
Spotlight
Gujarat Day Gujarat Day
હું જયારે ૧૯૯૧માં ડી.એમ.કાર્ડિયોલોજીનો વિધાર્થી હતો ત્યાં સુધી એવું હતું કે દર્દીને છાતીમાં દુખાવો થાય એટલે તેનો કાર્ડિયોગ્રામ કાઢીને દવાઓ આપવામાં આવે. આઈસીયુમાં રાખવો, તેનું મોનિટિંરગ થાય એ બધી બહુ મોટી વાત ગણાતી હતી. એન્જિયોગ્રાફી તો જાણે વાતનો અંત આવી જતો.
વળી તે માટે પણ દર્દીએ મદ્રાસ કે મુંબઈ જવું પડતું, જયારે આજે અમદાવાદમાં એન્જિયોગ્રાફી અત્યંત સામાન્ય વાત થઈ ગઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એન્જિયોગ્રાફી અમેરિકામાં ૧૯૬૦માં આવી. ભારતમાં તેની શરૂઆત ૧૯૭૬ આસપાસના ગાળામાં થઈ અને ૧૯૯૨-૯૩માં અમદાવાદમાં તેની શરૂઆત થઈ.
મેડિકલ ટેકનોલોજી વિદેશથી ગુજરાત સુધી પહોંચવાનો સમયગાળો આજે તદ્દન ઓછો થઇ ગયો છે. ઘણી શોધ તો અમદાવાદથી ભારતમાં અને વિદેશમાં જાય છે. મેં વિકસાવેલી ટ્રાન્સરેડીયલ ટેકિનક (કાંડામાંથી ધમનીની એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ મુકવાની ટેકિનક) આજે વિદેશોમાં વપરાય છે.
અમે અહીં ઓપરેશનો કરીએ છીએ તેના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અમેરિકાના ડોકર્ટસ જુએ છે અને આવું જ માત્ર કાર્ડિયોલોજીના ક્ષેત્રે નહીં, પણ ગાયનેક, ઓપ્થેલ્મોલોજી (આંખની સારવાર), ગેસ્ટ્રોએન્ટ્રોલોજી એમ મેડિકલની દરેક બ્રાંચમાં થઈ રહ્યું છે. આમ છેલ્લા એક દાયકામાં અમદાવાદ મેડિકલ ટ્રીટમેન્ટના અને ટ્રેઇનિંગના હબ તરીકે ઊભરી આવ્યું છે.
મેડિકલ ક્ષેત્રનું કોર્પોરેટાઈઝેશન એ બીજું મોટું પરિવર્તન છે. એક જ દાયકામાં માત્ર અમદાવાદમાં જ સાલ, સ્ર્ટલિંગ, એપોલો સહિત એકાદ ડઝન પ્રાઇવેટ હોસ્પિટલ થઈ ગઈ છે. અમે જયારે ભણતા હતા ત્યારે અમદાવાદમાં બે અને સુરત, બરોડા, જામનગરમાં એક એક એમ પાંચ જ મેડિકલ કોલેજ હતી, જયારે આજે ગુજરાતમાં ત્રણ ગણી મેડિકલ કોલેજો છે. જોકે ડેવલપમેન્ટના, નવી શોધોના ફાયદાની સાથોસાથ ગેરફાયદા પણ થયા છે.
જેમ કે ટ્રીટમેન્ટ મોઘી થઈ, પેશન્ટનો ડોકટર પરનો વિશ્વાસ ઘટયો વગેરે. હા, અમદાવાદની સિવિલ અને વી.એસ. જેવી જનરલ હોસ્પિટલોમાં પણ સારું જ કામ થાય છે. જે ટ્રીટમેન્ટ પ્રાઈવેટ હોસ્પિટલમાં ૨ લાખમાં થાય તે ત્યાં ૮૦ હજારથી લાખ રૂપિયામાં થઈ શકે છે. આપણે ત્યાં મેડીકલેઈમ બાબતે હજુ લોકોમાં જોઈએ તેવી જાગૃતિ આવી નથી. વિદેશમાં ૧૦૦માંથી ૮૦ થી ૯૦ લોકો પાસે મેડીકલેઈમ હોય છે. આપણે ત્યાં ઊંધું છે.
અમદાવાદમાં મેડિકલ ટ્રીટમેન્ટની પ્રગતિના જ પ્રતાપે વિદેશવાસી ભારતીયો અહીં સારવાર માટે આવતાં થયા છે. પરંતુ વિદેશથી સારવાર અર્થે આવતાં મોટે ભાગે ભારતીયો જ હોય છે, અને એમની પાસે લગભગ મેડિકલેઇમ હોતો નથી. વિદેશથી કોઇ અહીં સારવાર માટે આવે તે આનંદ અને ગર્વની વાત છે, જ પરંતુ એમાં વિદેશીઓ ઉમેરાય ત્યારે એ આનંદ બેવડાશે. બસ, એકાદ દાયકો રાહ જુઓ!
ટૂંકમાં મેડિકલ ક્ષેત્રે વિકાસમાં ગુજરાતની જબરદસ્ત સ્પીડ છે. હવે એ પ્રયત્ન કરવાનો છે કે કેવી રીતે આ ટ્રીટમેન્ટ વધુ ને વધુ કોસ્ટ ઈફેકિટવ થાય, જેથી મિડલકલાસ અને તેથી નીચેના વર્ગ સુધી તેનો લાભ મળે. (લેખક વિશ્વખ્યાત કાર્ડિયોલોજિસ્ટ છે.)