
Spotlight
Gujarat Day Gujarat Day
તેમણે છેલ્લાં પચાસ વર્ષોમાં રાજયમાં થયેલા વિકાસનાં કામોને બારીક નજરોથી જોયાં છે. તો પ્લેગ, ભૂકંપ, પૂર તેમજ કોમી રમખાણોમાં સર્જાયેલી તારાજીના સાક્ષી પણ બન્યા છે. તેમણે ગુજરાતની અસ્મિતાને જાળવવામાં પોતાનો પરસેવો પણ રેડયો છે.
આઝાદીના પહેલા દિવસે સૂર્ય પાથરેલી રોશનીથી લઇને ગુજરાત સ્થાપના દિને મહારાષ્ટ્રથી અલગ થઈ પોતાની ઓળખ મેળવવાનું સન્માન મેળવ્યું છે તો અત્યારે સ્વિર્ણમ ગુજરાતની ચમકદમક પણ જોઈ રહ્યાં છે.
ચાલો, વડીલો પાસેથી જાણીએ કે કઈ રીતે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું અને ગુજરાતે કઈ રીતે પ્રગતિ કરી કે જેથી આજે દરેક ગુજરાતી ગર્વથી કહી શકે છે, ‘જય ગુજરાત! જય મા-ભોમ! તું અમ જીવન, તું અમ જોમ!
ગુજરાતના જન્મ બાદ સુરતની સૂરત બદલાઈ છે એમ કહે છે પાનાચંદ જગીવાલા
યાદ : ઇન્દુલાલ યાજ્ઞિકે અલગ ગુજરાતની ચળવળ ઉપાડેલી ત્યારે મારી ઉમર લગભગ ૩૦-૩૧ વર્ષ હતી. મને ત્યારે રાજકીય ગતિવિધિઓમાં કોઇ રસ નહીં.
મસ્તીમાં જીવતો. છતાં એટલું ખબર છે કે, અમદાવાદ સળગેલું. ખૂબ તોફાનો થયેલાં. ‘મારી લાશ પડે પણ અલગ ગુજરાત નહીં બને’ તેવા શબ્દો મોરારજી દેસાઈએ ઉચ્ચાર્યા હતા. ચારેકોર તંગદિલીનો માહોલ હતો. ગુજરાતીઓ હક માગી રહ્યા હતા. છેવટે ગુજરાતીઓની જીત થઈ. અલગ રાજયનું નિર્માણ થયું.
હાલનું ગુજરાત : તે સમયની વાત કરીએ તો ત્યારે સુરત ખૂબ નાનું હતું. સ્ટેશનથી ચોકમાં સમગ્ર શહેરનો સમાવેશ થઈ જતો. લોકો સંતોષી અને ઉદાર મનના હતા. કોઇ લગ્ન કરે ત્યારે ઉધારમાં કરિયાણું લઈ આવતા.
તે ઉતરાણ, હોળી, બળેવ અને દિવાળીમાં ધીમેધીમે દેવું ચૂકવતા હતા. તે સમયે સુરતમાં રોજગારી નહોતી. સંતોષી મનના લોકોએ ધંધો વિકસાવ્યો નહોતો, પરંતુ હવે તો સુરત સહિત ગુજરાત દેશભરમાં આર્થિક રીતે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ટેકસટાઇલ, ડાયમંડ વગેરે ઉધોગોમાં સુરતીઓએ કાઠું કાઢયું છે. છેલ્લે છેલ્લે એરપોર્ટ પણ બની ગયું છે.
મહારાષ્ટ્રમાંથી છૂટાં પડેલા ગુજરાતના ભાગલા સમયને યાદ કરે છે બિપીન અને ગુણવંત દેસાઈ
યાદ : તે સમયે અમદાવાદ સળગી ઊઠયું હતું. સુરતમાં પણ સ્વયંભૂ લોકો અલગ રાજયની માગણી માટે આંદોલનો કરી રહ્યાં હતાં, પરંતુ મોરારજી દેસાઈનો ભારે વિરોધ હતો. અમદાવાદના તોફાનોના વિરોધમાં તે ઉપવાસ પર બેસી ગયા હતા.
મોરારજી દેસાઈ બિપીનના કાકા સસરા થાય એટલે હું અને બિપીન મોરારજી દેસાઈની સેવા કરવા અમદાવાદ ગયા હતા એમ બોલતાં ગુણવંતભાઈની આંખોમાં ચમક આવી ગઈ. તોફાનીઓએ ધમાલ નહીં કરવાનું વચન આપ્યું ત્યારે કાકાએ ઉપવાસ તોડયા હતાં.
હાલનું ગુજરાત : ગુજરાતે અન્ય રાજયોની સરખામણીમાં વધુ વિકાસ કર્યોછે તેમાં કોઈ બેમત નથી. ઉધોગ-ધંધા વિકસવાની સાથે લોકોની રહેણીકરણીમાં પણ ઘણો સુધારો થયો છે, પરંતુ લોકો પહેલા જેવા રહ્યાં નથી. પહેલાં ગરીબો પણ સેવા કરવા તત્પર રહેતાં હતાં, પરંતુ હવે તો કૂબેરના ભંડાર પર બિરાજતા અમીરોનાં મન પણ નાનાં થયાં છે. ઘર મોટાં થયાં છે, પણ મન નાનાં થઈ ગયાં છે. ચારેકોર બધું કૃત્રિમ થઈ ગયું છે.