
Spotlight
Gujarat Day Gujarat Day
સાહિત્યનો પહેલો સાક્ષાત્કાર એટલે કનુભાઇ શુકલા સર જે ભણાવે તે. ‘ગાતા આસોપાલવ’નો પાઠ ભણાવતા ત્યારે અમૃતવર્ષા થતી.
‘કોઇનો લાડકવાયો’ વાંચતાં તે રડી પડતા. કેટલીક વાર તે પોતાની કવિતા વાંચીને રડી બતાવતા. હાઇસ્કૂલમાં સી.સી. શાહ સાહેબ ધારાપ્રવાહ અલંકારિક ગુજરાતી બોલતા ને બોલતા બોલતા અમને પોતાના કરંડિયામાં મૂકી દેતા.
કલકત્તા યુનિવર્સિટીની કોલેજોમાં ગુજરાતી વિષયમાં ‘મનીષા’ સોનેટસંગ્રહ અને ‘પૃથિવીવલ્લભ’ પાઠય હતાં. નલિનભાઇ ગુરુજી દર રવિવારે કલકત્તાની તમામ કોલેજોના ગુજરાતી ભણવૈયાઓને ભવાનીપુર શાળામાં નિ:શુલ્ક ધોરણે ભેગા કરીને મંદાક્રાન્તા ને શાર્દુલવિક્રીડિત ને વસંતતિલકાદિ છંદોની ખૂબીઓ સમજાવતા તેમ જ મુનશીની છટાઓ તેમ જ છોકરમત બાબત ખુન્નસથી છણાવટ કરતા.
હું ચિક્કાર વાંચતો. કોકિલા, ગુજરાતનો નાથ, મારી હૈયાસઘડી આદિ. ને તેની સાથે ચિત્રગુપ્ત વકીલ, હરનામસિંઘ એમ જે આવે તેનો આહાર કરતો. ર.વ.દે. ને ક.મા.મુ.ના સામ્રાજયનો અસ્ત થઇ રહ્યો હતો. ગ્રામ્યને બદલે શહેરી વિષયો આવી રહ્યા હતા. ‘સાહિત્યકાર’નો પ્રથમ સાક્ષાત્કાર: પાંચાગલીની દુકાને બેઠેલા રા.રા. શ્રી શિવકુમાર જોષી.
તે વખતે રા.રા.શિ.જો. કલકત્તાના રંગરસિયા હતા, નાટક કરે. વાર્તાઓ લખે, ખાદી પહેરે. પછી રા.રા. શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાથે મુઠભેડ. રા.રા.ચં.બ. તે વખતે કલકત્તાના સંગરસિયા હતા. માંસ ખાય, દારૂ પીએ, ગાળો બોલે. ગુજરાત-મુંબઇથી સાહિત્યકારો વ્યાખ્યાન માટે આવતા.
પછી કલકત્તામાં સાહિત્ય પરિષદ મળી. તેમાં કુડીબંધ લેખકોને નજરે જોયા. તે સમયે ગુજરાતી વાર્તા પન્નાલાલ, પીતાંબર ને પેટલીકરની મુઠ્ઠી તોડીને બ્રોકર, મડિયા ને શિવકુમાર પાસે પહોંચી હતી. બ્રોકરે સુરેશ જોષીના પહેલા વાર્તાસંગ્રહની પ્રસ્તાવના લખી આપેલી.
તે સમયની ‘વાર્તા’ એક વિવેકી અંતર સુધી તેનાં પાત્રો પાસે જઇને અટકી જતી હતી. મડિયાએ તે વિવેક શિથિલ કરીને તેમનાં પાત્રોની ત્વચાનાં છિદ્ર દેખાય તેટલી નજદીકીથી માણસની ખલતા કે લાચારીની વાર્તાઓ લખી. સુરેશ જોષીએ તો પાત્રોનાં માથાની અંદર પ્રવેશીને તેમનાં મગજનાં ન્યુરોટ્રાન્સમીટર્સની ખલબલીનો ચિતાર આપી નવી વાર્તા મૂર્ત કરી.
