HomeSpotlightGujarat Day Gujarat Day

ગુજરાત: હવે એક કદમ આગે

gujarat.jpgછેવટે, પૃષ્ઠભર ને બાગેબહાર સરકારી જાહેરખબર સાથે ગુજરાતે પચાસમા વર્ષમાં પ્રવેશ કર્યો! રાજય સરકારને એ વાતે ધોખો છે (અને તે સ્વાભાવિક પણ છે) કે ચૂંટણીની આચારસંહિતાવશ કેવળ છાપામાં જાહેરખબરથી નભાવી લેવું પડયું: તાજેતરનાં વર્ષોમાં ગુજરાત દિવસની જાહેર ઉજવણીનો જે ખાસ ચાલ ઊભો કીધો છે તે આ વર્ષે શકય નહોતો. જોકે એનો ખંગ વાળવો હોય એમ મુખ્યમંત્રી મોદીએ શુભેરછા સંદેશમાં સંબંધિત સૌને આશ્વસ્ત કર્યા છે કે વર્ષ દરમિયાન જરૂર મોટાં આયોજનો (ઉર્ફે ઉજવણાં) હાથ ધરાશે.

સ્વર્ણિમ ગુજરાત વિષયક જાઘ્ખમાં જણે જણ અગર તો મતદાનના ત્રીજા દોરમાં જોવા મળ્યું તેમ ‘પટેલ’ અગર ‘હિંદુ’ કે પછી ‘મુસ્લિમ’ કને નહીં પણ નાગરિક કને એવી અપેક્ષા સેવવામાં આવી છે કે પોતે સમૃદ્ધ, શિક્ષિત, નીરોગી, નર્મિળ, હરિયાળા અને આધુનિક એવા સ્વર્ણિમ ગુજરાત વાસ્તે સક્રિય ભાગીદાર બની રહેશે.

એક રીતે, સમારોહ પ્રબંધન (ઇવેન્ટ મેનેજમેન્ટ) અને પ્રતિમા-પ્રક્ષેપણ (ઇમેજ પ્રોજેકશન)ની જે એક વિશેષ તરાહ અને તાસીર તાજેતરનાં વર્ષોમાં જોવા મળી છે, એમાં બાકી શોર વચાળે સમૃદ્ધિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ, પર્યાવરણ અને આધુનિકતાના ખયાલોની સૂધબૂધ રહે તો એમાં કંઈ ખોટું પણ નથી. અહીં જે બધા ખયાલોનો નિર્દેશ થયો છે તે દેશનું કોઈ પણ રાજય આવે પ્રસંગે સેવવા ઇરછે તે સહજ છે. એમાં પણ ગુજરાતની તો પોતાની એક ધીંગી પરંપરા છે.

જોકે પચાસમા વર્ષમાં પ્રવેશ્યાના વળતા દિવસોમાં દેશ સમસ્તના સંદર્ભમાં તેમ વિશેષે કરીને ગુજરાત સરખા વિકાસમાન પ્રદેશને અનુલક્ષીને ઉઠાવવા જેવો સવાલ અને કરવા જોગ કૌતુક કદાચ બીજું છે. ખબર નથી, કેટલા લોકોના ઘ્યાનમાં એ આવ્યું હશે કે દેશના જિલ્લાઓમાં સૌથી ગરીબમાં ગરીબ જિલ્લો કોઈ હોય તો તે ડાંગ છે.

અહીં અપેક્ષિત નિર્દેશ અલબત્ત ડાંગની વનસંપદા પરત્વે નથી. સવાલ, વનશ્રી વચ્ચે પાંગરવી જોઈતી જીવનશ્રીનો છે, અને બાકી જિલ્લાઓને મુકાબલે સર્વાધિક ગરીબીને કારણે અહીં જીવનની શ્રી બાબતે કેમ જાણે કોઈ કુંડાળામાં પગ પડેલ હોય એવો ઘાટ વરતાય છે.

વૈશ્વિક મંદીને કારણે છેલ્લા વર્ષમાં આપણે ત્યાં વિકાસ-અને-વૃદ્ધિ-દર મોચવાયેલ હોય તોપણ જેમ દેશમાં તેમ ગુજરાતમાં એણે ઊચો આંક જરૂર હાંસલ કર્યો છે. પણ એકંદર તરાહમાં જોવા મળતી એક વાત એ છે કે દેશમાં બે વર્ગો વચ્ચેની વિષમતા અગર તો અંતર યથાવત્ જ નહીં, પરંતુ વધેલ સુઘ્ધાં છે.

ગરીબીની રેખાની વ્યાખ્યા બદલી અગર અન્યથા એની નીચે રહેનારાઓની સંખ્યા ઘટેલી ને ઘટતી દર્શાવ્યા પછી પણ જોવા મળતું દુર્દૈવ વાસ્તવ આ અને આ જ છે. ડાંગમાં એક જિલ્લા તરીકે ગરીબીનું પ્રમાણ સૌથી વધુ છે એમ કહેવું તે બીજી રીતે રાજયની અંદર પ્રવર્તતી આંચલિક (રિજનલ) વિષમતાનો દાખલો પણ છે, પરંતુ હકીકતે રાજયભરમાં જેમ સામાજિક ઊચનીચનો પેઢી દર પેઢી સિલસિલો તેમ આર્થિક વિષમતા, છતે વિકાસે, હજુ સુધી તો એક સ્થાયી ભાવ છે.

