HomeSpotlightGujarat Day Gujarat Day

સરદાર : અનેરું ઉદાત્ત વ્યકિતત્વ

pravin_laheriસરદારને આપણે દ્દઢ મનોબળવાળા, નિર્ણાયક, કાર્યકુશળ, નિષ્ઠાવાન, સ્વમાની, સમર્પિત, લોહપુરુષ તરીકે ઓળખીએ છીએ. સરદારનું વ્યકિતત્વ અનેક રીતે અજોડ છે. તેમના વિચારો, આસ્થા, કાર્યપદ્ધતિ, માનવીય અભિગમ અને સંબંધોની માવજત તેમને આગવું નેતૃત્વ બક્ષે છે. સરદાર દરેક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી જે માર્ગ અપનાવે છે તેમાં નૈતિકતા, ઉદારતા અને વ્યવહારકુશળતાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. સરદારની વાણી સ્પષ્ટ છે તેટલા જ વિચારો પણ ચોખ્ખા છે.

ગાંધીજીએ સત્યાગ્રહીઓ પાસે જે ગુણોની અપેક્ષા રાખી હતી તે ગુણો સરદારે આત્મસાત્ કર્યા છે. સરદારની એ ખાસયિત છે કે તેઓ અન્યાયનો સામનો કરવા સદાય તત્પર રહ્યા છે. સરદારનો અભય એમની કઠોર તપસ્યાનો પરિપાક છે. સાધનશુદ્ધિ, ક્ષમા અને સત્યમાં શ્રદ્ધા આ તમામ ગુણો સરદારના વ્યકિતત્વનો અંશ છે. સરદાર અને મહાત્માજીની તુલનામાં સરદાર સાધનશુદ્ધિના આગ્રહી નથી તેવો ભાવ પ્રગટ કરવામાં આવે છે.

સરદાર તેમનાં કાર્યોની છણાવટ કરી તેમાંથી અર્થ તારવી કોઇ ઉપદેશ આપવાની ચેષ્ટા કરતા નથી. તેમના માટે તો કાર્ય સંપન્ન કરવામાં, કર્તવ્યની કેડી પર ચાલવામાં અને સ્વરાજ હાંસલ કરવા ગાંધી ચીંઘ્યા માર્ગે ચાલવામાં જીવનની સાર્થકતા સમાયેલી છે. સરદાર સાહેબના વ્યકિતત્વને ઉજાગર કરતાં સેંકડો પ્રસંગો ઇતિહાસના પાને અંકિત થયા છે. આમાંનો ૧૯૨૧માં સુરત જિલ્લાના વરાડ ગામે બનેલો એક પ્રસંગ સરદારની પ્રતિભાના યથાર્થ દર્શન કરાવે છે.

વરાડ ગામની રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કરાવવા સાથે દારૂબંધીનું કામ કરતાં સંનિષ્ઠ શિક્ષક મકનજીભાઇ જહાંગીર નામના પારસી પીઠાવાળાના રોષનો ભોગ બને છે. જહાંગીર અને તેના મળતિયાઓ મકનજીભાઇને સખત મારપીટ કરે છે. મકનજીભાઇ બેશુદ્ધ થયા ત્યાં સુધી બેરહેમ રીતે હિંસા કરાવનાર જહાંગીરના ઘર તરફ ઉશ્કેરાયેલું ટોળું ઘસી જઇને મકાન બાળવાની તૈયારી કરે છે. જહાંગીરના સદ્ભાગ્યે પાડોશમાં રહેતા એક ડોશીમા ટોળાને રોકે છે અને સમજાવે છે કે ગાંધીમાર્ગે ચાલનાર માટે તમે હિંસાથી બદલો લો છો તે જાણીને ગાંધીજીને કેવું થશે? તેમની સત્યાગ્રહની તાલીમ કાચી નીકળી કે કેમ? થોડા જ સમયમાં બારડોલીના સંનિષ્ઠ કાર્યકર કુંવરજીભાઇ મહેતા વરાડ પહોંરયા અને વલ્લભભાઇ આવીને માર્ગદર્શન ન આપે ત્યાં સુધી સૌએ ધીરજ રાખવી. કુંવરજીભાઇએ વલ્લભભાઇને ગુજરાતના સૂબાના સંબોધન સાથે પત્રિકા છપાવી.

