
Spotlight
Gujarat Day Gujarat Day
ગુજરાતની કલા અને સંસ્કૃતિ દેશવિદેશમાં સ્થાપિત થઇ, ગુજરાતનાં કલ્ચરને અનુરૂપ અમે આજ સુધી કલા અને સંસ્કૃતિના વારસાને અડીખમ રાખ્યો છે, ગુજરાતને ‘સ્વર્ણિમ ગુજરાત’ની પદવી સુધી પહોંચાડવામાં ગુજરાતનું કલ્ચર, કલા અને સંસ્કતિના વારસાએ પણ અડીખમ રીતે ભાગ ભજવ્યો છે.
આઝાદીના સમયથી લઇ ન અત્યાર સુધી ગુજરાતનાં થિયેટર, ગુજરાતી ફિલ્મો, શાસ્ત્રીય નૃત્ય, ભારતીય સંગીતમાં અનેક પ્રકારના ફેરફાર આવ્યા છે, કલા સાથે વિવિધ રીતે સંકળાયેલાં લોકો છેલ્લાં ૪૯ વર્ષની યશગાથા પોતાના શબ્દમાં રજૂ કરે છે. ‘‘કલા અને સંસ્કૃતિના સથવારે ગુજરાતનો થયો વિકાસ, ચલો હવે ઉત્સવ ઊજવો આપણું ગુજરાત થયું ૫૦નું.’’
છેલ્લાં ૫૦ વર્ષમાં ગુજરાતે કલા અને સંસ્કતિનો વારસો જ નહીં પણ દેશ-વિદેશમાં ગુજરાતની કલા અને સંસ્કૃતિને સ્થાપિત પણ કરી છે. ગુજરાતમાં શાસ્ત્રીય નત્ય અને ભારતીય સંગીતની કદર કરનારની સંખ્યા વધી છે તો વિદેશમાં ગુજરાતી કલ્ચરની એક આગવી ઓળખ ઊભી થઇ છે.
૪૦-૪૫ વર્ષથી અમદાવાદમાં ગુજરાતી લોક કલા, થિયેટર અને સંગીતને સાચવી રાખનાર લોકો કલા અને સંસ્કતિમાં આવેલ બદલાવ વિશે કેટલીક વાતો કરી રહ્યા છે.
ગુજરાતની કાયાપલટ થઇ ગઇ છે
૪૯ વર્ષ પહેલાંનાં ગુજરાતમાં જો એક નજર કરીએ તો ત્યારે ફકત એક ચેનલ દ્વારા મીડિયાનો પ્રચાર થતો હતો આજે હજારો ચેનલ આવી ગઇ છે . ગુજરાતી ઇન્ડસ્ટ્રી આજે પણ અડીખમ છે પણ ગુજરાતી ફિલ્મો અડીખમ રહી નથી. કારણ કે ગુજરાતી ફિલ્મોને જોઇએ તેટલું પ્રોત્સાહન મળ્યું નથી.
એક સમયે ગુજરાતી ફિલ્મો જોવા લોકો થિયેટર સુધી જતાં હતાં જયારે આજે ગુજરાતી ફિલ્મો જ થિયેટર સુધી પહોંચતી નથી. ગુજરાતી કલ્ચરમાં તરણેતરનો મેળો પ્રખ્યાત છે અને ગુજરાતી ગરબાની ડિમાન્ડ છે. - અભિલાશ ગોડા, ફિલ્મ પ્રોડયુસર
શાસ્ત્રીય નૃત્યનો પાયો મજબૂત બન્યો છે
૪૩ વર્ષ પહેલાં કલાસિકલ નૃત્ય શીખવા માટે ફકત ૪ છોકરીઓ આવતી હતી આજે ૧૦૦ જેટલી છોકરીઓ ભરતનાટયમ અને કથ્થકની તાલીમ લઇ રહી છે, મેં અમદાવાદને શાસ્ત્રીય નૃત્યનું એક ઘર પૂરું પાડયું છે. એક સમય હતો કે શાસ્ત્રીય નત્ય જે ગુજરાતનું કલ્ચર કહેવાતું હતું તેને ગુજરાત કરતાં વિદેશમાં વધારે આવકારવામાં આવતું હતું જયારે હવે ગુજરાતમાં પણ બોલબાલા વધી છે, જેમાં અમદાવાદનાં શહેરીજનોનું યોગદાન ઘણું રહ્યું છે.- કુમુદિની લાખિયા, કથ્થક ડાન્સર
ગુજરાતી સંગીત પણ ફયૂઝન બન્યું
ડૂબતાં ગુજરાતી મ્યુઝિકને જાળવી રાખવા માટે ગુજરાતી ફયૂઝન બનાવવાની શરૂઆત મેં કરી હતી. ૨૫ વર્ષ પહેલાંની વાત કરીએ તો લોકગીતો ઘણાં ચાલતાં હતાં, અમે તેની ટ્રેડિશનમાં ચેન્જ નથી કર્યો પણ તેને ફયૂઝન બનાવીને લોકોને આપવાની શરૂઆત કરી છે જેના લીધે ગુજરાતી સંગીત આજે પણ જળવાઇ રહ્યું છે.