તે જ સમયે લડાકૂ હુંકારથી બક્ષીએ વાસ્તવિકતાને વાઇડ એન્ગલ આપીને મુર્ગીની ટાંગ, બીડી પીતી રંડીઓ ને હંગામાખેજ ખલાસીઓની વાતોમાં વાર્તાનું બીજું પડખું બતાવ્યું. ગુજરાતી સાહિત્યનાં છેલ્લાં પચાસ વર્ષની વાત કરો તો આ બે પ્રતિભાઓનો ઉલ્લેખ અનિવાર્ય છે.
ઘણી વાર આવી ચર્ચાઓમાં એ વાત ભુલાઇ જાય છે કે મોટાભાગના ગુજરાતી ગધ ને પધ લેખકો અખબારોમાં કોલમ લખે છે. સુરેશભાઇ વડોદરાના સ્થાનિક દૈનિકમાં સોયની નોક જેવા બારીક, સ્વૈરવિહારી નિબંધો લખતા હતા.
બક્ષી ચિત્રલેખા, અભિયાન, જન્મભૂમિ, ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર એમ જે સામે આવે તેમાં તે સમયના પોતાના માની લીધેલા શત્રુની આંખમાં ભાલો મારતા.
સુરેશભાઇ વધુ ને વધુ અંતર્મુખ થતા જતા હતા ને બક્ષી વધુ ને વધુ બોલકા, અસહિષ્ણુ, સ્થૂળ ને આસ્વાધ થતા જતા હતા. સુરેશભાઇએ કદીક રાજકીય મુદ્દાઓ વિશે અનાયાસ કશુંક લખ્યું હશે, પણ બક્ષી બહારવટિયાનો મેકપ કરીને સ્ટેજ ઉપર આવતા, ને કોઇ બી મામલાના ચાકુ ઉપર મામા-કાકાની ધાર કાઢીને ખંજર બનાવતા, પોતાના તત્ક્ષણના લાડીલા રાજપુરુષને કાવો પીવડાવતા.
સુરેશભાઇ નિરતિશય કૂણા મનના હતા. સામો ઘા કરવામાં નાનમ માનતા, પણ જાહેરમાં નિર્ભીક હતા, બૌદ્ધિક છટાથી સભારંજન કરી શકતા. સભારંજનમાં બક્ષીસાહેબ પણ કમ નહોતા પણ એમની છટા હિંસક વધુ હતી. ખાનગી બેઠકોમાં સુરેશભાઇ કોઇની કૂથલી કરવા બેસે ત્યારે સાંભળનારને અકળામણ થવા લાગતી.
કોઇની કૂથલી કરવા માટે બક્ષીને ખાનગી કે જાહેરનો ભેદ નહોતો, ગમે તેને ગમે ત્યારે ઉતારી પાડવામાં તેમને કશો છોછ નહોતો. પાંચ દાયકાના ગુજરાતી ગદ્યના બે બળિયાઓની આ વાત કરતાં સહસા મને ભાસે છે કે મારા જીવનમાં તેમનાથી મોટા સાહિત્યકાર હયાત છે.
કનુભાઇ શુકલાનો અદમ્ય જોસ્સો ત્યારે રમૂજપાત્ર લાગેલો પણ આજે વંધ લાગે છે. સી.સી. શાહ સાહેબનું રત્નજડિત ગધ ત્યારે અને અત્યારે અતિ હૃધ લાગે છે. હેમુભાઇ, પ્રવીણચંદ્ર, ઉમેદભાઇ, નંદલાલભાઇ, સાતાસાહેબ, ચિનુભાઇ, જશભાઇ વગેરે સાહેબોએ હાસ્યાસ્પદ પગારના બદલામાં અમને બારકસોને બારાખડીથી બારમા ધોરણ સુધી પહોંચાડેલા.
એ સૌમાં નલિનભાઇ પટેલ મારા જીવનમાં મોટા સાહિત્યકાર હતા. તેમણે સેંકડો યુવાનોને મૃણાલ અને પૃથ્વિવલ્લભના ઇશ્કની, ઉમાશંકરના સોનેટ ‘સખી મેં કલ્પી’તી’ની રંગીલી, રસીલી પિચકારીઓ મારેલી. સાહિત્યકારનો અર્થ સાહિત્ય પેદા કરનાર એવો કરીએ તો આ વિધાપાસકો સવાયા સાહિત્યકાર હતા કેમકે તેમણે સાહિત્યકાર પેદા કરેલ છે.
(લેખક વરિષ્ઠ સાહિત્યકાર છે.)