
Spotlight
Gujarat Day Gujarat Day ઇ.સ.૧૯૨૦ના વર્ષમાં હિંદની હિંદુ-મુસ્લિમ વચ્ચેની સુમેળની સ્થિતિ મલબારના મોપલાઓ દ્વારા થયેલાં હુલ્લડોના કારણે જટિલ સમસ્યાના રૂપમાં ફેરવાઇ ગઇ. ૧૯૧૮થી ચાલતા ખિલાફત આંદોલન દરમિયાન મહંમદઅલી અને શૌકતઅલી (અલીભાઇઓ) ગાંધીજીના સહયોગી હતા. અલીભાઇઓ ઉગ્રભાષામાં પ્રવચનો કરવા માટે પ્રખ્યાત હતા. બ્રિટિશ શાસકોએ અલીભાઇઓ પર સિપાહીઓની વફાદારીને જફા પહોંચાડવાનો અને રાજદ્રોહી ચળવળ ચલાવવાનો આક્ષેપ મૂકયો. મહાત્માજીનો પ્રતિભાવ સ્પષ્ટ હતો.

‘રાજદ્રોહ તો કોંગ્રેસનો ઉદ્દેશ બની ગયો છે. દરેક અસહકારીએ સરકાર સામે અસંતોષ જગાડવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે સરકાર પાસે દયાની ભીખ માગતા નથી અને દયાની અપેક્ષા પણ રાખતા નથી. સરકાર અમારી ધરપકડ કરે નહીં ત્યાં સુધી અમે ખુલ્લી રીતે અને વ્યવસ્થિત રીતે અસંતોષ ફેલાવતા રહીશું.’ ગાંધીજીની આ સ્પષ્ટ અને હિંમતભરી વાતને ચિતરંજનદાસ, મોતીલાલ, લાલા લજપતરાય, જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ અને વલ્લભભાઇ પટેલે સંયુકત નિવેદન દ્વારા સમર્થન આપ્યું. ‘સરકાર જોડે તમામ સંબંધો છોડી દેવા તે તમામ હિંદી નાગરિક અને સિપાહીની ફરજ છે.’ મહાત્માજીએ વલ્લભભાઇ સાથે પરામર્શ કરી અસહકારના આંદોલનને વેગ આપવા માટે ત્રણ પગલાં સૂચવ્યાં.
(૧) બ્રિટનના પાટવી કુંવરની ભારતયાત્રાનો બહિષ્કાર કરવો. બ્રિટિશ શાસન જયારે પ્રિન્સ ઓફ વેલ્સના સ્વાગત માટે મુંબઇ બંદરે ગેટ વે ઓફ ઇન્ડિયાનું નિર્માણ કરતું હતું ત્યારે ગાંધીજી અને વલ્લભભાઇ બ્રિટિશ શાસનને વિદાય કરવા આહ્વાન આપી રહ્યા હતા.
(૨) અસહકારની તીવ્ર અસર પડે તે માટે સામૂહિક સવિનય કાયદાભંગની ઝુંબેશ વ્યાપક ધોરણે હાથ ધરવી.
(૩) સરકારના કરવેરા ભરવાનો ઇન્કાર કરવો. પાટવી કુંવરની મુલાકાતનો બહિષ્કાર પ્રતિકાત્મક હતો પણ અસહકારનું આંદોલન તો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહથી પણ એક કદમ આગે જઇને સમગ્ર વહીવટી તંત્રને સ્થગિત કરી દેવાનું પગલું હતું. ના કરની હાકલ તો અમેરિકન ક્રાંતિ (૧૭૭૪)ની ‘પ્રતિનિધિત્વ નહીં તો કર નહીં’ જેવો સીધો પડકાર હતો. ૧૯૨૦નો સત્યાગ્રહ કોંગ્રેસની જૂની જાજરમાન પેઢીના નેતાઓની વ્યૂહરચના કરતાં ઘણો ઉગ્ર અને જુસ્સાથી ભરેલો હતો. ગાંધીજીના અંતેવાસી અને વિશ્વાસુ વલ્લભભાઇ આ નવી પદ્ધતિના મુખ્ય સૂત્રધાર હતા.
સત્યાગ્રહની શરૂઆત કયાંથી કરવી તે પ્રશ્ન મહત્ત્વનો હતો. આ માટે ગુજરાતના બે તાલુકાઓ મુખ્ય દાવેદાર હતા. ખેડા જિલ્લાનો આણંદ તાલુકો અને સુરત જિલ્લાનો બારડોલી તાલુકો. ગાંધીજીને બારડોલી તાલુકો વધારે સાનુકૂળ હતો. કારણ કે ત્યાં ઘણી રાષ્ટ્રીય શાળાઓ કાર્યરત થઇ હતી. કુંવરજીભાઇ મહેતા અને કલ્યાણજીભાઇ મહેતા (ગુજરાત વિધાનસભાના પ્રથમ અઘ્યક્ષ) જેવા અનેક કસાયેલા કાર્યકરો હતા.
