
Spotlight
Gujarat Day Gujarat Day
એ ભાઇ શેરદલાલ છે એવું કોઇ કહે ત્યારે સામેથી તરત સાંભળવા મળે કે તે ગુજરાતી હશે. શેરબજાર એટલે ગુજરાતીઓની બજાર! એમ તો વેપારની ભાષા એટલે ગુજરાતી ભાષા એવું પણ કહેવાય અને તેમાં પણ ખાસ કરીને શેરબજારની વાત હોય ત્યારે શેરદલાલ કહો કે રોકાણકાર ગણો, સટોડિયા કહો કે ટ્રેડર માનો, મોટે ભાગે સર્વ ગુજરાતીઓ જ.
છેલ્લા ૫૦ વર્ષ જ નહીં, એક સદીથી પણ વધુ સમયથી શેરબજારની સ્થાપનાથી લઇ તેના અત્યાર સુધીના વિકાસમાં તેમ જ દેશભરમાં સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર ફેલાવવામાં ગુજરાતીઓનો બહુ જ મોટો ફાળો રહ્યો છે.
મુંબઇ શેરબજારના વિકાસમાં ફાળો આપનારા ગુજરાતીઓની યાદી લાંબી છે. તેમ છતાં સૌ પ્રથમ બિગબુલ પ્રેમચંદ રાયચંદના નામથી શરૂ કરીએ તો આજ દિન સુધી એક યા બીજી ભૂમિકામાં અનેક ગુજરાતીઓ છે જેમણે શેરબજારના વિકાસમાં જીવન સમર્પિત કરી દીધુંછે અથવા હજી પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
બીએસઇમાં આજે પણ જેમનું નામ સન્માનથી લેવાય છે અને જેમની પ્રતિમા આ ટાવરમાં ૨૫માં માળે મુકાઇ છે એ કે.પી. શ્રોફનો ફાળો પણ શેરબજારના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે.
શેરબજાર, ઇકિવટી કલ્ટ અને આમ લોકોને શેરમાં રસ લેતા કરવાની વાત આવે ત્યારે દંતકથા સમાન ધીરુભાઇ અંબાણીનું નામ મોખરે રહે છે.
૧૯૭૦ના સમયગાળામાં જયારે સામાન્ય માનવી શેરબજાર વિશે ભાગ્યે જ વિચાર પણ કરતો હશે ત્યારે ધીરુભાઇની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પહેલો પબ્લિક ઇસ્યૂ લાવીને ભારતની મૂડીબજારના ઇતિહાસમાં એક નવા જ પ્રકરણ સાથે પ્રવેશ કર્યો હતો.
શેરબજારના વિકાસ માટે સદા અડીખમ રહેનાર એચ.ટી. પારેખનો ફાળો સાવ જ નોખો અને યાદગાર છે એમ રસપૂર્વક જણાવતાં એક જૂના શેરદલાલ કહે છે, જયારે જીજીભોય ટાવર બની રહ્યું હતું ત્યારે એ સમયે નાણાં કટોકટી સર્જાઇ હતી અને નાણાંના અભાવે કામ અટકી ગયું હતું, એ વખતે દલાલોને એ બંધાઇ રહેલા મકાનને વેચી દેવાની નોબત આવી પડી હતી અને એમ કરવાની તૈયારી થઇ રહી હતી ત્યારે પારેખ સાહેબે તેમને કાહ્યું હતું કે તમે તમારી માને વેચી રહ્યા છો, આમ નહીં કરો અને નાણાંસંસ્થાનો સહયોગ મેળવો.
એ સત્ય સર્વને સ્પર્શી ગયું અને આખરે નાણાંસંસ્થાના સહયોગથી જીજીભોય ટાવર ઊભું થયું, જે આજે દલાલ સ્ટ્રીટની શાન છે. આ એ જ એચ. ટી. પારેખ જેમણે એચડીએફસીની સ્થાપના કરી લાખો લોકોના પોતાના ઘરના સપનાને સાકાર કર્યું છે.
એક સમયના યુનિટ ટ્રસ્ટના ચેરમેન જી.એસ. પટેલે પણ શેરબજારના રિફોર્મ્સ માટે અનેક સૂચનો અને ભલામણો કરીને સરકાર અને દલાલોને પણ જગાડયા હતા, જેને લીધે બજારની સિસ્ટમમાં સંખ્યાબંધ સુધારા આકાર પામ્યા હતાં. આ સાથે ડૉ. એસ.એ.દવે પણ એક યાદગાર નામ છે.
જેઓ પણ એક સમયે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના અઘ્યક્ષ અને સેબીના સર્વપ્રથમ ચેરમેન હતા મ્ચુરયુઅલ ફંડના સુધારા માટે તેઓ આજે પણ સેબીની સલાહકારી સમિતિમાં સ્થાન ધરાવે છે. શેરબજારના વિકાસમાં ગુજરાતીઓ આજની તારીખે અને આવતીકાલ માટે પણ નવી ક્રાંતિ અર્થે સજજ થઇ રહ્યાછે.
ગુજરાતીઓની આગલી પેઢીની મહેનત અને નવી પેઢીની ધગશ જોતાં ભારતીય શેરબજાર પર ગુજરાતીઓ સદા છવાયેલા હતા અને રહેશે.
(લેખક શેરબજારના નિષ્ણાત છે.)