HomeSpotlightGujarat Day Gujarat Day

આપણી ભાષા સાથે પ્રેમ જરૂરી

gujarati_literaturateસ્વર્ણિમ ગુજરાતમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આજકાલનો નહીં પણ વર્ષો જૂનો છે. જેમાં કેટલાય જાણીતા લેખકો અને કવિઓએ પોતાની કલમની કસબ બતાવી છે. આવા સાહિત્યના ભંડોળનાં ૪૯ વર્ષની સફર યાત્રા,લેખનો, પડકારો વિશે જાણીતા સાહિત્યકારો સિટી ભાસ્કરને સાહિત્યની આજકાલ વિશે જણાવે છે.

હે ઇશ્વર દે મરવાનું,ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું...?

ગરવી ગુજરાતમાં સાહિત્યના ક્ષેત્રને સાચવી રાખવા ગુજરાતી ભાષાનું જીવંત રહેવું જરૂરી છે. કારણ કે આજે વધતા જતા ઉપકરણોને કારણે યુવાનોમાં સાહિત્ય પ્રત્યેનો રસ ઓછો થઈ રહ્યો છે. આજે ગુજરાતી સાહિત્ય સામે પડકારો ઘણા ઊભા છે પણ તેને એકસાથે મળીને સામનો કરવાની જવાબદારી પણ આપણી જ છે.

સાહિત્યમાં ગંભીર સાહિત્યનો ઉમેરો ભવિષ્યમાં નવી દિશા ચીંધશે...

જો સાહિત્યના ૪૯ વર્ષની સફરની વાત કરવામાં આવે તો ગુજરાતી સાહિત્યકારો માટે ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ એમ બે સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી. જે સાહિત્યકારોને પૂરતું પ્રોત્સાહન પૂરું પાડતી હતી.

સરકારે હિન્દી, ઉર્દૂ, ગુજરાતી અને સંસ્કત ભાષા માટે પણ અકાદમી સ્થાપી અને દરેકને સ્વતંત્ર બનાવી હતી. જેમાં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઘણાં બધાં દુર્લભ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં, નવોદિત લેખકોને સબસિડી આપવામાં આવી, જ્ઞાનના પુસ્તકો પ્રકાશિત કરાયા. ગુજરાતી સાહિત્યનો ભવિષ્યનો વિચાર કરવામાં આવે તો, જો ગંભીર સાહિત્યનો ઉમેરો કરવામાં આવે તો ચોક્કસ તે આશાસ્પદ બની રહે. - કાલિદાસ ત્રિવેદી, (ભૂતપૂર્વ ભાષા નિયામક)

સાહિત્યક્ષેત્રે પ્રથમ કોટીના સર્જકો મળ્યા Usha છેલ્લાં ૫૦ વર્ષમાં ગુજરાતી સાહિત્યે સફળતા પૂર્વક અનેક દિશામાં પ્રગતિ કરી છે. આધુનિક, અનુ આધુનિક અને હવે દલિત તથા નારીવાદી સાહિત્ય ગુજરાતી ભાષામાં આ સમયગાળામાં વિકસ્યું ત્યારે જ ગુજરાતી ભાષાના સર્જક રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો.

આદિ કવિ નરસિંહ મહેતા પુરસ્કાર અને દર્શક એવોર્ડ જેવા સન્માનિત પારિતોષિકો વડે ગુજરાતી સાહિત્યના અનેક પ્રથમ કોટીના સર્જકો સન્માનિત થયા. હિમાંશી શેલત, કિરીટ દૂધાત જેવા ઉત્તમ વાર્તાકારો આજની ગુજરાતી વાર્તાઓને એક ડગલું આગળ લઈ ગયાં છે.

ચંદ્રકાંત ટોપીવાળા અને પ્રમોદકુમાર પટેલ જેવા પ્રકાંડ વિદ્વાનો આપણને મળ્યા. ત્યારે નારાયણ દેસાઈની કલમે મહાદેવભાઈ દેસાઈ અને ગાંધીજીનાં જીવનચરિત્રો લખાયાં અનેે વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશનું નિર્માણ થયું. - ઉષાબહેન ઉપાઘ્યાય, (જાણીતા કવયિત્રી, વિવેચક)

બાળકને સાહિત્ય યાદ રાખવામાં શરમ આવે છે...