બે દિવસ બાદ વરોડમાં સરદારનું પ્રવચન ગોઠવ્યું. પત્રિકા અને હાજરી માટેનો વિનંતીપત્ર સરદારને પાઠવ્યાં. કશી પૃરછા કે આનાકાની વગર નક્કી કરેલી તારીખ અને સમયે સરદાર આવી ગયા. સભાની શરૂઆત કરતાં સાથે જ સરદારે જહાંગીરને સભામાં બોલાવી ઘાયલ થયેલ મકનજીભાઇ પાસે બેસાડયા. જહાંગીરને ધીરજ અને કુનેહથી સમજાવ્યું કે તેણે ખોટું કામ કર્યું છે. ગામના લોકોનો આક્રોશ વાજબી છે. વેરઝેર વધે તે પહેલાં તેમણે મકનજીભાઇની માફી માગી લેવી જોઇએ.

જહાંગીરે ગામ લોકોની સભામાં મકનજીભાઇની ખરા દિલથી માફી માગી. સરદારે ગામ લોકોને સમજાવી જહાંગીરને તેના દુરાચરણનું પુનરાવર્તન ન કરે તેવી બાંયધરી સાથે ક્ષમા અપાવી. કુંવરજીભાઇના શબ્દોમાં ‘ગાડી પાટા ઉપરથી ઊતરી રહી હતી તે સરદારે પાટે ચડાવી.’

pravin_laheriસરદારની વ્યવહારકુશળતા કેવી કે ભૂલ કરનારને સામેથી બોલાવે. કદાચ તેની કોઇ રજૂઆત હોય તો તે માટે તક આપે. દોષી પ્રત્યે તિરસ્કાર ન રાખતાં તેની અને ભોગ બનેલી વ્યકિત વચ્ચે સમાધાનની ભૂમિકા રચી આપે. મકનજીભાઇનું સ્વમાન સાચવીને જહાંગીરને જનશકિતનો અહેસાસ કરાવી પ્રાયિશ્ચત કરાવે. ગામ લોકોને સહિષ્ણુતા અને અહિંસાનો પ્રભાવ દર્શાવતો પ્રયોગ નજર સામે કરી દેખાડે. ગામની શાંતિ અને સુખાકારીને આંચ ન આવે તેવો ઉકેલ કરી આપે. ગાંધીએ પ્રબોધેલા સત્યોને સાકાર કરવામાં જેની બેનમૂન આવડત છે તેવા સરદાર ઉત્તમ નેતા તરીકે એક સફળ અને ન્યાયી વ્યકિત તરીકે અને અનુયાયી માટે ‘અડધી રાતે જેના બારણે ટકોરો મારી શકાય’ તેવા ભરોસાપાત્ર આગેવાન તરીકે અમીટ છાપ છોડી જાય છે.

આઝાદીના આંદોલન સમયે ગાંધીજીએ બ્રિટિશ શિક્ષણ પ્રણાલી જે મેકોલે પ્રેરિત હતી તેનો સખત વિરોધ કર્યોહતો. ગાંધીજીની કલ્પના હિંદ માટે ગ્રામીણ જીવનને અનુરૂપ અને ઉપયોગી રાષ્ટ્રીય શિક્ષણની વ્યવસ્થા કરવાની હતી. ગૂજરાત વિધાપીઠની સ્થાપના તે હેતુથી થઇ હતી. તેનું ભૂમિપૂજન સરદારના હાથે થયું હતું. મુંબઇ પ્રાંતમાં જમીન મહેસૂલ ઉપર શિક્ષણ ઉપકર વસૂલ કરી પ્રાથમિક શિક્ષણ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને તે રકમ આવક તરીકે પ્રાપ્ત થતી હતી. આજે પણ શિક્ષણ ઉપકર ઉઘરાવાય છે. પણ તેની રકમ મામૂલી લાગે તેવી છે. કેન્દ્ર સરકારે પણ હજારો- કરોડ રૂપિયાની રકમ શિક્ષણ ઉપકર તરીકે ઉઘરાવી છે પણ તેના યથાર્થ ઉપયોગનો પ્રશ્ન હજી વણઉકેલ છે.

અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા પ્રાપ્ત થતી શિક્ષણ ઉપકરની રકમ તેની કાયદા મુજબની આવક છે અને તે રકમનો ઉપયોગ ‘આપણાં બાળકોનું માનસ પરદેશી ઢાંચામાં ઢાળવામાં ન થાય તે જોવું જોઇએ.’ એવી સરદારની દ્દઢ માન્યતા હતી. મેકોલેની શિક્ષણ પ્રથાને ભાંડવામાં આપણે કોઇ કસર નથી છોડી પણ આપણાં બાળકોને તે પદ્ધતિનું શિક્ષણ આપવાનો આપણો ઉત્સાહ દિનપ્રતિદિન વધતો જાય છે. હકીકત તો એ છે રાષ્ટ્રીય શિક્ષણના આજે વળતાં પાણી છે. સરદારની આસ્થા હતી કે રાષ્ટ્રીય શાળાઓ અને ગૂજરાત વિધાપીઠ જ નવી પેઢીને સાચો માર્ગ દેખાડશે.

સરદારની રચનાત્મક પ્રવત્તિઓ અને રાષ્ટ્રીય શિક્ષણની ભાવના ગાંધીજીએ રજૂ કરેલા વિચારો સાથે સુસંગત હતી. ટકાઉ અને ન્યાયી વિકાસની કલ્પના અંગે સરદારનો ઝોક પંડિત નહેરુ અને સમાજવાદી વિચારધારા કે સામ્યવાદ કરતાં ભિન્ન હતો. કષિ, પશુપાલન, સહકાર, શિક્ષણ, દલિત ઉદ્ધાર જેવા ક્ષેત્રમાં સરદારના વિચારો આજે પણ પ્રસ્તુત જણાય છે.

વાતો ઓછી, કામ વધુ...

કષ્ણદાસ નામના એક બંગાળી આગેવાન ૧૯૨૧માં પ્રથમ વાર સરદારને અન્ય કોંગ્રેસી આગેવાનો સાથે મળ્યા. કષ્ણદાસની સમજમાં ન આવ્યું કે ‘આટલા ગંભીર અને આટલા ઓછા બોલા વલ્લભભાઇ આટલા મોટા ગજાના નેતા કેમ બન્યા હશે?’ કષ્ણદાસ ત્યારબાદ હંમેશાં કહેતા કે ‘માત્ર ભાષણો કરવામાં જ જેનાં સમય અને શકિત વેડફાઇ જાય છે તેવા નેતાઓ કરતાં વલ્લભભાઇ તદ્દન નોખા પડી જાય છે.’ ગાંધીજી સાથે મજાક-મશ્કરી કરી ગાંધીજીની અને પોતાની ઠેકડી ઉડાવનાર સરદારનો સ્વભાવ મજાકિયો હતો પણ મિટિંગોમાં તેઓ શાંતિથી અને નમ્રભાવે ગાંધીજી સાથે વાતચીત અને વર્તન કરતા હતા. એક સમર્થ નેતાની શિસ્ત, વફાદારી અને કર્તવ્ય પરાયણતા જોઇને જે અદના કાર્યકરોને સાચી પ્રેરણા મળતી હતી.

સરદાર શબ્દદેહે

‘સંઘર્યો સાપ પણ કામનો’ એ કહેવતનું મૂળ સમજાવતા સરદારે કહ્યું, ‘એક વાણિયાને ત્યાં સાપ નીકળ્યો. તેને મારનાર કોઇ મળે નહીં અને પોતાની હિંમત ચાલે નહીં એટલે તપેલા તળે ઢાંકયો. રાત્રે આવ્યા ચોર. તેઓ કૂતુહલથી તપેલું ઉઘાડવા ગયા ત્યાં સાપ કરડયો અને ચોરી કરવાને બદલે પંચત્વ પામ્યા.’