HomeSpotlightGujarat Day Gujarat Day

નવી પેઢી બદલશે નવું કલેવર

yusuf pathan એમ કહેવાય છે કે ઇન્ટરનેશનલ લેવલે કોઇ પણ દેશની ઓળખ તેની રમતગમતની સિદ્ધિઓ દ્વારા જ થતી હોય છે. આ જ વાત ભારતની રમતોની ચર્ચા થાય ત્યારે પણ લાગું પડે છે અને આ રીતે ગુજરાતની રમતગમતની સિદ્ધિઓ રાજયને રાષ્ટ્રીય ક્ષેત્રે નામ અપાવે છે.

ભારતે ચેસ, ખો ખો, કબી જેવી રમતોને જન્મ આપ્યો છે. આ ઉપરાંત ભારતમાં અન્ય રમતો પણ યોજાય છે અને તેમાં ક્રિકેટ મોખરે છે. જોકે ટેનિસ, હોકી, ટેબલટેનિસ, ચેસ, બેડમિન્ટન, વોલીબોલ અને બોકિસંગની લોકપ્રિયતા પણ ઘણી છે. ગર્વ એ વાતનો લઇ શકાય કે આ તમામ રમતોમાં ગુજરાત અને ગુજરાતીઓ જરાય પાછળ નથી.

સામાન્ય રીતે ગુજરાતી નામ પડે એટલે બિઝનેસ યાદ આવે, કેમ કે ગુજરાતીઓ પાક્કા વેપારી હોવાની છાપ ધરાવે છે. એમ કહેવાય છે કે મગજનો ઉપયોગ કર્યા વિના સફળતા મળતી નથી.

એનો અર્થ એ થયો કે આપણે ગુજરાતીઓ પાસે અદભૂત મગજશકિત છે. ઘણા ગુજરાતીઓ ડોકટર કે એન્જિનિયર કે કમ્પ્યૂટર સોફ્ટવેરમાં માસ્ટરી મેળવીને વિદેશ ગયા છે. પણ રમતની વાત આવે ત્યારે માત્ર મગજ ઉપરાંત શારીરિક શકિત અને શિસ્તની પણ જરૂર પડે છે.

આપણે ગુજરાતીઓ ચટાકેદાર વાનગીઓ આરોગવાની આદત ધરાવીએ છીએ અને તેને કારણે રમતગમતમાં થોડા પાછળ રહી જવાના કિસ્સા બન્યા છે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે આરોગ્ય વિશે પણ ચિંતિત બન્યા છીએ અને કદાચ આ જ બાબત રમતગમતની દુનિયામાં ગુજરાતની સફળતાનું રહસ્ય છે.

એક વાલી તરીકે આપણે આપણા બાળકોને વિવિધ રમતમાં ભાગ લેતા કરી રહ્યા છીએ અને તેનું પરિણામ એ આવ્યું છે કે આજે કોઇ પણ રમત લો તમને રાષ્ટ્ર કક્ષાએ ગુજરાતી ખેલાડી તો મળી જ રહેશે પછી તે ક્રિકેટ હોય, હોકી હોય, ટેનિસ હોય કે ચેસ હોય.

આ તમામ રમતોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે હરળફાળ ભરી છે. આજે ગુજરાતનું એક લેવલ બની ગયું છે અને મને ખાતરી છે કે આગામી વર્ષોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ રમતોમાં વધુ સંખ્યામાં ગુજરાતીઓ છવાયેલા રહેશે.

હાલમાં સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલી આઇપીએલની જ વાત કરીએ તો લગભગ તમામ ટીમમાં એકાદ તો ગુજરાતી છે જ. આ ઉપરાંત ગયા વર્ષ કરતાં આ વર્ષે આઇપીએલમાં ગુજરાતી ક્રિકેટરોની સંખ્યામાં વધારો થયો છે.

અમે રમતા હતા તેના કરતાં આજે માત્ર ક્રિકેટ જ નહીં પણ તમામ રમતોનો વ્યાપ વઘ્યો છે અને તેની સાથે સાથે તેમાં રમવાની તકો પણ વધી છે. જેનો લાભ કોઇ ગુજરાતી ના લે તે બને જ નહીં.

એક સમય એવો હતો કે ક્રિકેટથી માંડીને લગભગ દરેક સ્પોટ્ર્સમાં તક ઓછી હતી. પરિણામે કટ્ટર અને ગળાકાપ હરિફાઇના માહોલમાં શહેરી અને સંપન્ન પરિવારમાંથી આવતા યુવાનો ફાવી જતા હતા. પરંતુ હવે તક એટલી બધી ઉપલબ્ધ છે કે સ્પોટ્ર્સમાં સફળતા મેળવવા માટે સાધનસંપન્ન હોવું ફરજિયાત નથી રહ્યું. ઇરફાન-યુસુફ કે મુનાફ જેવા મઘ્યમવર્ગિય પરિવારના યુવાનોની જવલંત સફળતા તેનું ઉદાહરણ છે. રમતોમાં હવે પૈસો પણ વઘ્યો છે

જેને કારણે ખેલાડી રમતને વ્યવસાય બનાવી શકે છે. હવે એ જમાનો રહ્યો નથી જયારે કોઇ ક્રિકેટર અથવા તો કોઇ પણ સ્પોર્ટ્સમેને મેચ કે મુકાબલા બાદ નોકરી કરવા જવું પડે અથવા તો ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ઓફિસમાંથી રજા લેવી પડે. કદાચ આ જ કારણસર રમતનું સ્તર પણ સુધરી રહ્યું છે.ગુજરાત સરકારે પણ રાજયમાં રમતગમતના વિકાસ માટે ઘણી યોજનાઓ ઘડી છે અને તે હવે મેદાન પર દેખાઇ રહ્યું છે.

રણજી ટ્રોફીમાં જે ગુજરાત પાસેથી ઝોનલ ટીમોમાં પણ મોખરે રહેવાની અપેક્ષા રખાતી ન હતી તે ટીમ હવે પાર્થિવ પટેલની આગેવાની હેઠળ આગેકૂચ કરી રહી છે અને ગયા વર્ષે તો તેણે પ્લેટ ચેમ્પિનશિપ પણ જીતી હતી.

સૌરાષ્ટ્ર અને બરોડાની ટીમ પણ નવયુવાન ખેલાડીઓની મદદથી આગળ ધપી રહી છે. અન્ય રમતોમાં પણ ગુજરાતે સારી એવી નામના મેળવી છે એ જોતાં ગુજરાતનું ભાવિ ઘણું ઊજળું છે.

(લેખક જીસીએના મુખ્ય પસંદગીકાર છે.)

સંબંધિત સમાચાર
* ભારતનું ગ્રોથ એન્જિન ગુજરાત
* સ્વર્ણિમ ગુજરાત ૨૧મી સદીના ભારતનું રોલ મોડેલ
* ગુજરાત ગુણગાથા અને ઈતિહાસ
* ગુજરાત પ્રતીકો ભૂંસાઇ રહ્યાં છે
* ગુજરાત રાજયના વિધાતા - સરદાર પટેલ