તેઓનું મંતવ્ય હતું કે ૧૬૦૦ની સાલમાં અંગ્રેજોએ પ્રથમ કોઠી (ધંધાનું સ્થળ) સુરતમાં સ્થાપી હતી તો ૩૨૦ વર્ષ બાદ તેઓને ત્યાંથી જ વિદાય કરવાની વ્યૂહરચના અમલમાં મૂકીએ. ખેડા જિલ્લાની પસંદગી માટે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અબ્બાસઅલી તૈયબજીનો આગ્રહ હતો. તેમણે ગાંધીજીને લખ્યું કે ‘તમારે જેટલી શરત મૂકવી હોય તે તમામ પૂર્ણ કરવા અમે કટિબદ્ધ છીએ. મેં ઘરડે ઘડપણ મારી જાત ઘસી નાખી છે. સત્યાગ્રહનો ઘ્વજ સૌથી પહેલાં ખેડામાં ફરકયો હતો.’ એક બુઝુર્ગ નેતાની ઝિંદાદિલી તો જુઓ! ખેડા જિલ્લો જેના માટે ગૌરવ લઇ શકે તેવા આ સફેદ દાઢીમાં શોભતા, ન્યાયાધીશના પદની ગરિમા દિપાવનારા જયોતિર્ધરનું સ્મરણ કે સ્મારક કેમ કયાંય જોવા નથી મળતું?
સામૂહિક સવિયન ભંગની શરૂઆત માટેની સ્થળ પસંદગી ગાંધીજીએ વિઠ્ઠલભાઇ અને વલ્લભભાઇની બંધુબેલડીને સુપરત કરી. રાજમોહન ગાંધીએ સરદારના જીવન ચરિત્રમાં આ અંગેના અહેવાલનો જે ઉલ્લેખ કર્યોછે તે રસપ્રદ છે. ‘વિઠ્ઠલભાઇ-વલ્લભભાઇએ બંને વિસ્તારોની ચકાસણી લીધા પછી ગાંધીને સલાહ આપી કે બંને વિસ્તારો આમ તો તૈયાર છે, પણ બારડોલીમાં એકતા વધારે છે અને અહિંસાનું પાલન થવાની સંભાવના પણ વધારે છે. ખેડાના પાટીદારો બહાદુર હોવા છતાં ઉગ્ર પ્રકતિ ધરાવે છે અને પરસ્પર ઇર્ષાથી વિભકત છે તેવું વલ્લભભાઇનું મંતવ્ય હતું.’
આ અહેવાલ બાદ ગાંધીજીએ લેખમાં શ્રદ્ધા વ્યકત કરતાં જણાવ્યું ‘બારડોલીમાં સ્વરાજનો ઘ્વજ વિજયી બનીને ફરકશે ત્યારે બારડોલીની બાજુના તાલુકાના લોકોએ પોતાને ત્યાં સ્વરાજના ઘ્વજની સ્થાપના કરવાની રહેશે. આ રીતે એક પછી એક જિલ્લામાં સ્વરાજનો ઝંડો ફરકવો જોઇએ.’
મુંબઇમાં બ્રિટિશ પાટવી કુંવરનું આગમન ૧૭ નવેમ્બર ૧૯૨૧ના રોજ થતાની સાથે જનાક્રોશ ફાટી નીકળ્યો. પારસી સંચાલિત દારૂના પીઠાઓને જલાવી દેવાની, પરદેશી ટોપીઓ બાળી દેવાની અને પોલીસોને લાઠીઓથી પીટવાની ઘટનાઓ બની. સરકાર પક્ષે પણ પાંચ દિવસના આંદોલનને કચડી નાખવા ગોળીબારો કર્યા. કુલ ૫૮ લોકોએ આઝાદીના આંદોલનમાં શહીદી વહોરી.
મુંબઇમાં હિંસા-આતંકનો દોર નિહાળી ગાંધીજી વ્યથિત થયા. તેમના ઉપવાસ બાદ જ તોફાનો શમી ગયાં. આગળની લડત મોકૂફ રહી અને ડિસેમ્બર ૧૯૨૧ના આખરમાં અમદાવાદ મુકામે મળનાર કોંગ્રેસ અધિવેશનમાં આંદોલનની વ્યૂહરચના અંગે ફેરવિચારણા કરવાનું નક્કી થયું. પાટવી કુંવરનો બહિષ્કાર અહિંસક રીતે ચાલુ રહેતાં સરકાર રઘવાયી બની અને ધરપકડોનો દોર ચાલ્યો. ૧૯૨૧માં આઝાદી આંદોલનમાં ભાગ લેવા માટે ૩૦,૦૦૦ જેટલા માણસોએ જેલ ભોગવી. ગાંધીજી અને લોર્ડ રીડિંગ વચ્ચે સમાધાનના પ્રયાસો નિષ્ફળ રહ્યા.
