
Spotlight
Gujarat Day Gujarat Day
સામાન્યત: દેશાંતર કરીને નવા, અજાણ મુલકમાં વસવાટ કરનારા (ડાયસ્પોરા)ની પહેલી પેઢી પરિશ્રમ લક્ષી સંઘર્ષ કરીને સ્થિર થાય. તે પછી બીજી પેઢી શિક્ષણ મેળવીને સંપન્ન થાય અને ત્રીજી-ચોથી પેઢી કલા-સાહિત્યના પ્રસંગોને માણતા થાય કે રાજકીય ક્ષેત્રમાં આગળ આવે, તેવું ડાયસ્પોરાનો ઇતિહાસ બતાવે છે. પણ અમેરિકા-બ્રિટન-કેનેડામાં તો ગુજરાતીઓની પહેલી પેઢીએ જ આ બધું સિદ્ધ કર્યું. થોડા પ્રેરક દ્દષ્ટાંતો જોઇએ.
ગોંડલના ડો.વિજય ધડુક એમના પત્ની સાથે અમેરિકા આવ્યા, ત્યારે એક જ મોટા રૂમમાં પાર્ટિશન કરીને બીજા બે મિત્રદંપતીઓ વચ્ચે એક મોટો રૂમ અને ટોયલેટ વાપરતા હતા.
હવે તેઓ છ મોટી હોસ્પિટલોમાં કન્સલ્ટન્ટ છે. ખેડાના ચંદ્રકાન્ત પટેલે પત્ની સાથે ન્યૂ જર્સીમાં બે છેડા મેળવવા થીજવી નાખતી ઠંડીમાં કામ કર્યું. હવે ઇસેલીનમાં ‘ચોપાટી’ અને ‘ઝૂંપડી’ રેસ્ટોરાં ચલાવે છે. અરવિંદ દેસાઇએ સાનફ્રાન્સિસ્કોમાં થોડાં રૂમોવાળી ‘મોમ એન્ડ પોપ’ મોટેલ ચલાવી, મોટેલો હસ્તગત કરી.
વડોદરાના મઘ્યમ વર્ગીય ખેડૂતના પુત્ર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં બિઝનેસ ઓફિસ ધરાવનાર એચ.આર.શાહ કાળક્રમે ફૂટપાથ પર આવી ગયા હતા. પણ કોઠાસૂઝથી ફરીથી ટોચ પર આવીને ૨૦૦ સ્ટોરની ચેનલ ધરાવતી કંપનીના માલિક બન્યા. યુગાન્ડાથી ઇદી અમીને કાઢી મૂકેલા પ્રાણલાલ શેઠે લંડનમાં વર્ષે ૮૮૫ પાઉન્ડની નોકરી શરૂ કરીને ૫૦,૦૦૦ પાઉન્ડ પગાર મેળવીને ‘ગુજરાત સમાચાર’ની સ્થાપના કરી.
૧૯૫૯માં બારડોલી પાસેના ડાહ્યાભાઇ પટેલે ઉત્તર કેલિફોર્નિયામાં ગોરાઓના ફાર્મોમાં રુદ્રાક્ષ અને એપ્રિકોટ વીણવાનું શ્રમકાર્ય કરેલું. તે પછી એમણે મોટેલ શરૂ કરી અને ગુજરાતીઓને મોટેલ ચલાવતાં શીખવ્યું. વડોદરાથી ગૌતમ અમીન ૧૯૮૨માં ૨૨ ડોલર સાથે ન્યૂ યોર્ક આવ્યા. શરૂઆતમાં છાપાં વેરયાં.
આજે કોલંબસ (ઓહાયો)માં ૧૩ હોટલો ઊભી કરી, જેમાં ૩ મિલિયન ડોલરની આધુનિક હોટેલનો પણ સમાવેશ થાય છે. પટેલોએ ‘પોટેલ’ અને પહેલી પેઢીના ગુજરાતીઓએ ‘રૂમ ટુ રીચિસ’ના શબ્દપ્રયોગો આપ્યા છે!
કોલંબસમાં મેટ્રિક ભણેલ ઉર્મિલાબહેન પટેલ છેક વનમાં પ્રવેશ્યા પછી છૂટક નાસ્તો બનાવીને, તે વેચવાનું શરૂ કર્યું. તે પછી અન્નપૂર્ણા નામનો લોકપ્રિય સ્નેકબાર ચલાવેલો. ‘દીદી’, ‘દાદીમા’, ‘શોભા ટિફિન્સ’,‘પાઠક પિકલ્સ’ બ્રિટનના રાષ્ટ્રીય ફૂડ તરીકે પંકાયેલા ‘ચીકન ટિક્કા મસાલા’ના નિર્માતા સર નૂને આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે.
ધારીના પ્રવીણ શેલડિયા અમેરિકામાં શરૂઆતમાં છૂટક કામ કરીને આજે ૨,૦૦૦ લાખ ડોલર કરતાં વધારે એન્જિનિયિંરગ કામ હાથમાં લે છે. તેઓ તથા ગોવિંદ વઘાસિયા ત્યાંના વલ્લભ આશ્રમ પ્રતિ ઋણ અદા કરવા હવે સારી એવી રકમ ફાળવે છે. પોતાના મા-બાપ સાથે ૧૦ બાય ૧૦ ફૂટની ઓરડીમાં રહેનાર અને ફૂટપાથ પર સ્નાન કરનાર ખોજા યુવક આલ્બર્ટ જસાણી ૧૯૭૨માં સાત ડોલર સાથે આવ્યા હતા.
