HomeSpotlightGujarat Day Gujarat Day

ધારાવાહિક ગુજરાત

આઝાદીની લડતથી અત્યાર સુધી આ દેશમાં આવેલાં બધાં જ સકારાત્મક પરિવર્તનોમાં ગુજરાતની ભૂમિકા મોખરે જ રહી છે. ટેલિવિઝનમાં પણ.

૧૯૭૪ની સાંજે હું મારા મિત્રો સાથે દોઢ કિલોમીટર ચાલીને બાજુની સોસાયટીમાં એક ઘરમાં આવેલ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પર મારા પિતા જયંતીરામ પટેલ અભિનીત શોર્ટ ફિલ્મ ‘પૈસાનું ઝાડ’ જોવા ગયેલો.

તે વખતે જે રોમાંચ થયેલો તે આજ સુધી યાદ છે. આ ૩૫ વર્ષ પૂર્વેની આ વાત છે, જયારે ગુજરાતી કે હિંદી ફિલ્મો અને નાટકો જ મનોરંજનનાં સાધન હતા.

ટીવી સેટ દર ત્રણ વિસ્તારમાં એક કે બેની સંખ્યામાં હતા. ટીવી પર ખેતીવાડીનાં કાર્યક્રમો દિલ્હી-મુંબઇથી પ્રસારિત થતા. બસ આ સંજોગોમાં ગુજરાતમાં ટીવી ક્ષેત્રે એક મહાન અને ઐતિહાસકિ પ્રયોગ શરૂ થયો.

ઇસરોએ SITE (સેટેલાઇટ ઇન્સ્ટ્રકશનલ ટેલિવિઝન એકસપરિમેન્ટ) પ્રોજેકટ શરૂ કર્યોઅને દેશની સૌ પ્રથમ ટેલિવિઝન સિરિયલો ગુજરાતી ભાષામાં શરૂ થઇ.

બહુ ઓછા લોકો જાણે છે કે દેશની સૌપ્રથમ ટેલિફિલ્મ ‘રેવા’ ગુજરાતી ભાષાની હતી અને તેનું નિર્માણ ઈસરોમાં જ થયું હતું. એમાંય વળી ૧૯૭૬થી KOC (ખેડા ઓપરેશનલ સેલ) પ્રોજેકટ અને ૧૯૮૩થી KCP (ખેડા કોમ્યુનિકેશન પ્રોજેકટ) શરૂ થયો.

આમ ૧૯૭૪થી ૧૯૮૬ સુધીના પ્રથમ બાર વર્ષ દેશનાં અન્ય ભાગોમાં સમાચાર અને ખેતીવાડીનાં કાર્યક્રમો બનતા જયારે ગુજરાતમાં ટીવી ક્ષેત્રે ‘નંદુ ઇંદુ’, કાકાની ડેલી ‘તમારા ટીવી માટે તમે લખો ‘હું ને મારી ભૂરી, ભલા ભૂસાનાં ભેદ ભરમ, ત્રિભેટે, ગામડું બોલે છે જેવી અતિ લોકપ્રિય ટીવી સિરિયલો બની ચૂકી હતી.

૧૯૮૭માં દૂરદર્શન કમર્શિયલી કાર્યક્રમો બનાવતું થયું. ૧૯૮૭થી ૧૯૯૮નો દાયકો ગુજરાતી ટેલિવિઝનનો ગોલ્ડન પિરિયડ કહેવાય. આ સમયમાં હુતોહુતી, ગોરસ, હાથતાળી, વાનરસેના, માણસ એક ઉખાણું, ઓછાયો, આલીશાન, સંત દેવીદાસ, કાલસર્પ જેવી ખૂબ લોકપ્રિય શ્રેણીઓ બની, પરંતુ સેટેલાઈટ ટેલિવિઝનના આગમનથી આ ચમક ઝાંખી થઈ ગઈ.

જરૂર છે ફરી વાર પૂર જોશથી પ્રયત્નો કરવાની, જેથી ‘ગુજરાતી સિરિયલોમાં દમ નથી હોતો’ તેવા કોઈ મહેણાં ના મારી જાય. ખરું ને?

(લેખક ગુજરાતી સિરિયલોના નિર્માતા-દિગ્દર્શક છે.)