
Spotlight
Gujarat Day Gujarat Day
અમારા એક મહારાષ્ટ્રીયન સ્નેહી વહેલી સવારે પોતાના અલ્સેશિયન ડોગ સાથે કાંકરિયા તળાવ પર ફરવા આવતા.
તેમનો કૂતરો વિદેશી હોવા છતાં એની સાથે તે અંગ્રેજી કે ગુજરાતીમાં બોલવાને બદલે મરાઠીમાં જ બોલતા, આદેશ પણ મરાઠીમાં આપતા : ‘દત્તાત્રેય, ઇકડે બસા.’ મરાઠીભાષીઓની આમ પણ આ ખાસિયત હોય છે -બંને જો સહભાષી હોય તો એ બંને મરાઠીમાં જ સંવાદ રચે છે.
આપણી ભાષાને પિતૃભાષા નહીં, પણ માતૃભાષા કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે લગભગ બધાં જ ઘરોમાં મોટા ભાગે મા જ બોલતી હોય છે, બાપના ભાગે ચૂપ રહેવાનું આવે છે.
કોઇ માણસને એમ કહેવામાં આવે કે તેને તેની માતભાષા બોલતાં કે લખતાં આવડતું નથી ત્યારે તેને મા સમાણી ગાળ આપી હોય એવો આઘાત લાગે છે, અપમાનિત થયાની લાગણી તે અનુભવે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને શરૂઆતના ગાળામાં આ ગાળ સાંભળવાના દિવસો આવ્યા હતા.
તેમને પોતાની દૂધભાષા બંગાળીમાં લખતાં આવડતું નથી એવો આક્ષેપ એ વખતના કેટલાક લેખક-વિવેચકો તેમના પર કરતા અને પાઠયપુસ્તકમાં ટાગોરના લખાણનો એક ટુકડો છાપીને તેની નીચે લખવામાં આવ્યું હતું કે નીચે આપેલ ફકરો શુદ્ધ બંગાળીમાં લખો, આનો શુદ્ધ અર્થ એ થયો કે ટાગોરને સાચું બંગાળી લખતાં આવડતું નહોતું.
પછી ટાગોરને ‘ગીતાંજલિ’ માટે નોબેલ-પ્રાઇઝ મળ્યું એટલે ટાગોરની કૃતિઓની ઝાટકણી કાઢનારા અભિનંદન આપવા દોડી આવ્યા. ટાગોરે તેમને દૂરથી આવતા જોયા એટલે તે બીજા રૂમમાં ચાલ્યા ગયા અને કહેવડાવી દીધું કે આ લોકોને મળવા તે ઇચ્છતા નથી, કારણ કે તેઓ મને નહીં, પણ નોબેલ-પ્રાઇઝને નવાજવા આવ્યા છે.
અમારા શાળા-કાળમાં માતૃભાષાનું ચલણ હતું. પરંતુ ત્યાર પછીનાં વર્ષોમાં બાળક તેની માને, ‘મા, મને છમ્મવડું’ કહેવાને બદલે, ‘મમ્મી, મમ્મી, મોડર્ન બ્રેડ’ અંગ્રેજીમાં માગી શકે, અને સંસ્કારી બાપનો બેટો તેના ફાધરને, બીજા ન સાંભળી ન જાય એ રીતે કાનમાં ધીરેથી ‘મારે ટોઇલેટ જવું છે.’ એવું અંગ્રેજીમાં કહી શકે એ વાસ્તે તેને ઇંગ્લિશ મિડિયમની સ્કૂલમાં મૂકવાનો આગ્રહ સેવવા માંડયો. અને આજે તો એ ઘેલછાની કક્ષાએ પહોંચી ગઇ છે.
હજી તો કુમાર સંભવનો અણસાર હોય ત્યારથી જ તેનાં ભાવિ માતા-પિતાએ ચર્ચામાં પડી જાય છે કે બાબાભાઇને કઇ ઇંગ્લિશ સ્કૂલમાં દાખલ કરીશું ને તેને ઇંગ્લિશ સ્કૂલમાં પ્રવેશ કરાવવા માટેનું તગડું ડોનેશન કોણ, તારો બાપ આપશે કે મારો બાપ એની મીઠી રકઝક શરૂ થઇ જાય છે.
બચ્ચું હજી તો માંડ દોઢ- પોણા બે વર્ષનું થયું હોય ત્યાં તો તેને પાસેની કોઇ ટીની નર્સરી કે પ્લે-હટ જેવી અંગ્રેજી માઘ્યમની શાળામાં ધકેલી દેવામાં આવે છે. (ચોખવટ : આ પ્લે-હટ એટલે જયાંથી રમવાનું હટી ગયું છે એ જગ્યા)
આ બચ્ચાને આ ઉમરે તો ગુજરાતીય પૂરું બોલતાં નથી આવડતું. ‘દાદા, તું આવી ગઇ?’ ‘પેલો ટીનો મારો રમકડો લઇ ગયું છે.’, એવું ગુજરાતીમાં માંડ બોલતાં બાળકના માથે અંગ્રેજી ઝિંકવામાં આવે છે.
એ બાળકે માનો ખોળોય પૂરો ખૂંદ્યો નથી ત્યાં તેને હડસેલી અજાણી આન્ટીના ખોળા તરફ હાંકી જવામાં આવે છે.બાળ વિજ્ઞાનના જણાવ્યા મુજબ છોકરું દસ વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેને એક ભાષા માંડ આવડે છે.
પાંચ વર્ષની ઉમરે બાળક જે ભાષા સાંભળતું હોય તેનું શબ્દભંડોળ તે વધુમાં વધુ અઢી-ત્રણ હજાર શબ્દોનું જ એકઠું કરી શકે છે. એ ભાષા પૂરી જાણ્યા વગર તેના પરનું અન્ય ભાષાનું આક્રમણ કેવી રીતે સહી શકવાનું?
ગાંધીબાપુએ માતૃભાષા વિશે કહ્યું છે : ‘હું હવે સમજયો છું કે મને અંક ગણિત, બીજ ગણિત, ભૂમિતિ વગેરેના જેટલા ભાગ શીખતાં ચાર વર્ષ લાગ્યા તેટલા એ વિષયો ગુજરાતી મારફત શીખવાના હોય તો વધારે સહેલાઇથી અને સ્પષ્ટપણે ગ્રહણ કરી શકયો હોત.’
થોડા સમય પહેલાં કણાટર્કની સરકારે કાયદો પસાર કરીને અંગ્રેજી માઘ્યમની નવી શાળાઓને માન્યતા આપવાની બંધ કરી દીધી.
આ કાયદાને પડકારાતાં સુપ્રીમકોર્ટે પણ માતૃભાષામાં શિક્ષણ આપવાની તરફેણમાં ચુકાદો આપીને કાયદાને વાજબી ઠરાવ્યો. ગુજરાત સરકાર પણ ધારે તો ગુજરાતીને ફરજિયાત ના બનાવી શકે ? સવાલ ઇચ્છા-શકિતનો છે, શકિત તો સરકારમાં ભરપૂર છે, જે ખૂટે છે તે ઇચ્છાનો પ્રશ્ન ખરો.
અલબત્ત એક ફેશન લેખે અંગ્રેજી ભાષાને ઉતારી પાડવાનો અહીં ઉપક્રમ નથી. અંગ્રેજો પછી અંગ્રેજીને પણ તગેડી મૂકવી જોઇએ. પરંતુ જે મુશ્કેલી છે એ અંગ્રેજી માઘ્યમની છે. જોકે આની પણ આપણને ખબર છે.
(લેખક વરિષ્ઠ હાસ્યકાર છે.)