આજે એમની એટ્લાન્ટિક સિટીની લુપીન મોટેલમાં તેઓ રોજના ૨૫૦થી વધુ ડોલરનો ચાર્જ કરે છે. તેમાં આરસના રૂમો અને ખડક પરથી પાણી પડે ત્યાં આરસનો સ્વિમિંગ પુલ છે. સામ પિત્રોડાએ ૫૦ કરતાં વધુ પેટન્ટો મેળવીને પછી, ભારતમાં ટેકનોલોજી મિશનના વડા તરીકે માત્ર એક રૂપિયાનું માનદ વેતન લીધું.
ચાર વર્ષ પહેલાં પોતાના યુવા સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાની સ્થિતિ પણ નહોતી, એમ એમણે કહ્યું. તેથી ફરીથી કમાવા સામભાઇ અમેરિકા ગયા. ત્યાં ટેકનોકૌશલથી સંપન્ન બની ભારતમાં નેશનલ નોલેજ કમિશનના અઘ્યક્ષ બન્યા. આહોઆ મોટેલ એસોસિયેશનની પ્રજ્ઞા અને સરોજ પટેલે જાતે મોટેલ માલિક કે સંચાલક બની છે.
ગુજરાતી નારીએ પુરુષ સમોવડી બનીને ઉચ્ચ સ્થાન સદ્ધિ કર્યું છે. પ્રતિકૂળ સાંસ્કતિક માહોલ અને કપરા વાતાવરણમાં પરિશ્રમ અને કોઠાસૂઝથી સંપન્ન સ્થિતિને પ્રાપ્ત કરનાર તથા માતૃભૂમિ સાથે અનુબંધ રાખીને, તેના વિકાસમાં ઉદારતાથી પ્રદાન કરનાર આપણો ડાયસ્પોરા ‘બૃહદ્ ગુજરાત’નું ઉજમાળું પ્રકરણ બન્યો છે.
‘સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ’ જ નહીં, ‘સ્ટાન્ડર્ડ (કવોલિટી) ઓફ લાઇફ’ પણ ડાયસ્પોરાની પહેલી પેઢી હાંસલ કરે, એવું બ્રિટન-અમેરિકાના ભારતીયો સિવાય બીજી પ્રજાઓએ હાંસલ કરી બતાવ્યું નથી. ‘અમેરાતી’ (અમેરિકન ગુજરાતી) તરીકે જાણીતા લેખક ગુજરાતી ડાયસ્પોરાના અભ્યાસ માટે આ મે માસમાં પૂર્વ આફ્રિકામાં પ્રવાસે જાય છે.
ગૌરવવંતુ ગુજરાત
ફિજીમાં ૪૫ ટકા પ્રજા ગુજરાતી છે.
એક આંકડા પ્રમાણે અમેરિકામાં ૪૦,૮૩૯ ભારતીય તબીબો છે.
વિશ્વભરમાં લગભગ ૬૦ લાખ ગુજરાતીઓ ફેલાયેલા છે.
બ્રાઝિલમાં ભાવનગરના મહારાજા કષ્ણકુમારસિંહજીના નામની ગૌ શાળા, રસ્તો અને તેમનું પુતળું છે. ૧૯૬૧માં બ્રાઝિલનો એક પશુપાલક નામે સીડ ગુજરાત આવ્યો અને કષ્ણકુમારસિંહ પાસેથી એક વાછરડો લઈ ગયો. એ વાછરડાના પ્રતાપે બ્રાઝિલમાં ગીર ગાયની સંખ્યા ૩૦ લાખ ઉપર પહોંચી છે.
કયાં કેટલાં ગુજરાતીઓ?
અમેરિકા - ૧૦ લાખ..........કેનેડા - ૧.૫ લાખ.............પોર્ટુગલ - ૩૫ હજાર
બ્રિટન - ૭ લાખ............ફ્રાંસ - ૫૨ હજાર...............યુએઈ - ૨ લાખ
મસ્કત - ૫૦ હજાર...........મલેશિયા - ૧.૧ લાખ...........ફિજી - ૩૦ હજાર
ન્યૂઝિલેન્ડ - ૨૨ હજાર..........ઓસ્ટ્રેલિયા - ૨.૫ લાખ.........કેન્યા - ૭૦ હજાર
ટાન્ઝાનિયા - ૬૫ હજાર.........દક્ષિણ આફ્રિકા - ૧.૧ લાખ.......ઝામ્બિયા - ૨૨ હજાર
યુગાન્ડા - ૮૦ હજાર............માલદિવ્સ - ૨૨ હજાર
આ ઉપરાંત મેકિસકો, બ્રાઝિલ, કેરબિયન ટાપુઓ (વેસ્ટ ઇન્ડિઝ), એન્ડોરા, ઝિમ્બાબ્વે, મોરેશ્યસ, માડાગાસ્કર, બરૂન્ડી, ચીન, સિંગાપુર, ફિલિપાઈન્સ, જાપાન વગેરેમાઆં પણ ગુજરાતીઓ છે.
(લેખક ગુજરાતીઓની વિશ્વયાત્રાના અભ્યાસી વિદ્વાન છે)