HomeSpotlightGujarat Day Gujarat Day

ગુજરાતી ફિલ્મોનો સુવર્ણયુગ ૧૯૭૦ થી ૧૯૯૦

ભારતના ફિલ્મ ઇતિહાસમાં ૧૪મી માર્ચ ૧૯૩૧ના દિવસે અરદેશર ઇરાની નર્મિત સૌ પ્રથમ બોલતું ચિત્રપટ આલમઆરા રજૂ થયું. બીજા જ વર્ષે ૯મી એપ્રિલ ૧૯૩૨ના રોજ મુંબઇના વેસ્ટ એન્ડ થિયેટરમાં સળંગ લંબાઈની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રજૂ થઇ, જેના નિર્માતા હતા ચીમનભાઈ ચકુભાઇ દેસાઈ અને દિગ્દર્શક હતાં નાનુભાઇ વકીલ.

આમ ભારતની બધી જ પ્રાદેશિક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.૧૯૩૨ થી ૧૯૪૬ સુધી માત્ર ૧૧ જ ગુજરાતી ફિલ્મો બની. આઝાદી પછી ૧૯૫૦ સુધીમાં ૭૦ ફિલ્મો બની. આ સમયગાળા દરમિયાન દિગ્દર્શક મનહર રસકપૂરે ‘મહેંદી રંગ લાગ્યો’, ‘અખંડ સૌભાગ્યવતી’, ‘કલાપી’ ‘રમત રમાડે રામ’ જેવી ફિલ્મો બનાવી ગુજરાતી ફિલ્મોને પ્રતિષ્ઠા અપાવી હતી.

૧૯૬૯માં કાંતિલાલ રાઠોડે ‘કંકુ’ બનાવી, જેને નેશનલ એવોર્ડ મળ્યો. ૧૯૭૧માં દિગ્દર્શક રવીન્દ્ર દવેએ ઓલટાઇમ હીટ પિકચર ‘જેસલ-તોરલ’ આપી અને અહીંથી ગુજરાતી ફિલ્મના સુર્વણયુગના મહેલના પાયા નંખાયા અને ૧૯૭૧ થી ૧૯૯૦ સુધીના સમયમાં ૪૦૦ ઉપરાંત ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ઝબકયો. માત્ર બે દાયકામાં જાણે ચમત્કાર થયો.

ગુજરાતી ફિલ્મોમાં કામ કરતાં કલાકારોએ આ સુવર્ણયુગમાં જે માગ્યું તે મળ્યું. જેણે ધન માગ્યુ તેને ધન, યશ-કીર્તિ માગ્યા તેને યશ કીર્તિ. પ્રેક્ષકોનો પ્રેમાભિષેક સહસ્ત્રધારાએ વહેતો હતો. ગૃહિણીઓ, શ્રમજીવીઓ, લારી-ગલ્લાવાળા, વેપારીઓ, સાહિત્યકારો એમ તમામ સમુદાય આ યુગના કલાકારોને ખમ્મા ખમ્મા કરતો હતો.

ગુજરાત રાજય સરકારે કરમુકિતની નીતિ જાહેર કરી ઉત્તેજન આપ્યું હતું. દુનિયામાં કશું જ અનાયાસે બનતું નથી. ગુજરાતી ફિલ્મોનો એ સુવર્ણયુગ અનેક સમર્પિત કલાકારો અને કસબીઓની આત્મલહેર હતો. ઝવેરચંદ મેઘાણીએ શબ્દોમાં આલેખેલ લોકજીવનના પાત્રો સદેહે શીલ-સત્યવાદીપણા અને શૌર્યને પડદા પર ખીલવતાં હતાં.

જેસલ-તોરલ, રાજા ભતૃર્હરિ, હોથલ પદમણી, કુંવરબાઇનું મામેરું, શેતલને કાંઠે, ભાદર તારા વહેતા પાણીએ પ્રજા જીવનના ‘હાલો’ અને ‘હેડો’ વચ્ચેનો ભેદ ભૂંસી નાખી મધુર એકરૂપતા સાધી આપી.

ઝેર તો પીધા જાણી જાણી અને માનવીની ભવાઇ જેવા ચિત્રોએ દર્શક અને પન્નાલાલ વચ્ચેનું અંતર ઓછું કરી આપ્યું તો ગુણવંતરાય આચાર્ય, ચુનીલાલ મડિયા, પીતાંબર પટેલ, યુ.વ.શાહ, દોલત ભટ્ટ, ધીરુબેન પટેલ, વિનોદિની નીલકંઠ, મેઘાણી, ગોર્વધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુન્શી જેવા સાહિત્યકારોની કતિઓ આ સુવર્ણયુગમાં સર્જાઇ.

