HomeSpotlightGujarat Day Gujarat Day

ગુજરાતમાં આવેલા સામાજિક પરિવર્તનની અરધી સદી

half century of social changeસરેરાશ ગુજરાતી ધર્મભીરુ, શાંતિપ્રિય, શાકાહારી, પૈસાદાર, વ્યાપારી વૃત્તિવાળો તથા ઉધોગ સાહસિક તરીકે ઓળખાતો હતો. છેલ્લાં પચાસ વર્ષોમાં ગુજરાતનું માળખું લગભગ બદલાઇ ગયું છે. જ્ઞાતિનું માળખું બદલાયું છે. ૧૯૬૦થી ૧૯૭૪ વચ્ચે વાણિયા- બ્રાહ્મણોનું વર્ચસ્વ રહ્યું.

આ સમયગાળામાં તમામ મુખ્યમંત્રીઓ વાણિયા કે બ્રાહ્મણ હતા. ‘મહાજન’માં વણિક, લોહાણા, ભાટિયા, જૈન, વોરા, ખોજા, મેમણ અને પારસીની ગણના હતી. લેખકો તો લગભગ બધા બ્રાહ્મણો હતા. ૧૯૪૯થી અમૂલ તથા અન્ય સહકારી સંસ્થાઓની સ્થાપના, ૧૯૫૬ના જમીન સુધારા અને છેવટે ૧૯૭૦ની હરિયાળી ક્રાંતિને લીધે અત્યાર સુધી સામાજિક કોટીક્રમમાં પાછળ રહેલા કણબીઓ (લેઉઆ, કડવા અને આંજણા) વિકાસ પામી, ખેતીમાંથી બહાર આવી પરંપરાગત વ્યાપારી કોમોના હરીફ બન્યા.

‘પટેલ’ની સામાજિક ઓળખ અને સ્વામિનારાયણની સાંપ્રદાયિક ઓળખ સથે રાજકારણમાં પણ અગ્રેસર બન્યા. ૧૯૭૦થી ૧૯૯૫ સુધીના સમયમાં તમામ ક્ષેત્રોમાં પટેલો પ્રભાવી રહ્યાં. પ્રભાવ અને આધિપત્ય આવવા સાથે બદલાતી મૂલ્ય વ્યવસ્થા કયારેક અન્ય લોકોને ખૂંચતી હોય છે.

જૂની અને આભિજાત્ય મહાજન પ્રથાના ઉપર ગણાવ્યાં તેવાં શાંતિ, અહિંસા વગેરે મૂલ્યોના પ્રમાણમાં નવધનિક વર્ગની મૂલ્યવ્યવસ્થા હિંસા, સાધનશુદ્ધિમાં બેદરકારી તથા સંસ્થાઓ પર કબજો જમાવવાની ઇરછાએ ગુજરાતમાં બે અનામત વિરોધી આંદોલન અને કેટલાંક કોમી રમખાણોમાં ફાળો આપ્યો, પરંતુ ધીમે ધીમે આ નવધનિક વર્ગ મહાજનના મુખ્ય પ્રવાહનો ભાગ બની ગયો.

લગભગ ૧૯૯૦થી ઉપવર્ગોની જાગૃતિનો નવો તબક્કો શરૂ થાય છે. સાગરકાંઠાના કોળી, ખારવા, ખલાસી વગેરે અન્ય પછાત વર્ગોમાં સ્વાઘ્યાય પરિવાર વગેરેના સહારે જાગૃતિનું મોજું આવે છે. દલિતોમાં તો શિક્ષણ અને દલિત સાહિત્ય થકી આ પ્રવાહ શરૂ થયેલો સ્પષ્ટ દેખાય છે.

આદિવાસીઓ હવે પોતાના વિસ્તારમાં કામ કરતી ગાંધીવાદી-આશ્રમી સ્વૈરિછક સંસ્થાઓ સામે અવાજ ઉઠાવી ઢોલ કે ‘આદિલોક’ થકી પોતાની અલગ ઓળખ સ્થાપિત કરવા મથે છે. બરાબર આ જ સમયે નવી મહિલા સંસ્થાઓ સ્થાપિત થાય છે અને જૂની, દાન આધારિત, મહિલા સંસ્થાઓનું સ્વરૂપ બદલાય છે.

હવે નારીવાદી સંસ્થાઓ સ્ત્રીઓનાં અધિકારોની વાત કરે છે. ૧૯૯૫ પછી ગુજરાતના રાજકારણમાં કેશુભાઇની વિદાય સાથે પટેલોનું વર્ચસ્વ સમાપ્ત થયું અને નરેન્દ્ર મોદીના આગમન સાથે અન્ય પછાતોનું વર્ચસ્વ શરૂ થયું તેમ કહી શકાય. અન્ય પછાતોના આ પ્રભાવ હવે ગુજરાતના રાજકારણમાં કાયમ દાખવી શકશે, કેમ કે વસતીમાં તેમની સંખ્યા લગભગ ચાળીસ ટકા છે.

એક બાજુ જ્ઞાતિગત વ્યવસાય, જ્ઞાતિમાં લગ્ન, જ્ઞાતિના ખાનપાનના રિવાજો, જ્ઞાતિવાડા વગેરે લગભગ તૂટી ગયા છે.

તો બીજી બાજુ જ્ઞાતિ ઓળખ, જ્ઞાતિ વિકાસ, જ્ઞાતિ અને રાજકારણની વાતો વધતી જાય છે. જ્ઞાતિ ઓળખની વાત કરનાર વ્યકિતગત લાભ માટે આ વાત કરે છે, તેને જ્ઞાતિ વ્યવસાયમાં, જ્ઞાતિમાં પોતાનાં સંતાનો પરણાવવામાં કે જ્ઞાતિના રિવાજો પાળવામાં પણ રસ નથી.

સમાજ સુધારા છેલ્લાં પચાસ વર્ષમાં ખૂબ નબળા પડયા છે. સ્ત્રી ભ્રૂણ હત્યા એટલી વધી ગઇ છે કે મહેસાણામાં સ્ત્રી અનુપાત ૧૦૦૦:૮૫૦ જેટલો નીચો ગયો છે. આ ઉપરાંત સ્ત્રી પર અત્યાચાર, વેશ્યાવૃત્તિ, લગ્નબાહ્ય સંબંધો, એઇડ્સ વગેરે સમસ્યાઓ જન્માવે છે.

બાલિકા શિક્ષણમાં પણ ગુજરાત દેશમાં પંદરમા સ્થાને છે. વ્યાવસાયિક શિક્ષણની અપૂરતી સગવડો તથા શિક્ષણમાં રાજકારણે ગુજરાતને આ ક્ષેત્રે ઘણું પાછળ રાખ્યું છે. ખેડૂતોની આત્મહત્યા, અસંગિઠત શ્રમિકોના કલ્યાણક્ષેત્રે બેકાળજી, કોમવાદ, બાલશ્રમિકો, ગામડાંમાં પીવાનાં શુદ્ધ પાણીની અછત તથા નર્મદા જલવ્યવસ્થાપન ક્ષેત્રે ઘોર નિષ્કાળજી, પર્યાવરણની બેદરકારી વગેરે એમ બતાવે છે કે એક સ્વસ્થ, અહિંસક અને ટકાઉ વિકાસ લોકોની સુખાકારી માટે ઘણું કરવાનું બાકી છે.

(લેખક વરિષ્ઠ સમાજશાસ્ત્રી છે.)