HomeSpotlightGujarat Day Gujarat Day

ગુજરાતનું રાજકારણ

gujarat politics>>> ૧૯૬૦ બાદ ગુજરાતમાં ૧૬ રાજયપાલ બદલાયા છે. હાલના ગર્વનર પંડિત નવલકિશોર શર્મા રાજયના ૧૭માં રાજયપાલ છે. બે વ્યકિત રાજયના કાર્યકારી ગર્વનર રહી ચૂકયા છે જેમાં પી.એન. ભગવતી બે વાર અને બાલાક્રિષ્ન એક વાર કાર્યકારી રાજયપાલ બન્યા છે.

>>> ચાર કાર્યકારી સહિત અશોક ભટ્ટ વિધાનસભાનાં ૧૯મા અઘ્યક્ષ છે.

>>> ગુજરાતના વર્તમાન ૧૯મા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સળંગ ત્રીજી વાર મુખ્યપ્રધાન બન્યા છે. ચિમનભાઇ, બાબુભાઇ અને કેશુભાઇ બે વાર મુખ્યમંત્રી બન્યા છે. માધવસિંહે આ પદ ત્રણ વાર શોભાવ્યું છે. શકિતસિંહ રાજયના ૨૧મા વિરોધ પક્ષના નેતા છે.

>>> સ્પીકર અશોક ભટ્ટ ગુજરાતમાં સૌથી વધુ સાત વખત (ખાડિયા મતવિસ્તાર) ચૂંટાયા છે.

>>> ગુજરાત અલગ થયું ત્યારે વિધાનસભાની ૧૫૪ વિધાનસભા સીટ હતી. ૧૯૬૭માં તેમાં વધારો થતાં બેઠકોની સંખ્યા ૧૬૮ થઇ. છેલ્લે ૧૯૭૫માં વિધાનસભાની સીટો વધારી કરી ૧૮૨ કરવામાં આવી.

>>> ગુજરાત અલગ પડયું ત્યારે વિધાનસભા અમદાવાદની સિવિલ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં બેસતી હતી. ૧૯૭૧માં વિધાનસભા અમદાવાદથી ગાંધીનગર ખસેડાઈ.

>>> ગાંધીનગરના સેકટર ૧૭માં આવેલું વિઠ્ઠલભાઇ પટેલ વિધાનસભા સંકુલ આધુનિક સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. રાજસ્થાનના ધોલપુરના પીળા પથ્થરમાંથી બનેલી અને બહારથી ચોરસ દેખાતી આ ઇમારત અંદરથી અંગ્રેજી અક્ષર ‘વી’ આકાર ધરાવે છે.

>>> વર્તમાન વિધાનસભામાં ૧૬ મહિલા ધારાસભ્યો છે. સાતમી વિધાનસભામાં પણ ૧૬ મહિલાઓ હતી. પાંચમી અને નવમી વિધાનસભામા સૌથી ઓછી માત્ર ત્રણ મહિલા સભ્યો ચૂંટાઇ હતી.

>>> બે દેશના રાષ્ટ્રપિતા ગુજરાતના વતની છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરના હતા અને પાકિસ્તાનના ‘કાયદે આઝમ’ મહંમદ અલી ઝીણા રાજકોટ પાસે મોટી પાનેલીના વતની હતા.