હું હુંશી હંસીલાલ, ભવની ભવાઇ તથા માનવીની ભવાઇને રાષ્ટ્રીય પુરસ્કારથી વિભૂષિત કરવામાં આવ્યા. બીજી બાજુ સંતુ રંગીલી, નવરંગ ચૂંદડી, પૈસો બોલે છે. માણસાઇના દીવા જેવી સામાજિક ફિલ્મો પણ રજૂ થઈ. માત્ર પાઘડાવાળા ચિત્રો જ નહોતાં પણ સામાજિક ચિત્રોએ વૈવિઘ્ય પૂરું પાડયું.

માત્ર લોકસાહિત્યને જ નિર્માતાઓએ લક્ષમાં નથી રાખ્યું પણ ઉપર જણાવ્યા મુજબ સામાજિક ચિત્રો તથા સાહિત્યકારોની કૃતિઓ આધારિત ફિલ્મો બની. અખિલ ભારતમાં ગુજરાતના ફિલ્મઉધોગની સુવર્ણજયંતી ઊજવવા ફિલ્મોત્સવો યોજાયા.

દિલ્હી, જયપુર, મદ્રાસ, કોલકાતા અને મુંબઇ જેવા મહાનગરોએ પણ ગુજરાતી ચિત્રોને માણ્યા અને પરિણામ સ્વરૂપ બિનગુજરાતી નિર્માતાઓ ગુજરાતી ચિત્ર તરફ સહેજે વળ્યા કારણ કે આવકના આંકડા તેમને આકર્ષતા હતાં.

નરેશ કનોડિયા, અસરાની, કિરણકુમાર, અરુણા ઈરાની, રીટા ભાદુરી જેવા અનેક નવા કલાકારો ઉદય થયો. અચાનક ભરદોર ઉડતા ગુજરાત ફિલ્મના પતંગમાં ઝોલો આવ્યો કંઇક નવું કરવાના ઉત્સાહમાં ફિલ્મકારો હિંદી ફિલ્મની નકલ ગુજરાતીમાં કરવા માંડયા, ભાષાનું ભાન ભૂલાયું અને નિર્માતાઓ મધને નામે ચાસણી વેચવા લાગ્યા. ફિલ્મો ઘણી બની પણ થોડા અપવાદ સિવાય ફિલ્મો ચાલી નહીં.

આજે જરૂર છે આત્મમંથન કરી, ગુજરાતી જૂની ફિલ્મોની સ્થૂળતા દૂર કરી નવા અર્થઘટન સાથે ગુજરાતના પ્રશ્રો અને સંસ્કૃતિને અનુરૂપ ચિત્રો બનાવવાની.

તે માટે યુવાન અને પ્રતિભાશાળી દિગ્દર્શકો, નીવડેલા કલાકારો અને તાલીમબઘ્ધ ટેકિનશિયનોએ પ્રતિબદ્ધતાપૂર્વક ગુજરાતી ફિલ્મોને સમર્પિત થવું પડશે. નજીકના ભૂતકાળમાં મળેલી સફળતાઓને નકારી કાઢવા કરતાં એમાંથી ધડો લઇ સફળતા મેળવવા પ્રયાસ કરવા પડશે. ૨૧મી સદીમાં એક નવા બ્રેક થ્રુની જરૂર છે.

ગુજરાતી ફિલ્મના માઈલસ્ટોન

૧૯૩૧ : ચવચવનો મુરબ્બો : સૌપ્રથમ બોલપટ પ્રયોગ
૧૯૩૨ : મુંબઈની શેઠાણી : સૌપ્રથમ કથાનક લઘુપટ
૧૯૩૨ : નરસિંહ મહેતા : સૌપ્રથમ સળંગ લંબાઈની કથાનક બોલપટ
૧૯૪૮ : ગાંધીજી : સૌપ્રથમ સળંગ લંબાઈનું દસ્તાવેજી ફિલ્મ
૧૯૬૮ : લીલુડી ધરતી : સૌપ્રથમ રંગીન ફિલ્મ
૧૯૬૯ : કંકુ : સૌપ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ (શ્રેષ્ઠ ફિલ્મ-પ્રાદેશિક વિભાગ-રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ-૧૯૭૦). કંકુનો રોલ કરનાર અભિનેત્રી પલ્લવી મહેતાને શિકાગો ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ક્રિટિકસ ચોઈસ એવોર્ડ મળ્યો હતો.
૧૯૭૬ : સોનબાઈની ચુંદડી : સૌપ્રથમસિનેમાસ્કોપ ફિલ્મ
૧૯૮૧ : ભવની ભવાઈ : સૌપ્રથમ રાષ્ટ્રીય એકતા પારિતોષિક વિજેતા ફિલ્મ-રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ-૧૯૮૧, સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ફિલ્મ-ફ્રાન્સના નાન્તે ફિલ્મ મહોત્સવમાં ‘માનવ હક્ક માટેનો યુનેસ્કો પુરસ્કાર’-૧૯૮૧
૧૯૯૮ : દેશ રે જોયા દાદા પરદેશ જોયા : બોકસઓફિસ પર સર્વાધિક વ્યવસાય કરનાર ગુજરાતી ફિલ્મ