પચાસ વર્ષ પાછળ નજર કરીએ ત્યારે જીવરાજ મહેતા (પ્રથમ મુખ્યમંત્રી), રવિશંકર મહારાજ (રાજયનો આરંભ કરનાર મંગલમૂર્તિ) અને ઇન્દુલાલ યાજ્ઞિક (મહાગુજરાત આંદોલનના ઝંડાધારી) એ ત્રિપુટીનું સહજ સ્મરણ થાય છે, પરંતુ આ ક્ષણે એમને સંભારવા પાછળ કંઈક સાભિપ્રાયતા પણ છે. એક વાત ત્યારે માકાર્ની કહી હતી જીવરાજભાઈએ કે ભાઈ વારે વારે ગુજરાત સમૃદ્ધ છે એવું ગૌરવ બોલી ન બતાવશો.

આપણે હજુ કેન્દ્ર સરકાર પાસેથી અને અન્ય સ્ત્રોતોમાંથી ઘણું ઘણું લેવું છે, પણ ‘તમે સમૃદ્ધ છો’ એ વાત એમને નકાર સારુ ફાવતી થઈ પડશે! જીવરાજભાઈમાં એક વણિકની કોઠાસૂઝ હતી અને એમણે વહેવારુ શાણપણની વાત કહી હતી એ સાચું, પણ જનસાધારણની સાથે તાદાત્મ્ય ધરાવતા રવિશંકર મહારાજ અને ઉદ્દામ રાજકારણમાં રમેલા ઇન્દુલાલ યાજ્ઞિકની નિસબત, ‘આ સમૃદ્ધિ કોની અને કેટલાની’ એ વાતે પણ હતી સ્તો.

૧૯૯૧માં નરસિંહરાવ વડાપ્રધાન બન્યા અને મનમોહનસિંહ નાણાપ્રધાન બન્યા તે સાથે દેશે નિયો-લિબરલ વિકાસનો રાહ લીધો છે અને એનાં ફળ મેળવ્યાં છે. ગુજરાત પણ ત્યારથી એનું લાભાર્થી રહ્યું છે. પણ રવિશંકર મહારાજે અને ઇન્દુલાલ યાજ્ઞિકે ઉઠાવેલા સવાલોને કે અમત્ર્ય સેન અને બીજા જે માનવ વિકાસ આંક પ્રકારની કસોટીઓ સૂચવે છે તે લક્ષમાં લઈએ તો સહભાગી અને સર્વસમાવેશક વિકાસનો વણઉકલ્યો કોયડો તેમજ વણભેધો કોઠો તરત સામે આવે છે.

સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પમાં નાગરિક પરત્વે ‘સક્રિય ભાગીદાર’ બનવાની વાત છે, અને તે ઠીક જ છે. જે જરૂરી છે તે વળતો શાસકીય કોલ કે સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમાં અમે સહભાગી વિકાસનો અભિગમ અપનાવીશું. વધતી વિષમતાની વાસ્તવિકતા સામે આ અભિગમ વિના આપણું દળદર ફીટવાનું નથી અને ગૌરવ બનવાનું નથી.

૧૯૯૧થી લગભગ એકસરખા આર્થિક દર્શનમાં રમી રહેલાં કોંગ્રેસ-ભાજપ વગેરે જો સ્વાતંત્ર્યગ્રામમાં ઊભરેલ ગાંધીવિચારને ધોરણે, હાલની દુનિયામાં અનુભવાતી આર્થિક અફરાતફરીના ઉજાસમાં, કશોકે પુનર્વિચાર ન કરવાના હોય, કંઈક નવેસર ને જુદેસર ચાતરવાનાં ન હોય તો સ્વર્ણિમ ગુજરાતનાં ઉજવણાં બેમતલબ બની રહેશે. આવાં ઉજવણાં જેમ પ્રજાને ઉત્સાહ આપી શકે તેમ ધેનમાં પણ નાખી શકે, અને એ ધેનગાફેલ માહોલમાં સ્વર્ણિમ સમણાં જરૂર આવી શકે.

પણ ચોક્કસ સંજોગોમાં, સમણાં તે જાગૃતિની સાહેદી કરતાં વધુ તો તંદ્રાની ચાડીરૂપ પણ હોઈ શકે. પચાસમા વર્ષના પ્રથમ સપ્તાહમાં સવારે આટલું પ્રગટ ચિંતન, નિ:સ્વપ્ન જાગૃતિ વાસ્તે.

પ્રકાશ ન. શાહ - વિચારપત્ર 'નિરીક્ષક'ના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર છે.