HomeSpotlightGujarat Day Gujarat Day

ઇટ ઇઝ નોટ ‘ગુજજુ...’ આ તો ગુજરાતી છે!

kajal ozaગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષાના લેખકો વિશે સામાન્ય રીતે બહુ દયામણું- હૃદયદ્રાવક ચિત્ર દોરવામાં આવે છે.‘ગુજરાતી પુસ્તકો વંચાતા નથી, ગુજરાતી ટેલિવિઝન ચાલતું નથી. કારણકે ગુજરાતીઓને જ ગુજરાતીમાં રસ નથી.’

પોપટને ‘પેરટ’, ને ગાયને ‘કાઉ’ કહેતી મા ‘ચલો હવો ગો ટુ સ્લીપ થઇ જાવ’ કે પછી ‘સે જે-જે ટુ દાદાજી’ જેવી ખીચડી ભાષામાં સંતાનોને સૂચના આપે છે.

આજે ગુજરાતી બચાવની રેલી કાઢવામાં આવે છે. ગુજરાતી લખો, ગુજરાતી વાંચો ને ગુજરાતી વંચાવોની ઝુંબેશ ઉપાડવી પડે છે. એના કારણમાં શું છે એવી તપાસ કરવાનો આપણે કયારેય પ્રયાસ નથી કર્યો. માણસ ઉમર થતા મારી જાય છે. ભાષાની કોઇ ઉમર હોતી નથી.

જયાં સુધી એ ભાષા બોલનારો એક માણસ પણ જીવતો હોય ત્યાં સુધી ભાષા જીવતી રહે છે. ભાષા એટલે એના સ્વર કે વ્યંજન નહીં, ભાષા એટલે એમાં લખાયેલા પુસ્તકો પણ નહીં. ભાષા એટલે સાહિત્ય પરિષદોમાં ભરાતી મિટિંગ કે ભલભલા લેખકના છોતરાં ફાડી નાખે એવા વિવેચન પણ નહીં જ.

ભાષા એટલે એકમેક પ્રત્યે પ્રગટ થતી સાદી લાગણી. બાળકને ગવાતું હાલરડું કે કહેવાતી વાર્તા. માણસની માણસ પ્રત્યેની સંવેદના જયારે ઘરેણાં પહેર્યા વિના પોતીકી રીતે વ્યકત થવા માગે ત્યારે એ પોતાની ભાષામાં જ વ્યકત થઇ શકે.

જે ભાષાને બચાવવા વિશે આટલો બધો ઊહાપોહ આજની તારીખે થાય છે એ જ ભાષા વિશે દલપતરામે આજથી એકસો વર્ષ પહેલાં પણ ‘શું શાં પૈસા ચાર’નો બળાપો કાઢયો હતો. ત્યારે કોઇ અંગ્રેજી માઘ્યમ નહોતા. ત્યારે ભાષા પર બીજી કોઇ ભાષાનું આક્રમણ નહોતું.

નગીનદાસ સંઘવીએ નોંઘ્યું છે કે, ‘૧૮મી સદીના અંત સુધીમાં મલાયાના સુલતાનનું અધિકારીપણું ભોગવવા માટે ચાર ભાષા જાણવી ફરજિયાત હતી. મલય, અરબી, પોરટુગીઝ અને ગુજરાતી!’

આજે પણ ગુજરાતી ભાષા જગતભરમાં બોલાય અને વંચાય છે. પાકિસ્તાન, લંડન, ન્યૂ યોર્ક, ન્યૂજર્સી, ન્યૂઝીલેન્ડ જેવા વિશ્વના ૩૯ દેશોમાંથી ગુજરાતી અખબારો અને સામયિકો નીકળે છે.

ભાષા વિશેનો ભય શા માટે આટલો બધો તીવ્રતાથી ભાષાવિદોને ભરખે છે તે મને હજી સુધી સમજાતું નથી, પરંતુ જે લોકો સાચેસાચ ભાષા સાથે કામ પાડે છે એમને ચોક્કસ ખબર છે કે ગુજરાતી જ નહીં જગતની કોઇ પણ ભાષાના બોલનારા, સાંભળનારા અને વાંચનારા એમને ગમતી વાતને પોતાની ભાષામાં જ બોલવાનું, સાંભળવાનું કે વાંચવાનું પસંદ કરે છે

ગમતી ભાષા એટલે બાળમિત્રની જેમ, બાળરમતોની જેમ, બાળપણની યાદોની જેમ બાળપણથી જ બોલાતી આવેલી ભાષા. ડિઝનીએ મિકીમાઉસ આલેખ્યા એ પહેલાં ગુજરાતી પાસે બકોર પટેલ હતા. હિન્દુ બ્રાહ્મણ-મુસલમાન મિત્રતાનો ઉદ્દાત નમૂનો જીવરામ જોશીના મિયાં ફૂસકી અને તભા ભટ્ટ ગુજરાતીમાં ચિતરાયા છે.