આજના સાહિત્યકારો સામે પહેલાંના સાહિત્યકારો કરતાં પડકારો વધારે છે. કારણ કે સાહિત્યમાં એટલું બધું લખાઈ ગયું છે કે, લખે તો શેના પર લખે અને તેને બે બાબતોનું હંમેશાં ઘ્યાન રાખીને લખવું પડે છે.૧) કોઈનું અનુકરણ ના થાય ૨) વાચકો પાસે નવું કાઈ પીરસી શકાય. પડકાર સાથે ફાયદા પણ ઘણા થયા છે.

ઇન્ફર્મેશન ટેકનોલોજીના યુગમાં લખીને તેને સરળતાથી મોટા વાચક વર્ગ સુધી મોકલી શકાય છે. આ યુગને અંગ્રેજી યુગ કહી શકાય. બાળકને પારણાથી જ અંગ્રેજી તરફ વાળવામાં આવે છે. પારણામાં રહેલા બાળકને દૂધ નહીં મિલ્ક પીવડાવીએ છીએ તેમ કહેવામાં આવે છે.આથી જ આપણા સાહિત્યથી બાળક વિમુકત થયો છે. આથી તેને સાહિત્ય યાદ રાખવામાં શરમ આવે છે. - અશોક ચાવડા , (યુવા કવિ)

સાહિત્યથી જ આ ભાષા જીવંત રહેશે અન્યથા નહીં...

આજે સાહિત્યની સ્થિતિ ચિંતાજનક છે. ટીવી જેવા માઘ્યમોનું આક્રમણ થયું છે. આથી પુસ્તક અભરાઈના કોઈ ખૂણામાં છુપાઈ ગયું છે. આજની યુવાપેઢીનો ગુજરાતી સાહિત્યથી અનુબંધ તૂટી ગયો છે. કવિતાના કવિ સાહિત્યક્ષેત્રે આશાઓ રાખી શકીએ છીએ એનું કદાચ એક કારણ કવિસંમેલનો છે. સાહિત્યથી યુવાપેઢી દૂર થઈ છે. એના કારણમાં સાહિત્યકારો છે. સાંપ્રત સ્થિતિ સાહિત્યમાં બહુ ઓછી દેખાય છે. ભાષા પણ અઘરી વપરાય છે.

ગુજરાતી સાહિત્યમાં પ્રચાર થાય તે માટે સૌએ પોતાની જવાબદારી સમજીને પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. સાહિત્યથી જ આ ભાષા જીવંત રહેશે અન્યથા નહીં. - પ્રો. હરદ્વાર ગોસ્વામી , (આંબેડેકર યુનિવર્સિટી)

ગુજરાતી સાચવવા વાચન વધારવું પડશે... Kajal

દરેક જૂની પેઢી એવું કહે છે કે નવી પેઢી પાસે કશું નથી, પણ તે તદ્દન ખોટું છે. જૂના સાહિત્યકારો ત્યારની જીવનશૈલીથી વણાયેલા હતા, તે સમય અને આજના સાંપ્રત જનજીવનમાં ઘણો છે. આજના લેખકોને પોતાના વિચારો છે. આજના સમાજ સાથે જોડાયેલું લખાણ દરેક યુવાનોને ગમે છે. હા બદલાયું છે તો બોલચાલની ભાષા... એટલે જ આજે સાહિત્ય બદલાયું છે. આજે દરેક વસ્તુમાં કન્ઝ્યુમરીઝમ થઈ ગયું છે. આજનો ગ્રાહક જાગૃત છે, સમાજના લોકોને શું જોઈએ છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં શું ચાલી રહ્યું છે. હાલ જરૂર છે તો ભાષા અને વિષયો પર ઘ્યાન રાખવાની છે. ભાષા માત્ર બોલચાલની રહી ગઈ છે. યુવાનોને રસ પડે તેવું સાહિત્ય આપવું પડશે અને નવોદિત સાહિત્યકારોએ શબ્દભંડોળ અને જોળણી માટે વાચવું પડશે નહીં, તો ભાષા ભુલાઈ જશે. કાજલ આઝા વૈધ, (જાણીતા લેખિકા)