HomeSpotlightGujarat Day Gujarat Day

ગુજરાતની શિક્ષણયાત્રા

boys and girlમાનવજાતની શરૂઆતથી જ શિક્ષણનું અસ્તિત્વ એક યા બીજા પ્રકારે રહ્યું છે. માળખું અને તેનો ખ્યાલ સમય પ્રમાણે બદલાતાંરહ્યાં છે, અને તેથી જ શિક્ષણનું માળખું ભવિષ્યમાં આવનારા ફેરફારોને ઘ્યાનમાં રાખી બદલાવું જોઇએ. ૫૦ વર્ષની યાત્રામાં શિક્ષણને આ સંદર્ભમાં જોઇએ તે ઉચિત બનશે.

આંકડાકીય રીતે જોઇએ તો ગુજરાતમાં આપણે સાક્ષરતાની વ્યાખ્યામાં સો ટકા સિદ્ધિની વાત તો દૂર રહી પરંતુ દેશમાં પ્રથમ નંબરનું સ્થાન પણ પ્રાપ્ત કરી શકયા નથી. ઉરચ ગુણવત્તાવાળા શિક્ષણની વાત તો બાજુમાં રહી પરંતુ દરેકને તે પ્રાપ્ય બને તેવું પણ કેમ નથી થઇ શકતું.

તે નવાઇ પમાડે તેવી વાત છે. આ અંગે ઘણાં વ્યાજબી કારણો હોઇ શકે પરંતુ સરકાર અને સમાજનાં દરેક અંગે ભેગાં થઇ આ પ્રશ્નનો ઉકેલ લાવવો જ જોઇએ. મેં ઘણાં વર્ષોસુધી ગુજરાતની વિધાનસભામાં શાળાના કેટલા ઓરડાની ઘટ તેમજ શિક્ષકોની ઘટના આંકડાની રસપ્રદ પ્રશ્નોત્તરી નિહાળી છે.

સાથે મળીને આ દિશામાં પ્રયત્નો કરી પાંચ વર્ષમાં જ ગુજરાતને આ દિશામાં ટોચના સ્થાને લઇ જવા કટિબદ્ધ થવું જ રહ્યું. ગુજરાતમાં શિક્ષણના માઘ્યમનો પ્રશ્ન પણ આટલો જ જૂનો છે. સ્થાપનાકાળમાં જ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના ગુજરાતી માઘ્યમમાં શિક્ષણ આપવાને કારણે ગુજરાતનો સ્નાતક ‘મગન માઘ્યમ’ના વિધાર્થી તરીકે ઓળખાતો થયો હતો.

એ જ રીતે ગુજરાતની સ્થાપનાનાં શરૂઆતનાં વર્ષોમાં શાળામાં પાંચમા ધોરણથી અંગ્રેજી વિષય શીખવવો કે આઠમા ધોરણથી તે અંગેનો વિવાદ છાપાંઓનાં મથાળાં આકર્ષતો હતો. ગુજરાતી ભાષા સમૃદ્ધ બને તે સહુ ઇરછે પણ અંગ્રેજીનું સારું જ્ઞાન વિધાર્થીઓને પ્રાપ્ત થાય તેમાં કાંઇ ખોટું નથી.

શિક્ષણનું સાચી દિશાનું આયોજન કરવા સામાજિક જીવન, ઔધોગિક ક્ષેત્રે તેમજ વિશ્વના બદલાતા પ્રવાહોને પારખવાની જરૂર છે. એ પ્રમાણે શિક્ષણનું ખાસ તો ઉરચ શિક્ષણનું માળખું ગોઠવવું જોઇએ. છેલ્લાં દસ-પંદર વર્ષ પહેલાંનાં વર્ષોમાં ગુજરાત આવું આયોજન કરી શકયું નથી.

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ શરૂના દાયકામાં વિકાસ પામ્યુ ખરું, નાનાં નગરોમાં પણ કોલેજ સ્થપાઇ, પરંતુ એ વિનયન અને વાણિજય પૂરતી રહી. વિજ્ઞાન, ટેકનોલોજી કે મેડિકલ શિક્ષણ પ્રત્યેનો જોક જોઇએ તેવો રહ્યો નહીં. જેથી ૧૯૯૦ પછીનાં વર્ષોમાં દેશે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં હરણફાળ ભરી ત્યારે ગુજરાત દક્ષિણનાં રાજયો કરતાં પાછું પડતું જણાયું.

૧૯૯૩માં સરકારે ‘પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ’નું મોડલ અપનાવ્યું અને તેથી પ્રોફેશનલ અભ્યાસક્રમમાં પ્રાઇવેટ કોલેજોનો યુગ શરૂ થયો અને ૧૯૯૫માં ‘નિરમા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી’ની સ્થાપના થઇ. હાલની સરકારે આ ક્ષેત્રમાં વધુ સારી સંસ્થા સ્થપાય તેવા પગલાં લીધાં. સારી સંસ્થાને યુનિવર્સિટી સ્ટેટ્સ આપવાની પહેલ કરી.

આવી સંસ્થાઓને ઓટોનોમી મળે તો જ સેન્ટર ઓફ એકસલન્સમાં રૂપાંતરિત કરી શકાય. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત યુનિવર્સિટીઓ કે તેમના વિભાગો રિસર્ચ ક્ષેત્રે ગજું કાઢી શકયા નથી અને કુલપતિઓનો મોટા ભાગનો સમય બિનજરૂરી પ્રશ્નોમાં વેડફાઇ જાય છે.

આ બાબતે ગંભીરતાથી વિચારવું રહ્યું. સંશોધનકારો યુવા પેઢીને આકર્ષતા મધપૂડા જેવા બને તો જ નવું જ્ઞાન ઉત્પન્ન થાય. એ તો ઠીક ગુણવત્તાવાળું શિક્ષણ પણ કેટલી સંસ્થાઓ પૂરું પાડે છે તે પણ એક સંશોધનનો વિષય છે. આવું ચાલુ રહેશે તો ઉજજવળ કારકિર્દી ધરાવતા યુવકો શૈક્ષણિક કારકિર્દી પસંદ નહીં કરે અને જતે ગાળે વિશ્વવિધાલયો તેમનું મહત્ત્વ ગુમાવશે.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કવોન્ટિટી તેમજ કવોલિટી બંને દ્રષ્ટિએ ઘણું કરવાનું બાકી છે. તેને પ્રાધાન્ય આપવું રહ્યું. નીતિના ઘડવૈયા-સમાજ શ્રેષ્ઠિઓએ તેનું ચિંતન કરી તાત્કાલિક કંઇક કરવું જ રહ્યું તો જ ગુજરાતની પચાસ વર્ષની ઉજવણી સાચા અર્થમાં થઇ ગણાશે.

(લેખક નિરમા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે)