
Spotlight
Gujarat Day Gujarat Day
છેલ્લી અર્ઘી સદીની રંગભૂમિનાં સુખ-દુ:ખની સાંજોની વાત નિગમના જ્ઞાન વિના ‘હૃદયના શુદ્ધ પ્રેમી’ તરીકે આજે માંડી છે ત્યારે અહીં આ કોલાજમાં જે કંઇ છૂટયું છે તે સાભિપ્રાય નથી.
જેમ ૧૯૩૯માં ‘રંગમંડળ’ની સ્થાપના, ૧૯૪૯માં ‘નટ મંડળ’, ‘જવનિકા’ અને ‘રંગભૂમિ’ જેવી સંસ્થાઓનો આરંભ મહત્ત્વનાં ગણાય, તેમ ગુજરાતી થિયેટરના ઇતિહાસમાં ૧૯૫૯માં ‘દર્પણ’ સંસ્થામાં નાટય વિભાગ શરૂ થયો અને મૃણાલિનીબહેન અને વિક્રમ સારાભાઇના માર્ગદર્શનમાં કૈલાસ પંડ્યા અને દામિની મહેતાએ નવીન નાટય પ્રયોગોનો દોર શરૂ કર્યો, અને વડોદરાના યુનિવર્સિટીના નાટય વિભાગમાં માર્કન્ડ ભટ્ટ જોડાયા અને ‘ત્રિવેણી’ સંસ્થા શરૂ કરી, એને એટલી જ મહત્વની ઘટના ગણવી જોઇએ.
૧૯૬૩માં પી.ખરસાણી ‘કલાવંદ’ શરૂ કરી શકવર્તી નાટક ‘પત્તાંની જોડ’ રજૂ કરે છે, ૧૯૬૭માં કાન્તિ મડિયા ‘નાટયસંપદા’ આરંભે છે. કહે છે, કે ૧૯૬૦ના દશકમાં ૨૫૦ નાટકોના ૭૫૦૦ શો થયા હતા. એ અને એ પછીના બે દાયકા સુધી આવા આવા નાટય દિગ્દર્શકો ગુજરાતી થિયેટરના કેન્દ્રે રહ્યા : જયશંકર ‘સુંદરી’, જશવંત ઠાકર, દિના ગાંધી, ચંદ્રવદન ભટ્ટ, વિષ્ણુકુમાર વ્યાસ, મધુકર રાંદેરિયા, જયંતી પટેલ ‘રંગલો’, માર્કન્ડ ભટ્ટ, પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, જગદીશ શાહ, પી.ખરસાણી, વિનોદ જાની, વિજય દત્ત વગેરેના પ્રદાનથી (૧૯૬૦થી ૧૯૮૦) એ દિગ્દર્શક કેન્દ્રી તબક્કો બને છે.
એ દરમિયાન આવાં નાટકો પ્રેક્ષકોને મળ્યાં : ‘મેનાગુર્જરી’, ‘મિથ્યાભિમાન’, ‘રંગીલો રાજા’, ‘મોતી વેરાણાં ચોકમાં’, ‘સંતુ રંગીલી’, ‘કુમારની અગાશી’, ‘પત્તાંની જોડ’, ‘અમે બરફનાં પંખી’, ‘તોખાર’,‘પરિત્રાણ’ વગેરે.
વચ્ચે ૧૯૭૪થી ૧૯૮૦ સુધી નાટયલેખકો દ્વારા નાટય ભજવણીનો તબક્કો ગણવો પડે. એમાં લેખકોની વર્કશોપ ‘આકંઠ સાબરમતી’, ‘વિઝ્યુઅલ આર્ટ સેન્ટર’, ‘ગેરેજ સ્ટુડિયો થિયેટર’માં ‘લેખકના થિયેટર’ના પ્રયત્નો થયા, જેમાં પ્રયોગશીલ નાટકો લખાયા અને ભજવાયાં.
૧૯૮૦થી ૧૯૯૦ દરમિયાન રંગભૂમિના કેન્દ્રમાં રહેલો નટ હવે મેનેજર બને છે, અને ધીમે ધીમે નાટયમંડળીઓ અને એમની સંસ્થાઓ બંધ થાય છે, અથવા વિખેરાવા માંડે છે. વચ્ચે-વચ્ચે ‘અંધાયુગ’ કે ‘માનવીની ભવાઈ’ જેવા નાટકો પ્રેક્ષકોને તરબતર કરી જાય છે.
છેલ્લા દાયકામાં ‘દલિત થિયેટર’, ‘ફેઇડ ઇન થિયેટર’, ‘બુધન થિયેટર’, જામનગરના વિરલ રારછ, ભાવનગરના મહેન્દ્ર પરમાર, રાજકોટના શૈલેષ ટેવાણી જેવા નવા ઉન્મેષો ઊઠયા છે તે જોતાં લાગે છે કે ગુજરાતી નાટક ને રંગભૂમિ યુવાન અને જાગતી છે. (લેખક જાણીતા નાટ્યકર્મી છે.)