HomeSpotlightGujarat Day Gujarat Day

જબ રાત હૈ ઐસી મતવાલી.......

વૃદ્ધત્વ મતલબ બરડતા અને યૌવન મતલબ ફલેકિસબિલિટી (લવચિકતા) એવી પ્રચલિત વ્યાખ્યા માન્ય રાખીએ તો ગુજરાતીઓને દેશની અન્ય પ્રજા કરતાં વધુ ફલેકિસબલ હોવાને લીધે વધુ જુવાન ગણવા પડે. આપણે બધી વાતે ફલેકિસબલ છીએ. ઝડપથી વધી રહેલા વિભકત કુટુંબોના આ યુગમાં વૃદ્ધાશ્રમોથી માંડીને જે તે જ્ઞાતિના નિવૃત્તોની વસાહતો સ્થાપવામાં આપણે મોખરે છીએ.

સાથે ન જ ફાવે તો છૂટાછેડા લઇ લેવાની મોકળાશ (અને હિંમત) ગુજરાતી પ્રજામાં વધુ છે. બંગાળી-મરાઠીની જેમ ભાષાના ગૌરવ તથા શુદ્ધિના મામલે આપણે ઝાઝી મક્કમતા નથી દાખવતા. માતૃભાષાના મામલે આપણે કેટલા લવચિક છીએ તેની એક સાબિતી એ છે કે અંગ્રેજી-હિન્દી શબ્દોની ઘૂસણખોરી આખા ભારતમાં સૌથી વધુ કદાચ ગુજરાતી ભાષામાં થઇ રહી છે.

ઔરંગાબાદમાં ઉછરેલી સગાની દીકરી મુંબઇમાં શોપિંગ કર્યા પછી પોતાનો ડ્રેસ દેખાડીને બોલી: બહુ ડિફિકિલ્ટઝ બાદ મેં આ ચૂઇનું. ‘ચૂઇનું’? વોટ્સ ધેટ? ‘પસંદ કર્યું’ એ માટેનો હિન્દી શબ્દ: ચૂનના. એનું ગુજરાતી બહુ બહુ તો ચૂન્યું કરી શકાય, પણ ચૂઇનું તો પ્યોર ગુજરાતી બોલીની છાંટ છે. આવ્યું નહીં, આઇવું, ફાવ્યું નહીં, ફાઇવું, એમ ચૂન્યું નહીં, ચૂઇનું. આ ગુજરાતી હોરીબલ લાગી શકે, પણ જે છે તે આ છે.

જૂનું વિસરી જવાની આપણી ક્ષમતા ગજબની છે (એ નગુણા હોવાની નિશાની ગણાતી હોય તો પણ). આપણને વીસમી સદીના પંડિત યુગના કવિઓની ભારેખમ કવિતા યાદ નથી, કારણ કે એ સમજાતી નથી, પણ છેક પંદરમી સદીમાં અઘરામાં અઘરી ફિલોસોફી સાદામાં સાદી ગુજરાતીમાં લખી ગયેલા નરસિંહ મહેતા આપણને સમજાય છે એટલે આપણે એમને યાદ પણ રાખીએ છીએ.

ગુજરાતીઓની નીતિ સ્પષ્ટ છે: ‘સમજાય તેવી વાત કરો’, ‘મુદ્દાની વાત કરો’, ‘આપણા કેટલા ટકા’. બીજી એક વાત. ગુજરાતી એટલે વેપારી એવી છાપ વિશ્વવ્યાપી છે. વિશ્વના દેશો વિશે માહિતી આપતી મસ્ત પુસ્તકશ્રેણી ‘લોન્લી પ્લેનેટ’માં ગુજરાતીઓ વિશે એક નોંધ આ પ્રમાણે છે: ‘ન્યૂ યોર્કમાં રહેતા ભારતીયોમાં ૪૦ ટકા ગુજરાતીઓ છે. એ ગુજરાતીઓની પટેલ (અને શાહ) અટક અત્યંત પ્રચલિત હોવાને લીધે ત્યાંના લોકો એવું માને છે કે ઇન્ડિયન્સ મીન્સ પટેલ્સ (એન્ડ શાહ્સ).’ખોટ્ટી વાત.

આખું ભારત પટેલ્સ એન્ડ શાહ્સ નથી. એ જ રીતે આખું ગુજરાત પણ પટેલ્સ એન્ડ શાહ્સ નથી. બ્રાહ્મણ- ક્ષત્રિય- વૈશ્ય- શૂદ્ર- બિનહિન્દુ ધર્મીઓનું એક પંચરંગી મિશ્રણ છે ગુજરાતી પ્રજા. એ બધાની જીવનશૈલીમાં તથા અમીરી- ગરીબીમાં ખાસ્સું અંતર છે.

સર્વાંગી વિકાસમાં ગુજરાતને રસ નથી, કદાચ કયારેય નહોતો. પણ ઔધોગિક વિકાસ થાય તો હાથીને મણ ભેગું ‘કીડીને પણ કણ’ મળી રહે એવી ગોઠવણમાં ગુજરાતને વિશેષ રસ છે. અમદાવાદની કાપડ મિલોનું ઉદાહરણ સમજવા જેવું છે.

