
Spotlight
Gujarat Day Gujarat Day
હંમેશા આપણે વાંચતાં કે સાંભળતાં આવ્યા છીએ કે ‘ગુજરાતી સિનેમાનો ભૂતકાળ ખૂબ જ ભવ્ય હતો, મહાન હતો વગેરે વગેરે’, પણ આ બાબતે મારો એક જ પ્રશ્ન હંમેશાં રહ્યો છે એ વખતના એ બે દાયકાથી પણ વધારે ભવ્ય કે સુવર્ણયુગ દરમિયાન કયાંક કશીક ભૂલ હતી જ કે જેને કારણે એકાદ દાયકા પહેલાં લગભગ સાતેક વરસ આ ઉધોગ બંધ થવાની અણીએ આવીને ઊભો હતો.
આ અવસ્થાએ પહોંચવા માટેનાં કારણો પણ હતાં કે જેની સામે આંખ આડા કાન કરવામાં આવ્યા હતાં. જો વર્તમાનમાં પણ એ જ ભૂલો કરતાં રહીશું તો નિષ્ફળતા પીછો નહીં જ છોડે. ભૂતકાળના એ લગભગ સાતેક વરસના ખૂબ જ નબળા તબક્કા બાદ ૧૯૯૮માં ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ને બોકસઓફિસ પર રેકોર્ડબ્રેક સફળતા મળી.
ત્યાર બાદ ‘ગામમાં પિયરિયું ગામમાં સાસરિયું’, ‘મહિયરમાં મનડું નથી લાગતું’, ‘મા બાપને ભૂલશો નહીં’, જેવી અનેક ફિલ્મોએ ખૂબ સારો ધંધો કરી બતાવ્યો અને મોટા પાયે પ્રેક્ષકો સુધી પહોંચી પણ ખરી.
નિર્માણનું સ્તર પણ ખૂબ જ ઊચી કક્ષાનું રહ્યું, પણ જે સાતત્ય જળવાવું જોઇએ તે નથી જળવાતું એનો રંજ છે.ચાર આવી સારી ફિલ્મોની પાછળ ચાલીસ નબળી ફિલ્મોની લંગારે ફરી પાછો આ ઉધોગને એ જ જગ્યાએ લાવીને મૂકયો છે જયાંથી શરૂઆત ફરી શૂન્યથી જ કરવી પડે. એવું નથી કે છેલ્લા આખા દાયકામાં આપણી ભાષામાં સારી ફિલ્મો બની જ નથી.
ઉપર દર્શાવેલી ફિલ્મો સિવાય પણ નિર્માણ અને કથાતત્વની દ્રષ્ટિએ બીજી પણ ઘણી એવી ફિલ્મો સુંદર બની જ છે પણ એ ફિલ્મો પ્રેક્ષકો સુધી સારી રીતે નથી પહોંચી શકી, જેવી કે શહેરની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મો શહેરના ઉચ્ચ મઘ્યમવર્ગના પ્રેક્ષક સુધી જુદા જુદા કારણોસર નથી પહોંચી શકી.
મારા મત મુજબ આ પ્રકારની બનેલી સુંદર ફિલ્મો પ્રેક્ષકો સુધી ન પહોંચી શકી કે એ સફળતા ના મેળવી એના ઘણા કારણોમાનું એક કારણ છે ગુજરાતી ફિલ્મો પ્રત્યે મીડિયાની ઊદાસીનતા. બીજું કે નિર્માતા-દિગ્દર્શકોએ ખોટુ સપનું જોયું, ગુજરાતી ફિલ્મ મલ્ટિપ્લેકસમાં રજૂ કરવાનું. ગુજરાતનાં ૭૦ ટકા લોકો જે નાનાં શહેરો કે ગામડાઓમાં વસે છે.
એ જ પ્રાદેશિક ભાષાની ફિલ્મનું ટાર્ગેટ ઓડિયન્સ છે. બાકીના ૩૦ ટકા લોકો જે શહેરોમાં વસે છે તે ગુજરાતી પ્રેક્ષક મિલ્ટપ્લેકસમાં આજુબાજુ ૨૦-૨૫ કરોડને ખર્ચે અને ૫-૭ કરોડની પબ્લિસિટી સાથે રજૂ થયેલી ફિલ્મો જુએ કે ૫૦-૭૦ લાખનાં ખર્ચે અને ૫-૧૦ લાખની પબ્લિસિટી અને કોઇક પૂર્વગ્રહને કારણે ઉપેક્ષાપાત્ર ફિલ્મ જોશે?
આવા નિર્માતાની હિંમત આ પ્રકારની ઉપેક્ષાને કારણે તૂટી જાય છે અને એકંદરે પ્રેક્ષકો સુધી પહોંચવામાં નિષ્ફળતા પામે છે. આ જ સુંદર વિચાર ધરાવતા સર્જકો આટલી જ મહેનત બાકીના ૭૦ ટકા ગુજરાતનાં પ્રેક્ષકોને ઘ્યાનમાં રાખીને સુંદર ફિલ્મોનું નિર્માણ સમજણ સાથે કરશે તો ચોક્કસ આર્થિક રીતે પણ સફળતા પામશે જ, કારણ કે એ પ્રેક્ષકો જે સારી ગુજરાતી સિનેમા જોવા માટે તૈયાર છે તેને જો સર્જકો સારી ગુજરાતી ફિલ્મો આપશે તો ધીરે ધીરે વિષયોમાં ફેરબદલ લાવીને આપણે ઘણો ફરક લાવી જ શકીશું.
બાકી ટેકનિકલી હવે ઘણી સારી ફિલ્મો બનતી થઈ છે. સિનેમાસ્કોપ, ડોલ્બી સાઉન્ડવાળી ફિલ્મોની ગુજરાતી પ્રેક્ષકોને હવે કોઈ નવાઈ નથી રહી એટલે મને વિશ્વાસ છે એ વર્તમાનમાં ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા પર લાગેલું ગ્રહણ ધીમે ધીમે દૂર થઈ જ જશે અને નજીકના ભવિષ્યમાં ગૌરવ અપાવે એવી આપણી ભાષાની ફિલ્મો પણ જાણીતી થશે અને થશે જ. (લેખક ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા છે)