HomeSpotlightGujarat Day Gujarat Day

આગામી દાયકો હવે ગુજરાતનો છે

parthiv patelરાજયની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરાં થઇ રાહ્યાં છે ત્યારે અડધી સદીની આ યાત્રા પર એક નજર કરીએ તો ખ્યાલ આવશે કે ગુજરાતે રમતગમતની દુનિયામાં ઘણી હરણફાળ ભરી છે તેમ છતાં એક રમતવીર અને ક્રિકેટર તરીકે એક વાતનું દુ:ખ છે કે અન્ય રાજયની સરખામણીએ રમતગમતમાં ગુજરાત ઘણું પાછળ છે.

ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજીમાં આપણા રાજયે ઘણી આગેકૂચ કરી છે અને દેશવિદેશમાં ગુજરાત અને ગુજરાતીઓની બોલબાલા છે પણ રમતોમાં આપણે કેમ પાછળ રહી જઇએ છીએ તે સમજાતું નથી.આપણે બિલિયર્ડ્સમાં ગીત સેઠી જેવો વર્લ્ડચેમ્પિયન ખેલાડી આપ્યો છે.

ટેનિસ અને ટેબલટેનિસમાં પણ આપણે સારા ખેલાડી આપી શકયા છીએ. ક્રિકેટમાં તો રાજયમાં ત્રણ એસોસિયેશન છે અને ત્રણેય અત્યારે સર્વશ્રેષ્ઠ કામગીરી બજાવીન રહ્યાં છે. પણ અન્ય રમતોમાં આપણી પાસે ટેલેન્ટ હોવા છતાં જે સવલતોની જરૂર છે તેનો અભાવ છે. બસ, આ જ કારણે આપણે અન્ય રાજયોની સરખામણીએ પાછળ છીએ.

ગુજરાતમાંથી ક્રિકેટ સિવાયની અન્ય રમતોમાં જે ખેલાડી આગળ આવ્યા છે તે વ્યકિતગત રમતોમાંથી આગળ આવ્યા છે અને તેમના ખુદના પ્રયાસને કારણે આગળ આવ્યા છે તેમ કહેવામાં કોઇ અતિશયોકિત નહીં લેખાય. ટીમ ઇવેન્ટમાં આપણે ખાસ નોંધપાત્ર પ્રદર્શન કરી શકયા નથી.

આ ગાળામાં બરોડાની ટીમ એકાદવાર રણજી ચેમ્પિયન બની છે તો ગઇ સિઝનમાં પાર્થિવ પટેલની આગેવાની હેઠળ ગુજરાતની ટીમે પ્લેટ ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. સૌરાષ્ટ્રની ટીમે વન-ડેમાં ટાઇટલ જીત્યું હતું. ગુજરાતમાં વિવિધ ફેડરેશનો પાસે પૂરતી સવલતો નથી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પણ યોગ્ય સવલતો પેદા કરવાની જરૂર છે. ખરેખર તો સ્પોર્ટ્સનું કલ્ચર ઊભું કરવાની જરૂર છે.

સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ ઉપરાંત નાના સેન્ટરોમાં રમતગમતને લગતી તમામ સવલતો પેદા કરો. આ ઉપરાંત એક જ શહેરમાં પણ નાના નાના સેન્ટરો પેદા કરી શકાય. આ જ રીતે અન્ય શહેરોમાં અને નાના ગામડાઓમાં વિવિધ સવલતો મળતી થશે તો સ્પોર્ટ્સનું કલ્ચર વધશે અને તેમ થશે તો આપોઆપ નવો ખેલાડીઓ મળી રહેશે.

ખેલાડીઓનો વ્યાપ વધશે તો ચેમ્પિયનો પણ મળતા થશે અથવા તો ખેલાડીને વિવિધ સવલતો આપીને તેને ચેમ્પિયન બનાવી શકાશે.સારા ખેલાડી માટે શ્રેષ્ઠ કોચની જરૂર પડતી હોય છે અને આપણે ત્યાં જ સારા કોચ મળી રહેતા હોય તો કોઇ ખેલાડી રાજય બહાર જશે નહીં.

કોચ તેની રીતે રિસર્ચ કરીને એક ડેટાબેઝ તૈયાર કરે અને તે મુજબ ખેલાડીઓ તૈયાર કરે તો ગુજરાતમાંથી આગામી દાયકામાં સર્વશ્રેષ્ઠ રમતવીરો મળી રહેશે. હાલના તબક્કે વિદેશમાંથી કોચ આવે અને તેઓ સ્થાનિક કક્ષાએ કોચ તૈયાર કરે એ પછી તેમની સેવાની જરૂર રહેશે નહીં.

છેલ્લા ૫૦ વર્ષની વાત કરીએ તો ક્રિકેટમાં આપણે ઘણા ખેલાડીઓ ભારતને આપ્યા છે પણ તેમ છતાં અન્ય અને ખાસ કરીને મુંબઇની સરખામણીએ ઓછા ખેલાડી આપ્યા છે. તેનું કારણ કલ્ચર છે. બરોડામાં ક્રિકેટનું કલ્ચર છે અને તેને કારણે આટલા વર્ષોમાં બરોડાએ અઢળક ક્રિકેટરો આપ્યા છે.

બે તો સુકાનીઓ આપ્યા છે. જુનિયર લેવલે ભાવિ સારું છે. અત્યારે અવિ બારોટ અને હર્ષલ પટેલ અંડર-૧૯માં ઓસ્ટ્રેલિયા રમી આવ્યા અને તેમનો દેખાવ પ્રશંસનીય રહ્યાં હતો. બરોડાનો પિનલ શાહ પણ પ્રતિભાશાળી છે તે ભવિષ્યમાં ભારતીય ટીમમાં આવી શકે છે.

ગુજરાત જે મામલે કમજોર જણાય છે એવી એક ખાસ ઘ્યાન દોરનારી બાબત સ્કૂલ કોમ્પિટિશન છે. તમામ રમતો શાળામાં યોજવાનું ફરજિયાત થાય તો ઘણો ફરક પડી શકે તેમ છે, કેમ કે સ્કૂલમાંથી કોઇ રમવાની શરૂઆત કરે તો રાજયની ટીમમાં આવતા સુધીમાં તે પરિપકવ બની જશે. આમ તમામ રીતે જોઇએ તો આગામી દાયકો ગુજરાતનો છે તેમાં કોઇ શંકા નથી. (લેખક ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને સિલેકશન કમિટીના ચેરમેન રહી ચૂકયા છે.)