આ પૂંજીવાદી મિલો બંધ થયા પછી બેકાર થયેલા મિલ કામદારો આજે પણ પૂરેપૂરા ગોઠવાયા છે કે નહીં તે એક સવાલ છે. હાથીના મણ ગયા તો કીડીના કણ પણ ગયા. હવે હાથી ફરી જોરમાં આવે તો કીડીઓને પણ કણ મળી રહે.

અલબત્ત, આજના ભયંકર ઉપભોકતાવાદી સમાજમાં કીડીઓને પણ હવે કણથી સંતોષ નહીં થાય. ફ્રીજ-ટીવી તો હવે નીચલા મઘ્યમવર્ગ માટે પણ અનિવાર્ય બની ચૂકયા છે અને એ વર્ગ હવે નેનો કારનાં સપનાં જુએ છે. આ બધું એમને મળી શકે તેમ નથી, મળતાં વાર લાગશે. દરમિયાન સામાજિક અસંતોષ વકરે તો હિન્દુ-મુસ્લિમ વિખવાદ કરતાં વધુ ખતરનાક સમસ્યા નડી શકે.

પણ મોટે ભાગે વાંધો નહીં આવે. કારણ કે અમીર-ગરીબ વરચેની પહોળી ખાઇથી ગુજરાત ટેવાયેલું છે. બાકી નકસલવાદને પાંગરવા માટે ગુજરાતની ભૂમિ પણ ફળદ્રૂપ છે, પરંતુ ભૌગોલિક કારણસર (નકસલબારી ગુજરાતથી બહુ છેટું છે) તેમ જ સામાજિક સ્થિતિને લીધે (ગુજરાતના દલિતો યુ.પી.ના દલિતો કરતાં વધુ ગરીબડા અને ઓછા સંગિઠત છે) સરવાળે, અહીં દલિત-શોષિત-પીડિત ઝટ માથું ઊચકે એવા નથી.

વળી, ગુજરાતી ‘માલિકો’ને કામદારોને ખુશ રાખવાની સારી ફાવટ છે અને એ ખુશ ન રહે તો એમને કચડી નાખવામાં પણ માલિકો ઉસ્તાદ છે. પરિણામે સામાજિક સ્તરે અમીર-ગરીબ, સવર્ણ-દલિત, માલિક-મજૂર વરચે મોટા મોટા વિગ્રહોની શકયતા ગુજરાતમાં ઓછી છે. હા, હિન્દુ-મુસ્લિમ વિખવાદ ગુજરાતમાં છે, પરંતુ આ મામલે પણ ‘ધંધો પહેલો, ધરમ પછી’ એ નીતિ વધુ બળુકી હોવાને લીધે આકરા મુસ્લિમ કે હિન્દુ પણ છેવટે ‘છોડો એ બધું...’ કહીને ધંધામાં ડૂબી જવા વધુ ઉત્સુક હોય છે.

ટૂંકમાં, અગાઉના દાયકાઓમાં સમાજવાદ, સહિયારો વિકાસ અને લાઇસન્સ રાજ જેવા ‘અવરોધો’ છતાં ગુજરાત ઠીક ઠીક કાઠું કાઢી શકયું તો પછી હવે તો માર્ગ પ્રમાણમાં મોકળો છે. માત્ર અંબાણી, અદાણી, પ્રેમજી, તંતી જ નહીં, વત્તેઓછે અંશે આખું ગુજરાત હવા પ્રમાણે સઢ બદલીને, યેનકેન પ્રકારેણ, ‘જહાં સચ ન ચલે વહાં જૂઠ સહી, જહાં હક ન મિલે વહાં લૂંટ સહી’ એ ‘પ્રેકિટસ મંત્ર’ને અનુસરીને આગળ વધવામાં માને છે.

ગુજરાતમાં થાક કરતાં થનગનાટનું જોર વધુ છે. એકાવન નજીક પહોંચેલા ગુજરાતને વનમાં નહીં, નં. વનના સ્લોટમાં વધુ રસ છે. વકરી રહેલા પ્રાંતવાદના આ યુગમાં ન કરે નારાયણ ને કાલે ઊઠીને યુરોપની માફક ભારત પણ ઢીલી રીતે જોડાયેલા દેશો (રાજયો)નો એક સમૂહ બની રહે તો યુરોપમાં જે સ્થાન યુ.કે.નું છે એ જ સ્થાન ભારતમાં ગુજરાત ભોગવશે. કોઇ શક?

ગુજજુ ફંડા: નાનો પરિવાર-સુખી પરિવાર રાજયના આશરે ૫ કરોડ લોકો કુલ ૯૬.૪૪ લાખ પરિવારોમાં વહેંચાયેલા છે. એ હિસાબે જોઇએ તો ગુજરાતમાં પ્રત્યેક ૧૦૦ વ્યકિતએ સરેરાશ ૧૯.૨૮ પરિવારો છે. આ પ્રમાણ દેશના અન્ય પ્રાંતોની સરખામણીએ સૌથી ઊચું છે. પછીના ક્રમે પંજાબ(૧૮.૩૬), કણાટર્ક(૧૭.૬૬) આવે છે. આ તુલના દર્શાવે છે કે ગુજરાતીઓ નાના પરિવારને વધુ પસંદ કરે છે.

(લેખક વરિષ્ઠ કટારલેખક છે.)