રાષ્ટ્રના રાહબર તરીકે સ્વીકત થયેલા ગાંધીજીની આગેવાની હેઠળ દરેક પ્રાંતમાં (રાજય) ઉત્સાહી, અનુભવી અને વ્યાપક જનાધાર ધરાવતા આગેવાનોએ મોરચા સંભાળી લીધા હતા. સ્વાભાવિક રીતે ગુજરાતનો હવાલો સરદાર હસ્તક હતો. હકીકતમાં લોકો ત્યારે વલ્લભભાઇને સરદાર નહીં પણ ગુજરાતના સૂબા તરીકે માનથી સંબોધન કરતા હતા. ગાંધીજી સાથે દેશમાં ભ્રમણ કરી પોતાનું મહત્ત્વ વધારવાને બદલે સરદારે ગુજરાતમાંથી સ્વયંસેવકો તૈયાર કરવા, પક્ષ માટે ભંડોળ એકત્ર કરવું, લોકોને જાગૃત અને સંગડિત કરવા, લોકોના પ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત રહેવું એવા અનેક પાયાના કામમાં તેઓ વ્યસ્ત રહ્યા.
૧૯૨૧ના ઓકટોબર માસમાં સુરત નજીકના એક ગામડાની સભામાં એકત્ર થયેલ પચાસ હજાર જેટલા લોકોની મેદની જોઇને દંગ થઇ ગયેલ એક વ્યકિતએ નોંઘ્યું ‘કોઇ પણ દિશામાં નજર દોડાવીએ તો ખાદીની ટોપીઓ અને ખાદીના ઝભ્ભાઓ જ નજરે પડતાં હતાં. ખાદીધારીઓનો એટલો પ્રચંડ સમૂહ મેં કદી દીઠો ન હતો.’ આ સફળતાના સર્જક હતા સરદાર પટેલ. અમદાવાદમાં ‘અસહકારના ઉદ્ભવ અને વિલોપન’ વિષયની ચર્ચા સભાનું આયોજન સરકાર પ્રેરિત હતું. વલ્લભભાઇએ તેમાં હાજરી આપી. અન્ય વકતાઓએ અંગ્રેજીમાં ભાષણો કર્યા. સરદાર જયારે પ્રવચન આપવા ઊભા થયા ત્યારે સરકારી અમલદારો અને આયોજકોએ તેમને અંગ્રેજીમાં બોલાવા વિનંતી કરી.
વલ્લભભાઇએ જવાબ આપ્યો કે ‘મને આ માગણી વાજબી લાગતી નથી. કલેકટર ગુજરાતી ભાષા સરસ રીતે જાણે છે. બીજા અધિકારીઓ પણ ગુજરાતી ભાષા સારી રીતે સમજતા જ હશે.’ સરદારે ગુજરાતીમાં બોલવાનું ચાલુ રાખતા કલેકટર અને બીજા અંગ્રેજ અધિકારીઓ સભાસ્થળ છોડી ચાલી ગયા. સભાના અઘ્યક્ષ સરદારની વાતથી પ્રભાવિત થઇ બોલ્યા, ‘અસહકારીઓ પાસેથી આપણે ઘણું શીખવાનું છે. તેઓ સતત લોકસંપર્ક જાળવે છે.
તેઓ પ્રજા જોડે સંવાદ રાખી, સેવા કરીને તેમના દિલ જીતી લે છે.’ સરદારને સરકારી તંત્રના હાથા બની વિવિધ મંડળો ચલાવનાર પ્રત્યે ભારે સૂગ હતી. આવાં મંડળોના પ્રતિનિધિઓ સરદારને મળ્યા ત્યારે સરદારે સ્પષ્ટ કહ્યું ‘અધિકારીઓને ખુશ કરવા આવા મંડળ સ્થપાય તે નર્યો દંભ છે. મને આશા હતી કે આવો દંભ ગુજરાતમાં દેખાશે નહીં.’ દરેક જિલ્લા, તાલુકા અને ગામમાં કોંગ્રેસનું માળખું ગોઠવવામાં વલ્લભભાઇની જહેમત સફળ થઇ હતી. ઓછું, મુદ્દાસર બોલવું અને કાર્યરત રહેવું તે સરદારની પ્રકતિ હતી.
સરદાર શબ્દદેહે
સરદારની સાબરમતી જેલની તા.૧૧-૪-૧૯૩૦ની ડાયરીમાંથી : ‘સુરતથી રામદાસ અને બીજા આઠ મળી નવ કેદી આવ્યા. તેમને સાથે રાખવા ગોઠવણી કરી. કમિશનર ગેરેટ દસ વાગ્યે આવ્યો. કલેકટર, કમિશનર આવે ત્યારે દરેક કેદી પોતાની કોટડીના બારણા પાસે ઊભો રહે તેવી માગણી સુપરિન્ટેન્ડન્ટે કરી. મેં તેની સાફ ના પાડી અને સંભાળાવી દીધું કે માનભંગ થાય તેવી કોઇ સ્થિતિને અમે તાબે થવાના નથી. સભ્યતા કે વિવેક અમે ચૂકવાના નથી પણ સ્વમાનનો ભંગ કરનારી કોઇ વાતનો અમે સ્વીકાર કરવાના નથી.’