતી ટૂંકી વાર્તામાં ઘટના કરતાં રૂપનર્મિતિનો વિશેષ મહિમા થયો. નવલકથા અને નિબંધનાં ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર કામ થયું. દલિતચેતના, નારીચેતના અને ગ્રામચેતનાનાં સાહિત્યમાં ઘણો વિકાસ થયો. લોકોને સાહિત્ય તરફ આકર્ષિત કરવા ઉત્તમ સાહિત્યને ઓછી કિંમતમાં પ્રજાને પહોંચાડવું, શિબિરો દ્વારા યુવા પેઢીને સાહિત્ય તરફ વાળવી. -રતિલાલ બોરીસાગર, (હાસ્ય લેખક)

somya-joshiવાડાપ્રથા બંધ થવી જોઈએ

મેં ઘણી નાની ઉમરથી નાટક અને કવિતાઓ લખવાનું શરૂ કરી દીધું હતું. આ બે ક્ષેત્રની વાત કરવા જાઉં તો આજે વિધાર્થીઓમાં નાટકક્ષેત્રે ઘણી ટેલેન્ટ છે. જો વિધાર્થીઓની રંગભૂમિ શરૂ રહેશે તો રંગભૂમિની સકિલ બદલાઈ જશે જયારે કાવ્યમાં બે તકલીફ છે, તેમાં વાડા-વિભાગ ઘણા પડી ગયા છે. અછંદસ, છંદસ અને સ્વરૂપની વધારે વાત વિવેચનનાં ક્ષેત્રમાં થઈ રહી છે. તેના સાર અને કેન્દ્રની વાત થવી જોઈએ તે ઓછી થઈ રહી છે, તેના બદલે વાડા અને સ્વરૂપની વાત થઈ રહી છે.

કવિતાને કવિતાની રીતે માણવાની કોશિશ કરીશું તો જ તેને ન્યાય આપી શકીશું. કાવ્યચર્ચાઓમાં પણ જે પ્રકારની ચર્ચા થવી જોઈએ તેનો અભાવ વર્તાઈ રહ્યો છે. -સૌમ્ય જોષી, (દિગ્દર્શક અને કવિ).