
Spotlight
Gujarat Day Gujarat Day
‘હમ કયા થે, કયા હો ગયે હૈં, કયા હોંગે અભી
આઓ મિલકે સૌચ લેં, હમારી સમસ્યાએં સભી...’
- મૈથિલીશરણ ગુપ્ત
ગુજરાત તેની સ્થાપનાના સ્વિર્ણમ વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે મેનેજમેન્ટની પરિકલ્પના પ્રમાણે ગુજરાતની શિક્ષણસફરનું Swot Analysis કરીએ એટલે કે Strenghths, Weakness, Opportunity અને Threats ની છણાવટ કરીએ.
ગુજરાતના શિક્ષણ મોરપિચ્છનાં યશકલગી સમાન આઇઆઇએમ, એનઆઇડી, પીઆરએલ, નિફટ, સેપ્ટ વગેરે ‘રાષ્ટ્રીય સંસ્થાનો’ દેશની મૂડી સિદ્ધ થઇ રહ્યાં છે. મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલી ગૂજરાત વિધાપીઠ ‘ગુજરાતની ઓળખ’ છે.
MICA,MUCARA,AVNIT, Nirma, Institute કે DAIICT પણ ગુજરાતનું શિક્ષણપાથેય દર્શાવવા મહ્દઅંશે સક્ષમ ગણી શકાય. આઝાદી પહેલાંના દસ વર્ષે મહાત્માજીએ ‘નઇતાલીમ’ની સંકલ્પના આપી અને તેમાં પાયાનું પ્રદાન કરી શકે તેવી ચૌદ ગ્રામ વિધાપીઠો, ભારતભરમાં, એકમાત્ર ગુજરાતમાં આજે છે.
આ બધું ગુજરાતમાં હોવા છતાં રાષ્ટ્રીય સંસ્થાઓમાં ભણનારાં-ભણાવનારાં ગુજરાતી કેટલા? ગુજરાત તો માત્ર ‘સર્વિસ પ્રોવાઇડર’ હોવાનું ઠાલું ગૌરવ લઇ શકે! ગૂજરાત વિધાપીઠની પોતીકી ઓળખનો ગુજરાતમાં સ્વીકાર કેટલો? ગુજરાતની સરકારોએ તેનો કેટલો ઉપયોગ કર્યો? ચૌદ ગ્રામ વિધાપીઠોના અસ્તિત્વ સામે જબરો પડકાર છેલ્લા દશકમાં ઊભો થયો છે. નિર્માણાધીન સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં જાહેર થઇ,પણ તેના કુલપતિની નિયુકિત કેન્દ્ર સરકારે કરી દીધી છે! આશ્ચર્ય તો એ છે કે ગુજરાતની કોઇ રાજય યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજજો આપવા જેવું લાગ્યું નથી અથવા તો ક્ષમતા પુરવાર કરવામાં આપણે નબળા સાબિત થયા છીએ!
રાજયમાં યુનિવર્સિટીઓ વધી છે, પરંતુ પ્રાઇવેટ/ સ્વનિર્ભર યુનિવર્સિટીઓએ ભણતર મોંઘુંદાટ બનાવ્યું છે. પ્રતિવર્ષ અંદાજે એક હજાર કરોડનું ગુજરાતનું નાણું ગુજરાત બહાર જતું અટક્યું છે, તો સામે પક્ષે ગુજરાતી વિધાર્થીના ખિસ્સાં તો ખાલી થયાં જ છે અને તે નાણું ગુજરાતમાં જ ફરવા લાગ્યું છે!
ભવનો બંધાયા અભ્યાસક્રમો-ડિગ્રીઓ વધી, પરંતુ ભણાવનારા ઘટયા સાચુકલા ભણનારા પણ ઘટયા કૌશલ્યો ઘટયા શ્રમ ઘટયો. અલબત્ત, આ ચિત્ર આખા દેશનું છે. ગુજરાતે શિક્ષણની રાષ્ટ્રીય સંસ્થાઓમાં વધુને વધુ ગુજરાતી શિક્ષણવિદ્દોને લઇ જવા પડશે, શિક્ષણક્ષેત્રે ગુજરાતમાં જ ‘ઘર-ઘર રમવાને’ બદલે રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા ધુરંધરોને ઊચકવા પડશે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ માટે ગુજરાતના દરવાજા ખુલ્લા મુકવા પડશે તો જ ‘હમ કિતને પાનીમેં હૈ’ તે પહેચાની શકાશે. પીએચ.ડી કક્ષાનાં સંશોધનો અંગ્રેજીમાં સુપરત થાય અને તેના ઓછામાં ઓછા એક મૂલ્યાંકનકાર તો રાષ્ટ્ર કે વિદેશના શિક્ષણશાસ્ત્રી હોય તેવું પ્રયોજન કરવું પડશે.
ગુજરાતે ગુજરાતીને પણ નાણવા પડશે અને સો ટચના શિક્ષાધુરંધરને ‘રેડ કાર્પેટ વેલકમ’ કરી નીતિ નિર્ધારણ સ્તરે મુકવા પડશે. ગુજરાત સમગ્રમાં સમાન યુનિવર્સિટી એકટ હોય, આંતર સ્પર્ધાને વધારવા અને છે તેને ક્ષમતાવાન બનાવવાની સતત ખેવના હોય,
દરેક વર્ગનાં બાળક તેજસ્વી હોય કે ન હોય તેને પણ ઉમદા શિક્ષણની સગવડતા હોય અને ગુજરાતના શિક્ષણની ‘માર્કેટ વેલ્યૂ’ વધે તો ખરેખર-હોશભેર-હર્ષભેર ગુજરાત સ્વર્ણિમ પુરવાર થાય.
ગુજરાત આપણું છે, સ્વપ્નાઓ આપણાં છે, ઇરાદાઓ સ્પષ્ટ હોય અને નિષ્ઠા સત્માર્ગે વળે તો દિવ્ય સ્વપ્નોને સાચાં પડવાની ટેવ હોય છે! શુભત્ર ભવતુ! (લેખક સૌરાષ્ટ્ર યુનિ.ની એકેડેમિક સ્ટાફ કોલેજના ડિરેકટર છે.)