મ્યુઝિક તૈયાર કરવામાં બોમ્બે પાસે જેટલી ટેક્નિક છે તેટલી આપણી પાસે પણ છે. ગુજરાતી મ્યુઝિક બોમ્બે ઇન્ડસ્ટ્રીથી ઊતરતું નથી આ માટે ગુજરાતી ટ્રેડિશનલ ફોક આજે પણ રિચ છે. - અપ્પુ, મ્યુઝિક ડાયરેકટર
ગુજરાતીમાં ગુજરાતીપણું હોવું જોઇએ
કલાકારોની કમી આજે પણ અમદાવાદમાં નથી, હિન્દી હોય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતે જેટલા કલાકારો આપ્યા છે તેટલા અન્ય કોઇ નથી આપી શકયું. અમારી વખતે માંડ ગણ્યાગાઠયાં થિયેટર હતાં જયારે અત્યારે થિયેટરની હારમાળા થઇ ગઇ છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમે અમારા વખતે જે કામ કર્યું તે અત્યારે નથી થતું. અમારે એક ફિલ્મ પૂરી કરતાં ૪૦થી ૫૦ દિવસ લાગતા હતા જયારે અત્યારે ટેક્નિક એટલી આગળ વધી ગઇ છે કે અઠવાડિયામાં એક ફિલ્મનું શૂટિંગ થઇ જાય છે. - પી. ખરસાણી, ફિલ્મ એકટર
ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો વારસો જળવાઇ રહ્યો છે
ગુજરાતી ફિલ્મો દ્વારા ગુજરાતની ટ્રેડિશનની એક ઝાંખી થતી હતી, જે વારસાને ગુજરાત સાચવી શકયું નથી. આજે પણ પોતાની સંસ્કતિને રજૂ કરતી ફિલ્મો જોવા માટે આતુર છે કારણ કે ગુજરાતી ફિલ્મો પછી ગુજરાતી આલબમનો એક નવો યુગ ચાલુ થયો છે જેના લીધે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો વારસો જળવાઇ રહ્યો છે. ગુજરાતી કલાકારો ઘણા આગળ વધી ગયા છે. વર્ષો પહેલાંની ઇન્ડસ્ટ્રીમાં ફરક ચોક્કસ આવ્યો છે પણ ગુજરાતી કલ્ચર અને વારસો તૂટયો નથી. - શ્રી દત્ત વ્યાસ, ગુજરાતી ફિલ્મ ડાયરેકટર
ગુજરાતી સંગીતનો વારસો જળવાયો છે
મોડર્ન અને પોપ સંગીતમાં ગુજરાતી સંગીતે પોતાનું સ્થાન યથાવત્ જાળવી રાખ્યું છે. ૨૫ વર્ષમાં ૭૫૦ જેટલી ગુજરાતી ગીતોની સિડી તૈયાર કરી છે તેટલો તેનો વ્યાપ વઘ્યો પણ છે. પ્રોગ્રામ ફરક એટલો જ છે કે પહેલાં ૧,૫૦૦ વ્યક્તિ આવતી હતી આજે ૧૫,૦૦૦ વ્યકિત ભાગ લેતી હોય છે.
શહેરનાં લોકોએ ગુજરાતી સંગીતના ઐતિહાસિક વારસાને જાળવી રાખ્યો છે. ગુજરાતની ટ્રેડિશનને જાળવી રાખવામાં શહેરીજનોએ હંમેશાં સાથ આપ્યો છે. - હેમંત ચૌહાણ, સિંગર
થિયેટર સમાજનું દર્પણ છે
૧૯૭૦ અને ૮૦ના દાયકાની વાત કરીએ તો તે સમયે થિયેટર ધૂમ ગુજરાતમાં ચાલતા હતાં. સમાજ સાથે સંકળાયેલા પ્રશ્નોને લઇને નાટકો કરવાની શરૂઆત કરી હતી.
સમાજના દરેક પ્રશ્નોનું દ્રષ્ટિબિંદુ નાટકોમાં દેખાતું હતું, નાટકો અને થિયેટર એકદમ પડી ભાગ્યાં હતાં જયારે તેની ફરી શરૂઆત દસ-પંદર વર્ષ પહેલાં થઇ. ગુજરાત પાસે ઇન્ટરનેશનલ લેવલનાં બેસ્ટ નાટકો આપવાની તાકત પણ છે પણ તે માટે યોગ્ય પ્રોત્સાન પણ જરૂરી છે. - દક્ષિન બજરંગી, નાટ્યકાર અને ફિલ્મમેકર
તાલ માટે તબલાં જરૂરી છે
મ્યુઝિક કોઇ પણ પ્રકારનું હોય ઇલેકટ્રોનિકસ તબલાં દરેક જગ્યાએ કામ નથી કરતાં. ગુજરાતની સ્થાપના વખતે પણ તબલાં વાગતાં હતાં અને આજે પણ વાગે છે. પહેલાં કેટલીક કાસ્ટ માટે તબલાં પ્રત્યે ઘણો અણગમો હતો જયારે અત્યારે મારી પાસે વિધાર્થીઓની કોઇ કમી નથી.
વેસ્ટર્ન મ્યુઝિક તરફ વળેલાં લોકો પણ અત્યારે તબલાં શીખવા માટે આવતાં હોય છે. ગરબાથી માંડીને પ્રાઇવેટ પ્રોગ્રામમાં પણ તબલાંની ડિમાન્ડ પહેલાં જેવી જ રહી છે તેમાં વધારો થયો છે પણ ઘટાડો થયો નથી. - પ્રવીણભાઈ શિન્દે, તબલાવાદક