ગુજરાતી પાસે નરસિંહ મહેતા છે, જેની નાગદમનમાં પહેલી કડીમાં ‘સ્વામી’ કહીને સંબોધાયેલા નાગનું હારી જવું, આખરી કડીમાં, ‘બેઉ કર જોડી’ જીતેલા નાનાકડાં બાળકને ‘સ્વામી’ કહીને સંબોધે છે!

જેણે ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ લખ્યું એણે જ લખ્યું છે, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ સાદગીની આ ઉરચત્તમ શ્રેષ્ઠતા અને અભિવ્યકિતની આત્યંતિક ગૂઢતાની આ વિશાળ શ્રેણી જેની પાસે છે એ ગુજરાતી ભાષા છે.

સૌથી મોટો પ્રશ્ન જો ગુજરાતી ભાષાને કોઇ નડતો હોય તો એ એના પોતાના અતૃપ્ત તરફડતા લેખકોનો છે. ‘ગુજરાતી ભાષામાં કશું નવું નથી લખાતું’ અથવા ‘રિસર્ચ નથી થતું’ અથવા ‘નવોદિત લેખકોને’ ઉતારી પાડનારા અહ્મથી ગંધાતા અભિપ્રાયો આપનારા કહેવાતા લેખકોને કદાચ ખબર નથી કે ગુજરાતી ભાષામાં નવલકથાઓની એકથી વધારે આવૃત્તિ એક વર્ષમાં વેચાય છે.

કેટલાક લેખકો જેને સાહિત્ય પરિષદે કે અકાદમીએ કયારેય કોઇ એવોર્ડથી નવાજયા નથી એવા લેખકોની દસ વર્ષમાં દસ આવૃત્તિઓ થાય છે... પ્રકાશક કમાય છે... વાચકો હરખાય છે. જેમ દરેક બાબતમાં ‘કન્ઝ્યુમરીઝમ’- ગ્રાહકવાદ અમલમાં આવ્યો છે એમ ગુજરાતી ભાષાએ પણ એના એવા વાચકો જોયા છે,

જેણે લેખકોને છાતીસરસા ચાંપ્યા છે, માથે બેસાડયા છે, તાળીઓનાં ગડગડાટથી વધાવ્યા છે! ગ્રાહક તો રાજા છે. એ જેટલા પૈસા ખર્ચે એટલાં નાણાંનું પૂરેપૂરું વળતર એને મળવું જ જોઇએ એ ગુજરાતી માનસિકતા વિશ્વમાં કોઇનાથીયે અજાણી નથી. અભિપ્રાય આપવા તત્પર લેખકો કે વિવેચકો કે મૂર્ધન્ય સાહિત્યકારો શું માને છે કે એની સાથે ગુજરાતી વાચકને કોઇ લેવાદવા નથી.

ગુજરાતી વાચક એને જે ગમે છે તે જ વાંચે છે. એને તો વાંચવું છે, અભિપ્રાય નથી જોઇતો! ખરેખર ગુનો હોય તો એવા લોકોનો છે જેમણે ગુજરાતી ભાષાને કિલષ્ટ અને સુષ્ઠુ બનાવી દીધી છે. સાહિત્યકારોએ ભાષાને એટલી અઘરી કરી નાખી છે કે વાચક શબ્દકોશ વિના આગળ વધી જ શકે નહીં.

વાચકને વાર્તા વાંચવી છે. કવિતાની લાગણીઓ સુધી પહોંચવું છે. લેખમાંથી મળતી ઢગલાબંધ માહિતી એના રસનો વિષય છે. એ એને પીરસવાને બદલે એની સામે બાફેલા શાકભાજી અને બેસ્વાદ ભોજન એવી રીતે પીરસી દેવામાં આવે છે કે એના રસ-રુચિ ઊડી જાય.

ગુજરાતી ભાષા ‘મારી ભાષા છે’ એવું જે દિવસે ગુજરાતી લેખકને સમજાશે એ દિવસે ગુજરાતનો વિકાસ ચાઇના પછી નહીં, પરંતુ ચાઇનાની પહેલાં નોંધાશે! ગુજરાતી ભાષાને કોઇ લૂણો લાગ્યો નથી. લાગવાનો પણ નથી! લાગી શકે જ નહીં. કારણ કે એ આપણી પોતાની ભાષા છે. (લેખિકા લોકપ્રિય નવલકથાકાર છે.)