
Spotlight
Gujarat Day Gujarat Day
દિવ્ય ભાસ્કર અને પાલનપુર વિકાસ મંચ દ્વારા ભૂલકાંઓને મીઠાઇ વહેંચાઇ
પાલનપુરના રોટરી ગાર્ડન-કૈલાશવાટિકા ખાતે શુક્રવારે સાંજે ૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ‘દિવ્ય ભાસ્કર’ અને પાલનપુર વિકાસ મંચ દ્વારા રાજયનો ‘બર્થ ડે’ ઉજવવામાં આવ્યો છે. આ પ્રસંગે ગાર્ડનમાં મોજ માણતા ભૂલકાંઓને મીઠાઇ વહેંચી હતી.
પાલનપુરના માનસરોવર પાસે આવેલા રોટરી ગાર્ડન-કૈલાસવાટિકા ખાતે શુક્રવારે સાંજે ‘દિવ્ય ભાસ્કર’ અને પાલનપુર વિકાસ મંચ દ્વારા ૧લી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે જાણીતા ઉધોગપતિ દિલસુખભાઇ અગ્રવાલના વરદ્દ હસ્તે ભૂલકાંઓને પેંડા વહેંચી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના સંયોજક અરૂણકુમાર ભાર્ગવે ભૂલકાંઓને ૧લી મેના દિવસનું મહત્વ સમજાવ્યું હતું અને પહેલી મે ગુજરાતનો ‘બર્થ ડે’ છે તેમ જણાવીને તમામ બાળકોને સંસ્થાવતિ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અજીતભાઇ અગ્રવાલે સૌને આવકાર્યા હતા. જયારે સંસ્થાના સભ્યો પ્રફુલ્લ શેઠ, પ્રશાંત પ્રજાપતિ, મેઘાબહેન પ્રજાપતિ, અનિલાબહેન શાહ, સંયુકતાબહેન મહેતા ઉપસ્થિત રહીને ભૂલકાંઓ વચ્ચે હળવીપળો માણી હતી.
કૃષિ યુનિ. માં ગુજરાત સ્થાપના દિન ઉજવાયો
દાંતીવાડા : ૧ મે ના રોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજયનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં શુક્રવારના રોજ કૃષિ યુનિ. દ્વારા સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આઇ.આઇ.એમ. ના પ્રાઘ્યાપક પદ્મશ્રી પ્રો. અનીલ ગુપ્તાનું ‘ગુજરાતમાં કષિ વિકાસ’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં યુનિ. ના કુલપતી ડૉ. આર.સી. મહેશ્વરી, રજીસ્ટ્રાર ડૉ. એચ.એન. ખેર, વિવિધ કોલેજના આચાર્ય, પ્રોફેસરો તથા વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારના રોજ ભાઇ-ભાઇ ગ્રુપ દ્વારા પણ યુનિ. માં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી.